ખબર મનોરંજન

ઊંધેકાંધ પછડાયો સલમાનનો ‘બિગબોસ’ શો, ટીઆરપીની લિસ્ટમાંથી બહાર ધકેલાયો!

આ કારણથી ‘બિગબોસ’ની સિઝન ફ્લોપ જઈ રહી છે, વાંચો ક્લીક કરીને

સલમાન ખાન જેમાં ‘મોટાભાઈ’ બનવાનું ગૌરવ લે છે એ બિગબોસ ટેલિવિઝન શોની હાલ ૧૪મી સિઝન ચાલી રહી છે. કલર્સ ટીવી પર આવતો આ શો લોકોને કઈ રીતે પસંદ આવે છે એ તો ભગવાન જાણે પણ આટલી સિઝન થઈ ગઈ એનો મતલબ જેવુંતેવું પણ કંઈક હશે તો ખરું!

જો કે, આ વખતની બિગબોસની સિઝન દર્શકોનાં મંતવ્યો અનુસાર તો ખરા અર્થમાં ‘બોગસ’ સાબિત થઈ રહી છે. હમણાં BARC(બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ સેન્ટર) દ્વારા ટીઆરપીની લિસ્ટ બહાર પાડવામાં આવી તો બિગબોસનું નામ ટોપ-૫ શોમાં પણ નહોતું! આ અતિશ્યોક્તિ ભરેલા શોની ગઈ સિઝન તો ધમાકેદાર રહી હતી. તો આ વખતે શું થયું? અથવા કેમ આમ થયું? આ અમુક કારણો છે, જેને લીધે આવું થયું:

પકાઉ કન્ટેન્ટ અને બોરિંગ કન્ટેસ્ટન્ટ્સ:

દર્શકોના માનવા મુજબ, બિગબોસ-૧૪માં કન્ટેન્ટનાં નામે મીંડું છે. ભાગ લેનારા લોકો વાતવાતમાં એકબીજા સાથે બથોડા લેવા માટે છે, વગર વાતે પણ લડી પડે છે! આને લીધે દર્શકોને મનોરંજન મળવાને બદલે ‘ઓવર એક્ટિંગ’ જેવું લાગે છે. નવા પ્રતિયોગીઓ કંઈ ઉકાળી શકતા નથી અને સિનિયરો આવી ગયા એ પછી તો તેઓ ઝાંખા જ પડી ગયા.

ગાંધીવાદી પ્લેયરો:

બિગબોસ શોની ખાસિયત છે, કે એમાં જે સૌથી વધારે અવળચંડાઈ કરે તે જીતે છે! આને પરિણામે દર સિઝનમાં કન્ટેસ્ટન્ટ્સ બથોડાં લેતા જોવા મળે છે. અમુક તો એકબીજા સાથે બાપે માર્યાં વેર હોય તેમ આથડે છે! પણ આ વખતની સિઝનમાં આવેલા પ્રતિયોગીઓ એકબીજા સાથે ભાઈચારાથી રહેતા જોવા મળે છે. જેને પરિણામે બિગબોસ જોનારા દર્શકોને જે ધડબડાટી જોવી છે એ જોવા મળતી નથી.

એન્ટરટેઇનમેન્ટની ગેરહાજરી:

આ વખતની સિઝનમાં મનોરંજનનો અભાવ જોવા મળે છે. દર સિઝનમાં જેમ પ્લેયરો વચ્ચે કનેક્શન જોવા મળતું એ હાલ ગાયબ છે. એ સાથે ‘અનફેયર ગેમ’ને લીધે પણ ઉત્સુકતાનો અભાવ જોવા મળે છે. હળીમળીને ટાસ્ક પૂરા કરતા કન્ટેસ્ટન્ટ્સ લોકોને જોઈએ તેવી સામગ્રી પીરસી શકતા નથી. પહેલાથી જ ખબર પડી જાય છે કે, ટાસ્ક કોણ પૂરો કરશે.

બોયકોટ સલમાન:

બિગબોસ શો ઘણા લોકોના ધિક્કારને પાત્ર તો બનેલો જ છે. એમાં પણ જ્યારથી સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો મુદ્દો ચાલ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર બોલિવૂડના લગભગ બધા જ મોટા ચહેરાઓને ‘બોયકોટ’ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. સલમાન ખાન પણ આ ટ્રેન્ડની ઝપેટમાં આવી ચૂક્યો છે. એક અનુમાન મુજબ, સૌથી વધારે અસર આ ‘બોયકોટ’ની જ થઈ રહી છે.