મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“અમને તો ખાટી છાસ પણ નથી મળતી અને એ મારા બેટા બધાં ગોળ, ઘી દૂધ અને દહીંની જમાવટ કરે છે” વાંચો એક રસપ્રદ વાર્તા “ભોજન મંત્રીનું રાજીનામુ”

“ભોજન મંત્રીનું રાજીનામું”

“આજે આપણે સહુ વિદ્યાર્થી અને ગુરુજનો નવા મંત્રી મંડળના પસંદગી કાર્યક્રમમાં ભેગા થયા છીએ. તો આપણી
સંસ્થાના આચાર્યશ્રી ભાઈને હું વિનતી કરું કે આ સંભવિત મંત્રી મંડળ વિષે તમને જાણકારી આપે. યાદ રહે કે મંત્રી મંડળમાં જોડાવા માટે સહુ કોઈ દાવેદારી કરી શકે છે. વળી આ તો ગાંધી મુલ્યો સાથે જોડાયેલી સંસ્થા છે એટલે સહુને બોલવાની છૂટ છે જ સાથોસાથ વિચારવાની પણ છૂટ છે જ. પણ આનંદની વાત એ છે કે હજુ સુધી આપણે મંત્રી મંડળમાં ચૂંટણી કરવાની જરૂર પડી જ નથી. અમારી કક્ષાએ જે સિલેકશન થાય છે એ તમો બધા વધાવી લો છો અને જેનું પણ સિલેકશન થાય છે એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. ગયા મંત્રી મંડળની ખામીઓ વિષે ભાઈ ચર્ચા કરશે જ તો હું ભાઈ ને ફરીથી વિનંતી કરું કે તે આગળનો દોર તેમના હાથમાં લે“ સંસ્થાના ભાષાના શિક્ષક એવા પ્રાગજીભાઈએ ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ સામે પ્રાર્થના સંમેલનમાં જ આ જાહેરાત કરી. ગાંધીવાદી ઉતર બુનિયાદી સંસ્થા એટલે કોઈ શિક્ષક્ને સાહેબ નહિ કહેવાનું ભાઈ અથવા બહેન જ કહેવાનું એવો વણલખ્યો નિયમ!! આચાર્યશ્રી ઘનશ્યામભાઈએ વાત આગળ વધારી.

Image Source

ગયા વરસના મંત્રી મંડળની કામગીરી શ્રેષ્ઠ જ રહી છે. એમાં લગભગ સુધારો કરવાની જરૂર નથી પણ દર વરસની જેમ
પ્રાર્થના મંત્રી આપણે ધોરણ આઠમાંથી પસંદ કરીએ છીએ એમ પસંદ કરવાના છે. અને જે સભ્યો હાલ બારમાં ધોરણમાં છે એને કોઈ જગ્યાએ રાખવાના નથી. કારણ કે બારમું ધોરણ એના માટે મહત્વનું છે. એટલે ગયા વરસના જનરલ સેક્રેટરી વિવેકની જગ્યાએ આ વરસે ધોરણ અગિયારમાં ભણતો શુભમ જનરલ સેક્રેટરી થશે અને ધોરણ આઠમાં સારું એવું ગાતી કવિતા પ્રાર્થના મંત્રી તરીકે અમે પસંદ કરી છે. એટલે આટલા ફેરફારો સાથે આ નવું મંત્રી મંડળમાં સંભવિત નામો આ રીતે છે.

  • ૧. વિવેક જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી.
  • ૨. કવિતા પ્રાર્થના મંત્રી
  • ૩. નીતિન આરોગ્ય મંત્રી
  • ૪. મનસુખ પ્રવાસ મંત્રી
  • ૫. અર્ચના પર્યાવરણ મંત્રી
  • ૬. સંગીતા સફાઈ મંત્રી
  • ૭. અતુલ પુસ્તકાલય મંત્રી
  • ૮. દેવશી ભોજન મંત્રી
  • ૯. હેમાંગી સાંસ્કૃતિક મંત્રી

હવે આમાં કોઈને ન રહેવું હોય અથવા કોઈને બીજું કોઈ સુચન કરવું હોય તો છૂટ છે. ઘનશ્યામભાઈ એ
વાત પૂરી કરી અને અતુલની આંગળી ઉંચી થઇ. ભાઈએ રજા આપી એટલે અતુલે ધડાકો કર્યો.

