1 ડિસેમ્બરથી થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો તમારા ખિસ્સા પર કેવી થશે અસર

1 ડિસેમ્બરથી LPG થશે સસ્તો, નોકરિયાતોએ આ કામ કરવુ પડશે ફરજિયાત

આવતા ડિસેમ્બરની પહેલી તારીખથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. નવા મહિનામાં માત્ર એલપીજી સિલિન્ડરની કિંમતો જ નહીં બદલાઈ શકે પરંતુ બેંકિંગ અને પેન્શન સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 ડિસેમ્બરથી એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે EPFO ​​એ પહેલાથી જ UAN અને આધારને લિંક કરવાની સમયમર્યાદા વધારીને 30 નવેમ્બર કરી દીધી છે. માહિતી અનુસાર, હવે તેમાં વધુ વિસ્તરણની અપેક્ષા નથી. આવી સ્થિતિમાં જેમણે હજી સુધી UAN-આધાર લિંક નથી કરાવ્યું, તેઓએ આ કામ 1 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવું પડશે. અન્યથા તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. વાસ્તવમાં, જો સમય મર્યાદામાં UAN-આધાર લિંક નહીં થાય તો PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા થઈ શકશે નહીં. આવા સબ્સ્ક્રાઇબર્સ પીએફ ખાતામાંથી પણ ઉપાડી શકશે નહીં.

જે લોકોએ 30 નવેમ્બર સુધી UAN-આધાર લિંક નથી કરાવ્યું, તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. EPFO એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) માટે UAN-આધાર લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે કર્મચારીને પ્રીમિયમની ચૂકવણી નહીં થાય અને રૂ. 7 લાખ સુધીના વીમા કવચનું નુકસાન થશે.

આ ઉપરાંત, સરકારી પેન્શનરો માટે જીવન પત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. સરકારી પેન્શનધારકો જે આ સમય મર્યાદામાં જીવન પત્ર જમા કરાવવામાં અસમર્થ હોય તેમને પેન્શન મળવાનું બંધ થઈ જશે. EPFO દ્વારા તાજેતરના ટ્વીટ મુજબ, સરકારી પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં જીવન પત્ર સબમિટ કરવો પડશે, જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘરે બેઠા ડિજિટલી કરી શકાય છે.

એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી મોંઘી થઈ જશે. અત્યાર સુધી SBI કાર્ડમાં માત્ર વ્યાજ લેવામાં આવતું હતું, પરંતુ હવે EMI પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે અને તેની સીધી અસર SBI ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓના ખિસ્સા પર પડશે.

હોમ લોનની વાત કરીએ તો ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ તહેવારોની સિઝનમાં હોમ લોન ઓફર કરી છે. આ ઑફર્સ પરવડે તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફ કરવા સુધીની છે. જો કે, મોટાભાગની બેંકોની ઓફર 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ છે. પરંતુ, LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર આ મહિને સમાપ્ત થઈ રહી છે. હકીકતમાં, કંપનીએ લાયક ગ્રાહકોને રૂ. 2 કરોડ સુધીની લોન પર 6.66 ટકાના દરે હોમ લોન ઓફર કરી છે, જે 30 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

YC