સૌથી મોંઘી 15 કરોડના ખર્ચે બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ, 119 કલાકારોએ કર્યું છે કામ, એક્શન,થ્રિલર,રોમાંચ,સ્ટન્ટથી ભરપૂર આ ફિલ્મ 22 જુલાઈના રોજ થશે રિલીઝ

ફિલ્મોના શોખીનો તમને દુનિભરમાં મળી જશે, એમાં પણ હોલીવુડ અને સાઉથની એક્શન ફિલ્મો જોવાનો લોકોમાં વધુ ક્રેઝ હોય છે. ગુજરાતી સિનેમામાં પણ હવે દર્શકોને રસ જન્મ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી એવી એવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે જે દર્શકોને થિયેટર સુધી જોવા માટે ઉત્સાહિત કરતી રહે છે.

ત્યારે ગુજરાતીઓને પણ એક એવી ફિલ્મની આશા હતી જેમાં એક્શન હોય, સસ્પેન્સ હોય, થ્રિલર હોય. આ બધું અત્યાર સુધી સાઉથ, બૉલીવુડ અને હોલીવુડમાં જોવા મળતું હતું. ત્યારે હવે દર્શકોનની આ ઈચ્છા અને આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાતી સિનેમામાં પણ એક એવી ધમાકેદાર ફિલ્મ આવવા જઈ રહી છે.

આ ફિલ્મ છે “રાડો” જે 22 જુલાઈના રોજ થિયેટરમાં પ્રસારિત થવાની છે. આ ફિલ્મની અંદર દર્શકો જે જોવા ઇચ્છતા હતા એ બધું જ તેમને જોવા મળવાનું છે. આ ફિલ્મની અંદર એક્શન, થ્રિલર, રોમાંચ અને બાઈક સ્ટન્ટ પણ તમને જોવા મળવાના છે. આ સાથે જ ફિલ્મમાં પોલીટીક્સ, રાયોટ્સની હકીકત બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં 5-10 નહીં પરંતુ 119 કલાકારોએ કામ કર્યું છે.

આ ફિલ્મની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો એક સાથે જોવા મળવાના છે, જેમાં યશ સોની, હિતેન કુમાર, હિતુ કનોડિયા, ભરત ચાવડા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, નિલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ જેવા કલાકરોની ભરમાર છે. ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે અને જ્યારથી તેનું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રોડ્યુસર મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત, અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે ગુજરાતી ફિલ્મ રાડો એક્શનથી ભરપુર થ્રિલર છે.

મીડિયા સાથે વાત કરતા આ ફિલ્મના મુખ્ય અભિનેતા યશ સોનીએ જણાવ્યું હતું કે, “અમે 65 દિવસનું શૂટિંગ કર્યું. ઘણા કલાકારોને શૂટ દરમિયાન ઇજાઓ પણ પહોંચી હતી જે દર્શાવે છે કે ફિલ્મ તેમના માટે કેટલી મહત્વની છે અને દર્શકોને તેઓ જે ઇચ્છે છે તે આપે છે. તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી બજેટ ફિલ્મ છે અને ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા લગભગ 95 ડ્રાફ્ટ લખવામાં આવ્યા હતા.15 કરોડના ખર્ચે બનનારી પ્રથમ ગુજરાત ફિલ્મ છે.”

તો ફિલ્મના ડાયરેક્ટર અને લેખક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કહેવામાં આવ્યુ કે “ના ભૂતો ના ભવિષ્યતિ’ જેવી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે અને ફૂલ ઓફ એક્શન અને સ્ટન્ટ્સની સાથેનું આ મુવી છે.” ફિલ્મના અન્ય કલાકાર અને ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ ફિલ્મ વિશે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સમય બદલાયો છે, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે સ્વતંત્ર બનતી જઈ રહી છે અને એક સમય એવો પણ આવશે કે આપણી ભાષામાં બનેલી એટલે કે ગુજરાતી ફિલ્મો અન્ય ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે અને સમગ્ર વિશ્વ ગુજરાતી ફિલ્મોને નિહાળશે.”

હિતુ કનોડિયાએ એમ પણ જણાવ્યું કે, “એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મો ફક્ત ગામડાના લોકો જોવા જતા પરંતુ હવે શહેરના લોકો પણ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે અને તેઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક વાર ગુજરાતી ફિલ્મ જોયા બાદ ફરીથી પહેલા કોઈ જોતું નહોતું, પરંતુ હવે દર્શકો વારંવાર ફિલ્મ જોવાનું પસંદ કરશે અને આ ફિલ્મ યુવાઓ અને સમાજ માટે કાઈક અલગ કરવા પ્રેરી જશે.”

થિયેટરમાં આ ફિલ્મ પ્રસારિત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ ફિલ્મનું ધમાકેદાર પ્રમોશન પણ ફિલની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મના કલાકારો ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદથી સુરત ગ્રાઉન્ડ પ્રમોશન કરવા માટે ગયા હતા, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા.

Niraj Patel