Image Source

“એક બાજુ લોકશાહીની દુહાઈ દેવામાં આવે છે અને એ પણ ગાંધીજીના નામે અને મંત્રી મંડળની યાદી આપ
આપના મનસ્વી વર્તન અનુસાર બનાવી લો એ કેમ ચાલે??? મારે પુસ્તકાલય મંત્રી નથી બનવું પણ ભોજન મંત્રી બનવું છે“

વીસ વરસથી ચાલતી સંસ્થામાં એક નવમાં ધોરણમાં ભણતા અતિ હોંશિયાર વિદ્યાર્થી આજ પહેલી વાર મોરચો ખોલી રહ્યો હતો. સહુ સ્તબ્ધ હતાં. જોકે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગનાને તો ખ્યાલ હતો જ કે વિવેક આ રીતે શીંગડા ભરાવશે જ.

“અમો લોકો વિદ્યાર્થીનું સર્વાંગી મૂલ્યાંકન કરીને જ જે તે જવાબદારી સોંપતા હોઈએ છીએ એને અમારું મનસ્વી
વર્તન ગણી શકાય નહિ. તેમ છતાં તારે ભોજન મંત્રી તરીકે રહેવું હોય તો પણ છૂટ જ છે પણ મારા ખ્યાલથી દેવશી ભોજન મંત્રી તરીકે બરાબર છે અને તારા માટે પુસ્તકાલય મંત્રી શ્રેષ્ઠ છે અને કામ સારું થયું છે ગઈ સાલ” આચાર્ય ઘનશ્યામભાઈ એ જવાબ આપ્યો અને અતુલે ફરીથી દલીલ કરી.

“હું તો ઈચ્છું છું કે ચૂંટણી થાય એ જ શ્રેષ્ઠ છે. હજુ ગઈ કાલે જ અમે એથેન્સ અને સ્પાર્ટાની લોકશાહી વિષે શીખ્યા
છીએ. આ તો હું બોલ્યો બાકી ઘણાએ બોલવું છે. ઘણામાં ટેલેન્ટ છે એને પણ મનમાં ઉમંગ હોય કે નહિ. ઘણા મારી જેવું જ વિચારે છે કે દેવશી ભોજન મંત્રી તરીકે સાવ નિષ્ફળ છે. બધાને સરખું ખાવાનું પણ મળતું નથી. દેવશી અને તેના સાગરીતો સારું સારું રાખી મુકે છે અને બધા જમી લે પછી એ જમે છે. અમને તો ખાટી છાસ પણ નથી મળતી અને એ મારા બેટા બધાં ગોળ , ઘી દૂધ અને દહીંની જમાવટ કરે છે કારણ કે સંસ્થાના ગૃહપતિ બાબુભાઈ હારે એને સારું ભડે છે. અમારું શોષણ થાય છે એટલે આ બધાં વતી હું રજૂઆત કરું છું કે ચૂંટણી રાખો. અને તમારે જો ચૂંટણી ન જ રાખવી હોય તો પણ મને વાંધો નથી પણ હું એક કામ કરીશ આ સંસ્થામાં જ્યાં જયા ગાંધીજીના ફોટાઓ છે, એ બધા દૂર કરી દો. જ્યાં જ્યાં લોકશાહી વિષે લખાણ છે એ બધા ઉપર તમારે કુછ્ડો ફેરવી દેવો પડશે.”

Image Source

એક જાતનો સન્નાટો છવાઈ ગયો. આચાર્યશ્રી સમજી ગયા કે પોપટ મરચું ચાખી ગયો છે એટલે આ વાતને
હવે વધારવાની નથી. આની પાછળ ગીગા ચોકીદારનો હાથ છે. નહિતર આ નવમાં ધોરણનું ટાબરિયું આટલું બોલે નહિ. આ ચકલી કોઈના ટેકા વગર ફૂલેકે ચડે જ નહિ. તરત જ એણે મોઢા પર ગંભીરતા લાવીને કહ્યું.

