કૌશલ બારડ લેખકની કલમે

બીજું નોરતું : દેવી બ્રહ્મચારિણી આજે કરેલી આટલી સામાન્ય પૂજા ભક્તનો સર્વોદયી ઉધ્ધાર કરી દેશે- વાંચો ધાર્મિક લેખ

મહાપર્વ નવરાત્રીનું બીજું નોરતું માતા બ્રહ્મચારિણીના નામે છે. આજના દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ તરીકે દેવી બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. આવો અહીં જાણીએ માતા બ્રહ્મચારિણીની કથા અને સાથે એમનાં પૂજન વિશેની કેટલીક વાતોથી પણ માહિતગાર બનીએ. માતાનું આ રૂપ ભક્તોનાં સમસ્ત દુ:ખને દૂર કરનારું છે.

વૈરાગ્ય, સંયમ અને તપસ્યાની સાક્ષાત્ મૂર્તિ —

‘બ્રહ્મ’ શબ્દના બે અર્થ થાય છે : તત્ત્વ અને તપસ્યા, અહીં આપણે તપસ્યા શબ્દ લેવાનો છે. ‘ચારિણી’નો મતલબ થાય છે : આચરણ કરનારી. આમ, બ્રહ્મચારિણી એટલે ‘તપસ્યા કરનારી’. બ્રહ્મચારિણી દેવી એ માતા પાર્વતીનું જ એક રૂપ છે. શિવને પામવા માટે પાર્વતી માતાએ જે કઠોર તપસ્યા કરી હતી, એ સ્વરૂપ એટલે બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવીને તપસ્યા, વૈરાગ્ય અને સંયમની દેવી માનવામાં આવે છે. એમનું વસ્ત્રપરિધાન સાદું છે. એક હાથમાં કમંડલ છે તો બીજા હાથમાં કમળનું પુષ્પ છે. આ સાદા પરિધાનમાં પણ માતાની તેજસ્વીતા માંગલ્યકારી અને ભવ્ય લાગે છે.

‘કઠોર’ શબ્દને પણ ઝાંખો પાડે તેવી તપસ્યા —

હિમાલય અને મેનાની પુત્રી તરીકે જન્મેલાં માતા પાર્વતીએ શિવજીને મેળવવા માટે અત્યંત દુષ્કર કહી શકાય તેવું તપ કર્યું હતું. આ તપને પ્રતાપે જ તેઓ ‘બ્રહ્મચારિણી’ કહેવાયા. કહેવાય છે, કે એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-ફૂલ અને કંદમૂળ પર વીતાવ્યાં હતાં! એના પછી બીજાં ૧૦૦ વર્ષ માત્ર શાક પર પોતાનું જીવન વીતાવ્યું હતું. પણ હજુ આ દુષ્કર તપની પરિભાષા બાંધવી એ નરી ઉતાવળ છે. કારણ કે, એ પછી તો માતાએ ત્રણ હજાર વર્ષ માત્ર બીલીપત્ર ખાઈને કાઢ્યાં. એ પણ કેવાં બીલીપત્ર? બીલીનાં ઝાડ પરથી જમીન પર નીચે ખરી પડેલાં જ! હદ તો ત્યારે થઈ કે, માતાએ એ પછી તો બીલીપત્ર ખાવાનું પણ છોડી દીધું અને અન્નજળ સમેત બધાનો ત્યાગ કરી માત્ર ‘વાયુભક્ષ’ જ કર્યો. અર્થાત્ માત્ર શ્વાસ પર જ જીવતાં રહ્યાં! એક બાજુ કળકળતી ટાઢ, ધાણીફૂટ તાપ અને જોરીકો વરસાદ…એમાંયે પાછું શરીરને એકદમ બધી જ રીતે બાંધી લેવાનું અત્યંત દુષ્કર કાર્ય! હવે આવાં તપની વ્યાખ્યા કઈ રીતે થઈ શકે?

