ગુણાતીત સ્વામી આપઘાત કેસમાં આવ્યો મોટો વળાંક ! શું આ કારણે કંટાળી ગુણાતીત સ્વામીએ કર્યો આપઘાત?

સોખડા સ્વામિનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. ત્યારે હજી સુધી તો પોલિસ ગુણાતીત સ્વામીના કેસમાં કોઇ ચોક્કસ કારણ જાણી શકી નથી ત્યાં તેઓ જે રૂમમાં રહેતા હતા ત્યાંની નજીક અને સામેના રૂમમાં રહેતા કેટલાક સ્વામીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસની તપાસ પણ કરજણ સર્કલ પીઆઇને સોંપવામાં આવી છે. ગુણાતીત સ્વામીએ થોડા સમય પહેલા જ 21 નંબરના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલિસે તપાસ શરૂ કરી હતી. જો કે, શરૂઆતમાં આ તપાસ તાલુકા પોલિસ સ્ટેશનના ASI, જે બાદ PSI અને હવે CPIને સોપવામાં આવી.આ કેસમાં આગામી દિવસોમાં કેટલાક ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુણાતીત સ્વામી હરિધામ છોડવા તૈયાર હતાં અને તેમણે આ મામલે પ્રબોધસ્વામીને મળી વાત પણ કરી હતી. તારીખ 21 એપ્રિલના રોજ પ્રબોધસ્વામી સહિતના જૂથે હરિધામ છોડયું અને 27 એપ્રિલે તેમનું મોત થયુ. પોલિસે જયારે રૂમ નંબર 37માં રહેતા હરીસૌરવ સ્વામી, ભગવતપ્રિય સ્વામી રૂમ નંબર 38માં રહેતા યોગીચરણ સ્વામી, ભક્તિસૌરભ સ્વામી તેમજ રૂમ નંબર 20માં રહેતા વિશ્વેશ્વરદાસ સ્વામી અને સરલજીવનદાસ સ્વામીની પૂછપરછ કરી ત્યારે તેમને જણાવ્યુ કે અમને સવારે ખબર પડી કે સ્વામી ધામમાં પહોંચી ગયા છે. સ્વામીએ ફાંસો ખાધો તેવુ પહેલા કહેવામાં આવ્યુ ન હતુ.

જો કે, આ અંગે પહેલા ચર્ચા હતી કે ગુણાતીત સ્વામીના દેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો અને તે બાદ પોલિસને જાણ થતા પોલિસે અંતિમ સંસ્કારની વિધિ અટકાવી હતી. નોંધનીય છે કે, યોગી ડિવાઈન સોસાયટી અને હરિધામ સોખડાની 10,000 કરોડ રૂપિયાની સંપત્તિના વિવાદમાં છૂટા પડી બાકરોલ આત્મીયધામમાં આશરો લેનાર પ્રબોધમ જૂથના સંતોએ 21 એપ્રિલે હાઈકોર્ટમાં હરિધામમાં તેમની પર ગુજારાતા માનસિક ત્રાસની વિગતો વર્ણવી હતી, તેમાં તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, કપડાં વિના મંદિર બહાર કાઢી મૂકવાની ધમકી સહિત અનેક અત્યાચારને કારણે 20થી વધુ સંતોને આપઘાતનો વિચાર આવ્યો હતો.

જો કે, આ ઘટનાના 6 દિવસ બાદ જ પ્રબોધમ જૂથના ગુણાતીતસ્વામીએ આપઘાત કરી લીધો. ત્યારે હવે હરિભક્તોનું માનવું છે કે, ગુણાતીતસ્વામીએ પણ માનસિક ત્રાસથી કંટાળીને જ આપઘાત કર્યો છે. જયારે સંતો વચ્ચેનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે ઘણી વાતો સામે આવી હતી. સંતોએ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો તે પણ જણાવ્યુ હતુ. નામદાર કોર્ટે કહ્યુ હતુ કે તમે બધા તો સમાજને પ્રેરણા આપનારા છો, તો આપઘાતના વિચારો કેવી રીતે આવે ?

ત્યારે સંતોએ જણાવ્યું કે સંસારમાં રહેતી વ્યક્તિની પોતાની સહન કરવાની ક્ષમતા 50 ટકા હોય છે. 50 ટકા ક્ષમતા પૂરી થાય એટલે આપઘાત કરવાના વિચારો આવે છે. અમે સંતો ભગવાન નથી, મનુષ્ય જ છીએ. ભગવાનના સંદેશાવાહક છીએ. અમે સાધના કરતા સેવકો છીએ, અમારી સહન કરવાની ક્ષમતા કદાચ 80 ટકા હોય. ક્ષમતા પૂરી થાય એટલે આપઘાતના વિચારો આવે.

Shah Jina