“આજે મંગળવાર છે.. કાલે તમને ફોર્મ ભરવા માટે મળશે.. ગુરુવારે ફોર્મ પાછું ખેંચવું હશે તો ખેંચી શકાશે.
શનિવારે ચૂંટણી થશે. જેને ભરવું હોય એ ફોર્મ ભરી દે. આ વરસે જ નહિ પણ હવે પછીના દરેક વરસે આ સંસ્થામાં સિલેકશન નહિ પણ ઈલેક્શન થશે અને એ પણ લોકશાહી ઢબે જ” બધા વિદ્યાર્થીઓ તાળીઓનો ગડગડાટ કર્યો અને આચાર્ય સમજી ગયા કે ગીગા ચોકીદારના ઉંદરકામાના મુળિયા બહુ જ ઊંડા લાગે છે.

સંસ્થાના તમામ મંત્રી મંડળમાં ભોજન મંત્રીનું પદ રુઆબદાર અને માભા વાળું ગણાતું કારણ કે એમાં ખાવાની છૂટ મળતી. ખાવાની છૂટ એટલે સવારમાં નાસ્તો બપોર અને સાંજના ભોજનમાં પેટમાં નાંખવામાં આવતા અનાજની
વાત છે. આ ભોજન મંત્રીની પસંદગી શારીરિક રીતે મજબુત અને સક્ષમ વિદ્યાર્થિની કરવામાં આવતી. કારણ કે એમાં ઘણું કામ રહેતું. બે બે દિવસે બાજુમાં ગામમાં રાત્રી રોકાણ માટે તાલુકામાંથી આવતી એક સરકારી બસ આવતી એમાં શાકભાજી આવતી એ બધું સાયકલ પર કે એકો લઇને લેવા જવું પડતું. એકો એ નાનું એવું ગાડું જ સમજી લ્યો એમાં આગળ બે વિદ્યાર્થી ખેંચે બે પાછળથી ધક્કો મારે અને બે જણા વચ્ચે બેય બાજુ ટાયરને હાથથી ધક્કો મારે આમ છ જણાથી આ એકો ચાલે અને લગભગ વીસ મણ વજન ત્રણ કે ચાર કિલોમીટરથી લાવવાનો હોય તો આ એકો કામમાં લાગતો. વળી મહીને બે મહીને મોટી સંસ્થામાંથી અનાજ આવતું કઠોળ આવતું. ક્યારેક બળતણ તરીકેના લાકડાં પણ આવતાં આ બધું કોઠાર રૂમમાં, રસોડામાં કે બળતણ રૂમમાં ઉતારવાની જવાબદારી પણ આ ભોજન મંત્રીની રહેતી. ઉપરાંત દરરોજ એક કલાક અનાજ દળવાની ઘંટી પર સંસ્થાના બાળકો માટે ઘઉં કે બાજરો દળવામાં આવતો આ દળવાની જવાબદારી ભોજન મંત્રીની રહેતી. જોકે આ બધા કામ માટે ભોજન મંત્રી એની નીચે બીજા પાંચ વિદ્યાર્થીઓને રાખી શકે. એ કોણ પાંચ રાખવા એ તમામ જવાબદારી ભોજન મંત્રીની હતી. સવારે નાસ્તો પીરસવા માટે અને બપોરે અને સાંજે ભોજન પીરસવા માટેની ટુકડીની નિમણુક પણ આ ભોજન મંત્રી કરતો. વિદ્યાર્થીઓ જમતા હોય ત્યારે ભોજન મંત્રી બધું જ નિરિક્ષણ કરે. બધા જમી લે પછી એ બાકીના લોકો સાથે જમવા બેસે. જમીને ગૃહપતિ સાથે આગલા દિવસનું આયોજન કરે કે શાક શેનું બનાવવું.. નાસ્તો કયો આપવો.. આ બધી સાધન સામગ્રી રસોઈયાને પહોંચાડવાની જવાબદારી પણ ભોજન મંત્રીની હતી.

Image Source

દેવશી આમાં માસ્ટર હતો. ભોજન મંત્રીમાં એ પરફેકટ બેસે એવો હતો. સો કિલોની ઘઉંની બોરી હોય અને ખટારામાંથી
ઉતારવાની હોય તો દેવશી એની પીઠ પર ઉંચકીને રસોડામાં પહોંચાડી દે. અનાજ દળવાની ઘંટી બગડી હોય તો પણ દેવશી જાતે ખોલી નાંખે. બળતણ માટેના લાકડાં ફાડવાના હોય તો પણ દેવશી અને એની ગેંગ તૈયાર જ રહેતી. આ બધા ભણવામાં સામાન્ય હતા પણ આવા કામમાં એકદમ હોંશિયાર હતા. બધાના માં બાપ પણ ખુબ જ ખુશ હતા કારણ કે સંસ્થામાં ભણવા બેસાર્યા હતા ત્યારે એકદમ સુકલકડી એવા આ તમામ અત્યારે આડા ફાટ્યા હોય એમ ખાઈ ખાઈને તગડા થઇ ગયા હતા. સંસ્થામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે એ વખતે એક સનાતન સત્ય વપરાતું કે અહી ભણવા આવનારા તમામ કા તો માનસિક રીતે હોંશિયાર અને મજબુત થાય અથવા સંસ્થાની ભાખરી , દૂધ પૌવા, દલૈયો ખાઈ ખાઈને શારીરિક રીતે હૃષ્ટ પૃષ્ટ થતાં.

