મિત્રના જન્મ દિવસે બાઈક લઈને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે નીકળેલા ત્રણ મિત્રોને કાળ ભરખી ગયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા માસુમ લોકોના મોત પણ નિપજતા હોય છે. ઘણા લોકો ફરવા માટે જતા હોય છે કે દેવદર્શન કરવા જતા હોય છે ત્યારે જ તેમને અકસ્માત નડે છે અને તેમના મોત પણ થતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે જતા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણેયના મોત નિપજ્યા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા-હાલોલ રોડ ઉપર ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 મિત્રોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની મળી રહેલી વધુ માહિતી અનુસાર મૂળ લુણાવાડાના લીંબડીયા ગામના રહેવાસી રોનક ધનભાઈ પરમારનો જન્મ દિવસ હોવાના કારણે તેની સાથે કુલ પાંચ મિત્રો બાઈક લઈને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા હતા. જેમાં એક બાઈક ઉપર ત્રણ અને બીજી બાઈક ઉપર બે મિત્રો સવાર હતા.

ત્યારે જે બાઈક ઉપર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા તે બાઈકને જ ડમ્પર સાથે ભીષણ અકસ્માત સર્જાયો અને બાઈક ઉપર સવાર રોનક અને તેના બંને મિત્રો વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ રહે.ગાંગરડી, તા.ગરબાડા જિ.દાહોદ, જયેન્દ્ર સંજયભાઈ પટેલ રહે. દેગાવાડા, તા. દે.બારિયા, જિ. દાહોદના મોત નિપજ્યા હતા. આ ત્રણેય મિત્રોની ઉંમર 20 વર્ષ હતી.

આ ઘટનાની પરિવારને જાણ તથા જ તેમના માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. તેઓ તરત જ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા. રોનકનો જન્મ દિવસ હોય બધા જ દર્શન કરવા પાવાગઢ જતા હતા પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો.

Niraj Patel