આખરે શિવ પ્રસન્ન થયા —

માતા પાર્વતીએ બધું જ ત્યાગીને માત્ર ને માત્ર હોઠ પર ‘ૐ નમ: શિવાય’નું રટણ ચાલુ રાખ્યું. એકમાત્ર શિવ જ એનું સર્વસ્વ હતું. માતાનું શરીર એકદમ જીર્ણ થઈ ગયેલું. એક દિવસ માતા મેનાએ પુત્રીની આ હાલત જોઈ અને તેની રાડ ફાટી ગઈ : “ઉ…મા!” (એ…નહી!) એ દિવસથી માતા પાર્વતીનું બીજું નામ ‘ઉમા’ પણ છે.

ત્રિલોકમાં હાહાકાર વ્યાપી ગયો. આવું તપ હજુ સુધી કોઈએ કર્યું નહોતું કે ભવિષ્ય કોઈ કરી શકે એવી લેશમાત્ર પણ સંભાવના જણાતી ન હતી. આ માત્ર ને માત્ર માતા પાર્વતી, દેવી બ્રહ્મચારિણી જ કરી શકે. બ્રહ્માની વિનવણીથી શિવજી માતા પાર્વતીને પ્રસન્ન થયા અને એ પછી શિવ-પાર્વતીના વિવાહ થયા. છે ને સાક્ષાત્ તપસ્યાની, વૈરાગ્યની ને ભૂતળ પરના કે દેવલોકના કોઈ પણ જીવની કલ્પના બહારના સંયમવાળી દેવી!

સ્વાધિષ્ઠાન ચક્ર —

બીજાં નોરતે માતા બ્રહ્મચારિણીની ઉપાસના વખતે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન ચક્ર’માં સ્થિર થાય છે. આથી ભક્તને માતાની કૃપાનો અવિરત ધોધ સાંપડે છે. આમ, તપસ્યાની દેવી બ્રહ્મચારિણીની ઉપાસના વખતે સ્વાધિષ્ઠાન ચક્ર નજર સામે રાખવાનું રહે છે.

માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે આ અલભ્ય સિધ્ધીઓ —

જગતમાં ઇન્દ્રીયો પરનો સંયમ સૌથી વિશેષ છે. એનાથી મોટું કંઈ નથી. જો તમે મન પર કાબૂ મેળવી શકો તો દુનિયાની કોઈ પણ સિધ્ધી તમે હાંસલ કરી શકવાને સમર્થ છો. આ માટે માતા બ્રહ્મચારિણીનું અનુષ્ઠાન કરવું જ રહ્યું. માતા તો સાક્ષાત્ સંયમ અને તપસ્યા-વૈરાગ્યની મૂર્તિ છે. એમનું તો નામ જ કઠોર સંયમી ભાસે છે. બ્રહ્મચારિણી દેવીની ઉપાસનાથી ભક્તનું મન સ્થિર રહે છે. ગમે તેવી દુષ્કર સ્થિતીમાં પણ તેનો નિર્ણય અફર રહે છે, તેની મનોસ્થિતી સામાન્ય રહે છે. મર ને ભાંગી પડે ભરમાંડ!

કેવી રીતે કરશો માતાજીની પૂજા? —

દેવી બ્રહ્મચારિણીને દૂધ અને દહીંનો ભોગ ધરવામાં આવે છે. આ ઉપરાંત માતાજીની પૂજા વખતે સાકર, સફેદ મીઠાઈઓ અને મિસરીનો પણ ભોગ ધરવામાં આવે છે. માતાજીની મન લગાવીને પૂજા-અર્ચના કરવામાં આવે તો ભક્તની હરેક ઇચ્છા માતાજી ચોક્કસ ફળીભૂત કરે છે.

એ સાથે દેવી બ્રહ્મચારિણીના આ મંત્રનો જાપ કરવાનું ચૂકશો નહી :

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ |
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ||

[ જેમના એક હાથ માળા અને બીજા હાથમાં કમંડલ શોભે છે એવા દુર્ગાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મચારિણી દેવીને હું વંદન કરું છું. ]

જય બ્રહ્મચારિણી માતા!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App