ગીગાજી આમ તો ચોકીદાર હતો પણ સ્વભાવનો વિચિત્ર અને બત્રીસ લખણો. વળી સંસ્થાના નિયામકનો માનીતો
માણસ એટલે બધાના ઘોંચ પરોણા કરવાની મોટી આદત પણ ખરી. બધા આનાથી છેટું અંતર રાખતા હતાં. ગૃહપતિ બાબુભાઈ સાથે ગીગાજીને વાંકું પડ્યું. એટલે એણે ભોજન મંત્રી દેવશીને દાણા નાંખી જોયા. પણ દેવશી એની ઝપટમાં ના આવ્યો. એટલે મનમાંને મનમાં ગીગાજી ધૂંધવાઈ રહ્યો હતો. એ દેવશીનો વિકલ્પ શોધવા લાગ્યો અને એમાં અતુલ એની આંખમાં આવી ગયો અને ધીમે ધીમે ગીગાજીએ અતુલને મંત્રવાનું શરુ કર્યું.

“બાબુભાઈ ગૃહપતિ અને દેવશી બને જણા સંપી ગયા છે અને અનાજનો પુરવઠો બારોબાર વેચી નાંખીને રોકડી કરે છે”!!

“દરરોજ બસો ગ્રામ દૂધ આપવાનો નિયમ છે અને તમને બધાને બે દિવસે માંડ સો ગ્રામ દૂધ મળે છે”

“રોજ સવારે નાસ્તામાં નિત નવી આઈટેમો ઉધરે છે અને તમને વઘારેલા મમરા જ મળે છે”

“સંસ્થામાં નિયમ છે કે છોકરાને શીંગતેલ જ ખવરાવવું પણ શીંગતેલના આવેલ ડબ્બા બારોબાર પગ કરી જાય છે અને
તમને પામોલીન ખવડાવે છે”

Image Source

“હું તો ચોકીદાર છું.. મારી આંતરડી કકળે છે.. જ્યાં સુધી દેવશી ભોજન મંત્રી છે ત્યાં સુધી આમાં કોઈ ફેર નહિ પડે..
અતુલ તું હોંશિયાર છો.. વિદ્યાર્થીઓમાં તારું માન પણ છે. દેવશી સામે તું ચૂંટણી લડે એટલે તને જીતાડવાની જવાબદારી મારી.. મને ખબર છે કે તને ભણતર સિવાય બીજામાં રસ જ નથી પણ આ બિચારા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ સામું તો જો એના ભાગનું ભોજન બીજા ખાઈ જાય એટલે મને તો ઊંઘ પણ નથી આવતી અને તને કાઈ થતું નથી ભલાદમી આ તો પુણ્યનું કામ છે પુણ્યનું!!

રોજ સાંજ પડે એટલે ગીગાજી અતુલની કસ મારે રાખે અને રોજના આ શબ્દોથી અતુલનું બ્રેઈન વોશિંગ થઇ
ગયું એના મનમાં સમાજસેવાનું ભૂત જાગી ગયું. અને એ દેવશીને પછાડવા માટે ચૂંટણીમાં ઉભો પણ રહ્યો.

