BREAKING: નવા CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા જામનગર, જુઓ શું આપી સાંત્વના

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે સોમવારના રોજ ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ. સત્તા સંભાળતા જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે હાલ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે અસર પામેલ જામનગરના ઘુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ધુંવાવ ગામે અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તોની મુલાકાત સમયે રાજય સરકાર દ્વારા મદદની ખાતરી આપી અને કહ્યુ કે, કોઇ પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય. તેમનું જીવન સારુ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. જામનગરના સાંસદ પૂનમ માડમ, કલેકટર સૌરભ પારઘી ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી  સહિતના અધિકારીઓ જોડાયા હતા.

જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યાં હતાં. ગામના મોટા ભાગનાં ઘરોમાં વરસાદી પાણીના ભરાઈ જવાના કારણે ઘરોમાં કાદવ જામી ગયા છે. પૂરના પાણીથી ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરમાં 75 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો, તેમજ કેટલાક ઘરોમાં 5-6 ફૂટ જેટલા પાણી ભરાયા હતા.

ખેતીને ઘણુ નુકશાન થયુ છે. તેમજ 100 ટકા ખેતી પણ પાણીમાં ડૂબી ગઇ હતી. જમીન અને ખેતી બધુ ધોવાઇ ગયુ હતુ. પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ રડતી આંખે કહ્યુ હતુ કે પાણી આવ્યુ અને ઘર ધોવાઇ ગયુ, તમામ ઘરવખરી પણ પાણીમાં વહી ગઇ હતી. જીવન તેમનું પૂર્વવત થાય તે માટે ગ્રામજનો દ્વારા સહાયની અરજી કરવામાં આવી છે.

મેઘતાંડવે ભારે તારાજી સર્જી હતી. ગામ માટે છેલ્લા 24 કલાક ખૂબ ભયાનક હતા, પાણીને કારણે કેટલાક પશુઓ પણ તણાઇ ગયા હતા અને કેટલાક પશુઓને બાંધેલા હોવાથી તેઓના તે અવસ્થામાં મોત થયા હતા. ખેતરો તો નદીમાં ફેરવાઇ ગયા છે. મેયર સહિતના અધિકારીઓએ રામનાથ મહાદેવ સહિતના વિસ્તારોની મુલાકાત લઇ જેસીબી દ્વારા તાત્કાલીક કચરો દૂર કરવાની સૂચના આપી હતી.

Shah Jina