ગુજરાતના અમદાવાદના ધોળકા સ્થિત લોથલ પુરાતત્વીય સાઈટ પર એક દુ:ખદ ઘટના બની છે, જ્યાં એક સંશોધન સ્થળ પર ભૂસ્ખલન થતાં બે ભૂસ્તરશાસ્ત્રીઓ કાટમાળ નીચે દટાયા હતા. કહેવાય રહ્યું છે કે પ્રોફેસર યામા દીક્ષિત અને PHD સ્ટુડન્ટ સુરભી વર્મા સેમ્પલ લેવા ખાડામાં ઉતર્યા હતા, પરંતુ અચાનક માટી ધસી પડતા સુરભી વર્માનું મોત થયુ અને પ્રોફેસર યામા દીક્ષિતને બચાવી લેવાયા અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા.
બંને ભૂસ્તરશાસ્ત્રીઓ ધોળકાના લોથલ ખાતે માટીના નમૂના લેવા આવ્યા હતા. હડપ્પન સંસ્કૃતિના સ્થળ લોથલ ખાતે સંશોધન માટે દિલ્હી અને ગાંધીનગરની ટીમ ધોળકા આવી હતી. બંને મહિલા અધિકારી નમૂના ભેગા કરવા માટે 15 ફિટથી વધુ ઊંડા ખાડામાં ગયા હતા. ત્યારે અચાનક એક માટીનો ખડક પડ્યો અને બંને મહિલા અધિકારીઓ તેની નીચે દટાઈ ગઈ.
એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે અન્ય મહિલા અધિકારીને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતા.ધોળકાના લોથલમાં દિલ્હીથી એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને એક વિદ્યાર્થી સેમ્પલ લેવા માટે આવ્યા હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી જુદા-જુદા વિસ્તારોમાંથી સેમ્પલ ભેગા કરી રહ્યા હતા.
આજે સવારે લોથલ પર ભૂસ્તરશાસ્ત્રીઓ નમૂના ભેગા કરી રહ્યા હતા તે સમયે આ બંને 15 ફિટ ઊંડો ખાડો ખોદીને સેમ્પલ લઇ રહ્યા હતા. ભીની માટી હોવાના કારણે અચાનક ખડક પડી ગઈ હતી જેમાં PHD સ્ટુડન્ટ સુરભી વર્માનું મોત થયું હતું. સુરભી વર્મા IIT દિલ્હીમાં PHD કરી રહી હતી. જ્યારે પ્રોફેસર યામા દીક્ષિત ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.