સામા સામા ફોર્મ ભરાણા. પ્રચાર શરુ થયો. વિદ્યાર્થીઓ અતુલ બાજુ આવી ગયાં. કારણ કે એ હોંશિયાર હતો એટલું જ
નહીં પણ પોતાની હોંશિયારી એ બીજા વિદ્યાર્થીઓમાં વહેંચતો પણ ખરો. કોઈ નબળો વિદ્યાર્થી કોઈ વિષયમાં નબળો હોય તો અતુલ એને માર્ગદર્શન પણ આપતો. અતુલની બનાવેલી દરેક વિષયની પાકી નોટબુકસ કોઈ પણ વિદ્યાર્થી નકલ કરવા માટે લઇ જતો. દેવસી કરતા એનું પલ્લું ભારે હતું. વળી ગીગાજી પણ એનો પ્રચાર કરતાં હતાં ખાનગીમાં. ચૂંટણી થઇ. પરિણામ આવ્યું અને સંસ્થાને નવો ભોજન મંત્રી અતુલના રૂપમાં મળ્યો. દેવશીની હાર થઇ પણ દેવશીને મન તો હાર કે જીત એનું કોઈ જ મહત્વનું નહોતું. એ ખેલ દિલ હતો એણે સામે ચાલીને કીધું.

“કોઈ બળનું કામ આવી જાય તો મને કહેજે હું કોઈ પણ સમયે આવી જઈશ. ભોજન મંત્રી તો તું બન્યો પણ તારા
અભ્યાસના ભોગે કશું ન કરતો વધારાનું કામ અમને કહી દેજે” અતુલ કશું ન બોલ્યો. અને ભોજન મંત્રીએ એનું કામ શરુ કર્યું અને ચોથે દિવસે જ મોટી સંસ્થામાંથી અનાજ આવ્યું.

Image Source

વીસ વીસ કિલોના આઠ બાચકા અતુલે બળમાં અને વળમાં ઉતાર્યા. પણ નવમુ બાચકું ઉતારતી વખતે પગ
લથડ્યો અને પેટમાં આંટી ચડી ગઈ અને આંતરડાની આંટી છટકી અને પેછુટી ખસી ગઈ. દેવશી વગર બોલાવ્યે આવ્યો અને ફટાફટ બધો સામાન ઉતારી નાંખ્યો અને અતુલને પેછુટી ખચવાને કારણે સંડાસની જથ્થાબંધ મુલાકતો એક દિવસમાં જ લેવી પડી. બપોરે પણ ન ખાધું તોય વારંવાર ટોઇલેટ જવાની ઈચ્છા થતી. રોંઢાં પછી તો એ બે ડોલ ભરીને ટોઇલેટની સામે જ ચોપડી લઈને બેસી ગયો. ચાર પાંચ પાનાં વાંચે અને વળી પાછો ડોલ લઈને વળ ખાતો ખાતો બેવડ વળતો વળતો ઉપડે.પછી વળી વાંચવાનું શરુ કરે. દેવશીને ખબર પડી એ અતુલને પરાણે રસોડામાં લઇ ગયો. એક તપેલાંમાંથી દહીં લીધું એક લોટામાં એમાં નાંખી એક દોથો ખાંડ અને પછી બીજો ખાલી લોટો એ લોટા ઉપર મુકીને દેવશીએ પાંચ મિનીટ એ મિશ્રણ ને હલાવ્યું અને પછી અતુલને પાઈ દીધું અને તરત જ અતુલને રાહત થઇ ગઈ અને દેવશી બોલ્યો.

“હવે તારે મારી જેમ જ આવું બધું ખાતા શીખી જવું પડશે તો જ ભોજન મંત્રી તરીકે સફળ થઈશ. દરેક વસ્તુ..
દરેક મસાલાનો શો ઉપયોગ થાય છે અને તેના કયા ક્યાં ગુણધર્મો છે એ ખબર હોવી જોઈએ”

અઠવાડિયા સુધી તો બરાબર ચાલ્યું પણ પછી એક શુક્રવારે વળી એક બબાલ થઇ. બાબુભાઈ ગૃહપતિએ ગુરુવાર રાતે કીધું કે આવતી કાલે બાળકોને સવારમાં નાસ્તામાં મઠ આપવાના છે એટલે અત્યારે વીસ કિલો મઠ એક મોટા તપેલામાં ગરમ પાણીમાં પલાળીને મૂકી દેજે એટલે સવારે એને વઘારી શકાય. અતુલે એ પ્રમાણે કરી નાંખ્યું. પણ શુક્રવારે વહેલી
સવારે પાંચ વાગ્યે ગૃહપતિએ અતુલને રસોડામાં બોલાવ્યો અને કહ્યું.

“આ શું પલાળ્યું છે તે??”

મઠ પલાળ્યા છે.” અતુલે જવાબ આપ્યો.

