ગુજરાતના નવા CM ભૂપેન્દ્ર પટેલને છે ઈશ્વરમાં અપાર શ્રદ્ધા, હાથે બાંધે છે ‘નિરુમા’નું રક્ષા સૂત્ર, નવરાશની પળોમાં સાંભળે છે નિરૂમાના પ્રવચનો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના CM પદેથી રાજીનામા બાદ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઇ છે. તેઓ અત્યંત શાલીન અને મૃદુભાષી હોવા ઉપરાંત આધ્યાત્મિક પણ છે. તેઓ અડાલજ ત્રિમંદિરની નિત્ય મુલાકાત લેતા હોય છે. તેઓ ઘણીવાર માનસિક શાંતિ મેળવવા માટે અને નવરાશની પળોમાં દાદા ફાઉન્ડેશનના દિવંગત વડા સ્વ. નિરૂમાના પ્રવચનો સાંભળતાા રહે છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે, તેઓના જમણા હાથના કાંડા પર ‘નિરૂમા’ લખેલુ રક્ષાસૂત્ર બાંધેલુ છે.

12 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલ સાંજે અડાલજ સ્થિત દાદા ભગવાનના આર્શિવાદ પામેલા અને નીરુમાના અંતેવાસી દીપકભાઈ દેસાઈને મળીને તેમના અભિવાદન અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓનું નામ જાહેર થતાની સાથે જ ગુજરાતની જનતા નહિ પરંતુ ભાજપના ધારાસભ્યો પણ ચોંકી ગયા હતા. તેઓ તેમના વિધાનસભા વિસ્તારમાં ‘દાદા’ તરીકે ઓળખાય છે. તેઓ ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે અને તે જ કારણે તેઓને લોકો ભૂપેન્દ્ર દાદા તરીકે ઓળખે છે. ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશન વચ્ચેનો સંબંધ 20 વર્ષ કરતા પણ વધુ જૂનો છે. તેઓ નિરુમાના વક્તવ્યો અને પ્રવચનોથી પણ ભૂપેન્દ્ર ખૂબ જ પ્રભાવિત થયા હતા.

અડાલજ ત્રિમંદિરના સાંનિધ્યમાં સંસ્થાની સીમંધર સિટી આવેલી છે જયાં સંસ્થાના અંતેવાસીઓ તેમજ આપ્તપુત્રો તથા મહાત્મા સત્સંગીઓના નિવાસ સ્થાન આવેલા છે. અહીં ચોક્કસ રકમનું યોગદાન આપીને ઘર તથા જમીન ઉપયોગ માટે મેળવી શકાય છે. આ સુવિધા ફક્ત મહાત્મા તથા તેથી ઊંચો દરજ્જો ધરાવનારાને જ મળે છે. ભૂપેન્દ્રભાઈ વર્ષો પહેલાં મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ પણ હાલમાં સીમંધર સિટીમાં નિવાસ ધરાવે છે.

Shah Jina