કેનેડા બોર્ડર પર કલોલના પટેલ પરિવારના 4 સભ્યોના મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો- જાણો વિગત

કલોલના ડીંગુચા ગામનો પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ તેમનું સપનું કેનેડા-યુએસ બોર્ડર ઉપર જ રોળાઈ ગયું હતું. ત્યાં માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પરિવારના ચારેય સભ્યોના મોત નિપજ્યા હતા. ગાંધીનગરના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની 35 વર્ષીય જગદીશભાઈ પટેલ, તેમના 33 વર્ષીય પત્ની વૈશાલીબેન, 12 વર્ષીય પુત્રી વિહંગા અને 3 વર્ષીય પુત્ર ધાર્મિક આ ચારેય મોતના 10-12 દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. ત્યારે કેનેડા-યુએસ બોર્ડર ઉપર મોતને ભેટેલા લોકોમાં આ પટેલ પરિવારના જ ચાર સભ્યો હોવાની વાત ચર્ચાઈ રહી હતી.

તેમના નિધનના સમાચાર બાદ ડીંગુચા ગામમાં શોકનો માહોલ પણ ફરી વળ્યો છે.હાલ આ ચારેય મૃતદેહોને કેનેડાથી ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને પરિવારે ભારતની એમ્બેસીમાં મેઈલ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.  તો આ મામલામાં કેનેડા પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જેમાં કેનેડામાં રહેતાં તેમના સગાંઓની સાથે ત્યાંની પોલીસે પુછપરછ કરી છે.આ  ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમવિધી પૂર્ણ કરવી તે અંગે નિર્ણય લેવાશે.

19 જાન્યુઆરીના રોજ કેનેડા પોલીસને ચારેયના મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીએ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો અને 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો. રીપોર્ટ અનુસાર અમેરિકા-કેનેડા બોર્ડર ભોગ બનેલા જગદીશ પટેલ છેલ્લા 7 વર્ષથી તેમનાં પત્ની વૈશાલી બેન અને દીકરા તથા દીકરી સાથે કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી વિભાગ -1માં ભાડે રહેતા હતા અને એક વર્ષ પહેલાં ગ્રીન સિટીમાં તેમણે પોતાનું મકાન લીધુ હતુ, જેની કિંમત 65 લાખ હતી. આ 65 લાખનું મકાન લીધા બાદ ઘરમાં 10 લાખનો ખર્ચો પણ કરાવ્યો હતો.

જગદીશ પટેલ પહેલા શિક્ષક હતા અને બાદમાં જીન્સ શર્ટ ફેક્ટરીમાં મોટા ભાઈ સાથે ધંધો કરતા હતા. તેમનો પરિવાર આર્થિક રીતે સુખી હતો. ઉલ્લેખનીય છે કે, 7 જાન્યુઆરીના રોજ વૈશાલી પટેલ તેમની પિતરાઈ બહેન સુમિત્રાને મળ્યા હતા અને ડીંગુચા જવાનું કહીને નીકળ્યા હતા, પણ પિતરાઈ બહેનને વિદેશ જવા બાબતે કોઈ જાણ કરી નહોતી.

કલોલના આ પટેલ પરિવારના ચાર સભ્યો સાથે કુલ 11 લોકો કેનેડાથી 11 કલાક ચાલીને હાડ થીજવતી 35 ડિગ્રી ઠંડીમાં ગેરકાયદેસર રીતે બોર્ડર પર કરી રહ્યા હતા. જેમાંથી ચાર લોકોના આ  ઠંડીના કારણે મોત નિપજ્યા હતા, જયારે અન્ય 7 લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકો એક એજન્ટ મારફતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા. ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો.

Image source

કલોલનો આ પટેલ પરિવાર 10  દિવસ પહેલા કેનેડા જવા એક એજન્ટ મારફતે નીકળ્યો હતો. કેનેડા પહોંચીને તમેને પરિવાર સાથે સંપર્ક પણ કર્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઈ સંપર્ક થયો  નહોતો. આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

Shah Jina