“આ મઠ નથી ડોહા ચોળી છે ચોળી!! મઠ આનાથી ઝીણા આવે ઝીણા.. મઠ આ કોથળામાં છે!! ધ્યાન રખાય હવે
કાઈ વાંધો નહિ નાસ્તામાં અત્યારે બાફેલા મગ આપીશું પણ એક કામ કર્ય સાયકલ લઈને બાજુના ગામમાં લવજીદાદાની વાડીએ જઈને દુધી લઇ આવ્ય એટલે બપોરે ચોળી અને દૂધીનું શાક થઇ જાય. હવે જે થવાનું હતું એ થઇ ગયું. હું કોઈને વાત નહિ કરું અને તું પણ કોઈને વાત ન કરતો, નહિતર છોકરા દાંત કાઢશે” ગૃહપતિએ કહ્યું.

Image Source

અતુલ નાહ્યા વગરનો દુધી લેવા ઉપાડ્યો. સાયકલ લઈને એ આઠ વાગ્યે દુધી લઈને આવ્યો. બપોરે દુધી
ચોળી , સાંજે દુધી ચોળી અને બીજે દિવસે બપોરે પણ દુધી ચોળી એમ ત્રણ ટંક ચોળીનું શાક બનાવ્યું ત્યારે વીસ કિલો ચોળી ખૂટી. પણ વાત ભર ન આવી અને સોમવારે પ્રાર્થના સભામાં આચાર્યશ્રી ભાઈએ વાત કરી.

“નવા ભોજન મંત્રીએ રાજીનામું લખીને મને આપ્યું છે. એમણે પોતાની કામ કરવાની અશક્તિ દર્શાવી છે. તો
હું એમને જ વિનતી કરું કે એ પોતાની વાત આપ સહુ સમક્ષ રાખે” અને અતુલ ઉભો થયો.

“આચાર્યશ્રી ભાઈ, ગુરુગણ અને મારા સહપાઠીઓ મને અંતરમાંથી જે સળવળીયો ઉપડ્યો હતો કે મારે ભોજન મંત્રી બનવું જ છે બહુ ટૂંકા સમયમાં જ શાંત થઇ ગયો છે. મને એ સમજાયું કે એ મારું કામ નહિ. અમુક કામ માટે અમુક માણસો જ જોઈએ. બધેય હોંશિયારી ન ચાલે અમુક જગ્યાએ ઓછું ભણતર મેદાન મારી જતું હોય છે. આંકડા ના પાન પેટ દુખતું હોય ત્યાં કામ લાગે ત્યાં પછી પીપળાના પાન ન પણ ચાલે. ભોજન મંત્રીમાં દેવશી અને તેની ટુકડી જ ચાલે. મારું કામ સહેજ પણ નહિ એ મને સમજાય ગયું છે. મને અત્યાર સુધીમાં એમ જ હતું કે અઘરામાં અઘરું તો દ્રીઘાત સમીકરણ જ આવે પણ એનાથી અઘરું ચોળી અને મઠનો તફાવત શોધવો એ છે ટૂંકમાં આ મારું કામ નહીં. બહુ મોટા ઉપાડે હું ચૂંટણી લડ્યો પણ એમાંથી બોધપાઠ પણ મળ્યો એ માટે હું ભગવાનનો આભાર માનું છું અને તમારી તમામની માફી માંગું છું અને હું ઈચ્છું છું કે મારી જગ્યાએ દેવશી ને ફરીથી ભોજન મંત્રી બનાવવામાં આવે.”
અને તાળીઓના ગડગડાટ સાથે ભોજનમંત્રીનું રાજીનામું સ્વીકારાયું અને તરત જ દેવશીની ફરીથી નિમણુક થઇ ગઈ.

Image Source

દુનિયામાં થતા દરેક કામોમાં વૈધિક શીક્ષણ કામ આવતું નથી. ઘણા કામો એવા હોય છે જેમાં અવૈધિક શીક્ષણ જ
કામમાં આવે. આ અવૈધિક શીક્ષણનો સમાનર્થી શબ્દ કોઠાસૂઝ છે. અને આ કોઠાસૂઝ આજુબાજુના પર્યાવરણ અને
અનુભવોમાંથી અને અંદરથી આવે છે. એટલે જ દુનિયામાં કોઠાસૂઝના ક્લાસ ક્યારેય હોતા નથી.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks