થોડા દિવસ પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું. તે બાદ ઘણા ઘણા વિદ્યાર્થીઓની સંઘર્ષની કહાની અને સારુ પરિણામ આવ્યાની કહાની સામે આવી. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ ધાર્યા મુજબ માર્ક્સ ન મેળવી શક્યા તે હતાષ થઇ ગયા. પણ ભૂજમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ સારા માર્ક્સ ન આવતા આપઘાત કરી લીધો હોવાની ઘટના બની.
ભુજની જૂની રાવલ વાડીમાં રહેતા 17 વર્ષના કિશોર હર્ષિતમહેશ્વરીએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી પણ તેને ધાર્યા મુજબ માર્ક્સ ન મળતા તે હતાશ થઇ ગયો અને પરિણામ જોયા બાદ 15 જ મિનિટમાં તેણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. હર્ષિતના પરિવારજનોનું કેહવું છે કે, તેણે પરીક્ષાને લઈને ખૂબ જ મેહનત કરી હતી પણ તેણે જ્યારે 10માં ધોરણનું પરિણામ ઓનલાઇન ચેક કર્યુ તો તે પાસ તો થઈ ગયો પણ ઓછા માર્કસ આવતા તે હતાશ થઈ ગયો હતો.
તે બાદ તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઉલ્લેખનીય છે કે હર્ષિતને ધોરણ 10માં C1 ગ્રેડ અને 49.54 પર્સેન્ટાઈલ પરિણામ આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો હતો પણ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો. મૃતક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.