કળયુગી માતા-પિતાએ 5 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી, સરકારી નોકરી બચાવવા માટે કર્યુ આવું…

સરકારી નોકરી માટે પિતાએ કરી દીધી પાંચ મહિનાની માસૂમ બાળકીની હત્યા, બેથી વધારે બાળકો હોવાને કારણે હતો નોકરી જવાનો ડર

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવતા રહે છે. કેટલીકવાર અંગત અદાવતમાં તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. પણ હાલમાં જે હત્યાનો કિસ્સો સામે આવ્યો છે તેમાં એક પિતાએ સરકારી નોકરી બચાવવા માટે પોતાની પાંચ મહિનાની માસૂમ દીકરીને નહેરમાં ફેંકી મારી નાખી. આ મામલો રાજસ્થાનના બિકાનેરનો છે. પોલિસે આ મામલે મૃતકના માતા-પિતાની ધરપકડ કરી લીધી છે અને ઘણી મશક્કત બાદ માસૂમની લાશ પણ નહેરથી બરામદ કરી છે. પોલિસ આ મામલાની તપાસમાં જોડાઇ છે.

હ્રદય કંપાવી દે તેવો આ મામલો બિકાનેર જિલ્લાના ખાજુવાલા સર્કલના છતરગઢ પોલિસ સ્ટેશન વિસ્તાર સાથે જોડાયેલ છે. હાલ તો પોલિસ આરોપીઓ સાથે વધુ પૂછપરછમાં જોડાઇ છે. ખાજુવાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે જણાવ્યું કે રવિવારે છત્તરગઢ-બીકાનેર ભારતમાલા રોડ પર ઈન્દિરા ગાંધી મુખ્ય નહેરના પુલ ઉપરથી પાંચ મહિનાની બાળકીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. જેના કારણે બાળકીનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાને મોટરસાઇકલ સવારી એક મહિલા અને એક પુરુષ દ્વારા અંજામ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું.

બાદમાં પોલીસને ભારે પ્રયાસો બાદ બાળકીની લાશ કેનાલમાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે આરોપીને શોધવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને ઝડપી કાર્યવાહી કરીને પોલીસે શંકાસ્પદ મોટરસાયકલ સવારોની ઓળખ કરી અને તેમને પકડી લીધા. પૂછપરછ દરમિયાન બંનેએ આ ઘટનાને અંજામ આપવાની વાત સ્વીકારી હતી. જે બાદ પોલીસે ઝંવરલાલ મેઘવાલ અને તેની પત્ની ગીતાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ઝંવરલાલ મેઘવાલ દિયાત્રા ગામનો રહેવાસી છે.

ઝંવરલાલને આશા હતી કે તે જલ્દી સરકારી નોકરીમાં કાયમી બની જશે. નોકરીમાં એક શરત છે કે બેથી વધુ બાળકો ન હોવા જોઈએ. એક બાળકીને કેનાલમાં ફેંકી દીધા બાદ પણ તેને ત્રણ બાળકો છે. તેમાંથી તેણે એક પુત્રીને તેના મોટા ભાઈને દત્તક આપી છે. તેનું કહેવું છે કે બાળકી આકસ્મિક રીતે કેનાલમાં પડી ગઈ હતી. ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના બે બાળકો હોવાનું એફિડેવિટ આપ્યું હતું. તેને ડર હતો કે બે કરતાં વધુ બાળકો હોવાના કારણે તે કાયમી નહીં થાય. આવી સ્થિતિમાં તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી હતી.

Shah Jina