મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ભીખાદાદાએ ભારે કરી હો!!” બાપા ગયા હોસ્પિટલે પછી જે થયું તે સાંભળીને તમે હસીને લોટપોટ થઇ જશો,વાંચો મુકેશ સોજીત્રાની કલમે..

ગામની વચલી બજારે છેવાડે આવેલ એક જુનવાણી મકાન પાસે લોકો ભેગા થઇ રહ્યા હતા. આમ તો બે દિવસથી વરસાદ વરસતો હતો. કલાક કલાકના આંતરે ધોધમાર વરસાદ વરસીને અટકી જાય. સીમનું બધું પાણી ગામની શેરી સોંપટ નીકળીને તળાવ ભેગું થઇ જાય અને વળી વરસાદ રોકાઈ જાય. બે કલાક પછી વળી વરસાદનું ઝાપટું આવે ને ગામ આખાની શેરીઓ પાણી પાણી!!

બપોરના ત્રણેક વાગ્યા હશેને ધીમે ધીમે માણસો ખંભે ફાળિયું નાંખીને વચલી બજારના છેક છેવાડે આવેલ એક જુનવાણી ઘરની આજુબાજુ જમા થઇ રહ્યું છે. એ ઘર હતું ભીખા ગણેશનું!! ગામલોકો એને ભીખા દાદા કહેતા હતા. હજુ કલાક પહેલા જ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે “ઘનીયાનો ફોન આવ્યો હતો, રાજકોટથી ભીખાદાદાને એમ્બ્યુલન્સમાં નાંખીને એ નીકળી ગયા છે. કલાક દોઢ કલાકમાંએ લોકો આવી જશે!!!”

ઘનીયાનો ફોન મનીયા માથે આવ્યો હતો. અને ફોન આવ્યો કે તરતજ મનીયો રોવા લાગ્યો. મનીયાની બા પણ રોવા લાગ્યા. મનીયાની અને ઘનીયાની પત્નીઓ પણ રોવા લાગી. મોટા રોવે એટલે નાના છોકરા પણ થોડા છાના રહ?? રોકકળવાળું વાતાવરણ આખી શેરીમાં થઇ ગયું. આડોશ પાડોશની સ્ત્રીઓ ભીખા ગણેશની ઓશરીમાં ભેગી થવા લાગી અને ભીખાદાદાની પત્ની પાર્વતીમાની બાજુમાં કુંડાળું વળીને બેસી ગઈ. થોડાક સમજુ અને ગામડાહયા માણસો મનીયાને સાંત્વના આપવા લાગ્યા. મનીયો અને ઘનીયો ભીખા ગણેશના બે છોકરાઓ હતા. ઘનીયો મોટો અને મનીયો નાનો!! નામ તો એના ઘનશ્યામ અને મનસુખ હતા. પણ ગામ આખું એને ભીખા’દાનો ઘનીયો અને ભીખા’દાનો મનીયો જ કહેતા હતા.!!

Image Source

અર્ધી કલાકમાં જ બાજુના ગામે પરણાવેલી ભીખાદાદાની સહુથી મોટી દીકરી વસન પણ એના પતિ ચુનીલાલ સાથે આવી ગઈ. નાની દીકરી ગીતા અર્ધી કલાકમાં આવી જાય એમ હતી. એને સમાચાર પોગાડી દીધા હતા. વસન આવી અને વાતાવરણ ભારેખમ બની ગયું. વસન જોર જોરથી રડી રહી હતી!! ગામની બાયું એને શાંતિ રાખવાનું સમજાવતી હતી. “જે થયું એ થયું એમાં આપણું ડહાપણ કંઈ જ ન ચાલે!! ઈશ્વરને ગમ્યું એ ખરું!! આપણે બધું જોયે રાખવાનું મન મક્કમ રાખવાનું. તમે આમ પોચા પડે તો આ નાના બાળકોને શું સમજવું?? અને આમેય ભીખા દાદા સીતેર વરસ તો વટાવી ગયા છે!! ભાગ્યશાળી થઇ ગયા ભાગ્યશાળી!! રામનું નામ લ્યો!! રોવાનું માંડી વાળો!! જીવ્યા ત્યાં લગણ કોઈની સેવા ચાકરી પણ નો લીધી!! આ યુગમાં આ જ મોટી વાત છે!! રામ નામ લ્યો રામ નામ!!” સહુ પોતપોતાની પાસે હોય અને આવડે એવું આશ્વાસન આપતાં હતા.

ભીખા ગણેશ ગામનું એક અદ્ભુત અને રોનકી પાત્ર હતું. ગામ આખાની લગભગ એણે પટ્ટી ઉતારેલી. ભલભલાની ઠેકડી ભીખા ગણેશ ઉડાડતા. નાનપણથી જ એ એવા જ હતા!! વાત વાતમાં એને બોલવાનો શોખ પણ ખરો કે “ ભારે કરી હો!!” એક વખત ભીખા ગણેશને ગામના નગરશેઠ સવારના પહોરમાં જ હાથમાં ડબલું લઈને રસ્તામાં જ મળી ગયા અને નગરશેઠે હરખ વ્યક્ત કર્યો!! “ કાલ રાતે મુંબઈથી મારા દીકરા પ્રમોદનો ફોન આવ્યો કે એને ત્યાં દીકરાનો જન્મ થયો છે” નગરશેઠ હજુ હરખ વ્યકત કરે ત્યાં જ ભીખા ગણેશ બોલી ઉઠ્યા!! “ ભારે કરી હો !!” અને આ સાંભળીને નગરશેઠે સંડાસ જવાનું ડબલું ભીખા ગણેશના મોઢા પર ફેરવીને ઝીંક્યુ!! ખીખીખી કરતાં ભીખા ગણેશ થયા રવાના!! ધીમે ધીમે ગામ પણ ભીખાદાદાની મશ્કરીઓથી ટેવાઈ ગયેલું. ગામમાં લગભગ દરેક જણા પાસે ભીખા દાદાની કોઈ એક ઠેકડી વાળી વાત તો હોય જ!! આવો રોનકી માણસ આમ તરત હાલ્યો ગયો બધાને મુકીને એનું તરત દુઃખ હતું!! કુટુંબીજનોએ સ્મશાનયાત્રાની બધી જ તૈયારીઓ કરી દીધી હતી. ભીખાદાદાના પાડોશી એવા માવજી દાદાએ તો એક બે જણાને બાજુમાં બોલાવીને કહી પણ દીધું.

Image Source

“ઉતાવળ રાખજો.. આ વરસાદ માંડ બંધ થયો છે. આથમણી બાજુ થોડાક કાળા વાદળા છે. એમ્બ્યુલન્સ આવે કે અરધી કલાકમાં સ્મશાન ભેગું થઇ જવાનું છે. પછી ભલે વરસાદ વરસતો નહિ તો ખબર છે ને ગયા વરહે ઉકાને પલળતા વરસાદમાં લઇ ગયા હતા. અને ત્યાં જઈને રોજડી થઇ અરધી રાતે આપણે નાવા પામ્યાં હતા. એટલે વાજોવાજ બધું પતાવી દેવાનું છે.એક દીકરી આવી ગઈ છે ને એટલે હાલે બીજીની વાટ પણ નથ્ય જોવાની. એમ્બ્યુલન્સ આવે ઈ પહેલા સ્મશાને બધું પોગી જાવું જોઈએ” અને આજુબાજુના માણસો ફટાફટ કામે લાગ્યા. ગોરધને બે ફેરા કરીને લાકડાં પણ લઇ આવ્યો. ગામની એક દુકાનેથી ઘી અને તલ પણ આવી ગયાં. નક્કી એવું થયું કે એમ્બ્યુલન્સ આવે કે તરત મનસુખ અને પાગો સ્મશાને જઈને ઠાઠડી પણ લઇ આવશે. પછી ફટાફટ વિધિ પતાવીને સ્મશાનયાત્રા કાઢી નાંખવાની છે છાંટા આવે ઈ પહેલા!!

બે દિવસથી સતત વરસાદને કારણે ખેતરમાં તો કોઈ જ કામકાજ ના હોવાથી આખુ ગામ સાવ નવરું જ હતું. એટલે બધા જ ફાળિયા લઈને ભીખા ગણેશના ઘરની આસપાસ આવેલ મકાનના ઓટલા પર ગોઠવાઈને વાતોના તડાકા મારવા માંડ્યા, અને બધાની રસ્તા પર નજર હતી કે ક્યારે એમ્બ્યુલન્સ આવે અને ક્યારે કામ પતે!!
જીવા દા એ મનીયાને બોલાવ્યો અને પૂછ્યું ગંભીર મુખ મુદ્રા ધારણ કરીને. “ કેટલેક પોગ્યા??? પછી ઘનીયાનો કોઈ ફોન આવ્યો તો??? તે એને વળતો ફોન કર્યોતો???” “મેં ઘણીવાર ટ્રાય કરી પણ એનો ફોન બંધ આવે છે.. એ નીકળ્યા ત્યારે ફોન કર્યો તો કે એમ્બ્યુલન્સમાં આવીએ છીએ.. કલાક દોઢ કલાક થાશે એમ કેતોતો” મનીયો જવાબ આપતો હતો. “ ડોકટરે શું કીધું??? એટેક હતો કે બીપીની તકલીફ?? મને તો ડાયાબીટીશ બળ કરી ગયું હોય એમ લાગે છે.. બાકી તાવમાં માણસ આમ જલદી વયુ નો જાય” ધનાદાએ મનીયા સામું જોઇને કહ્યું. “ ઈ કોઈ વાત નથી થઇ.. બસ એમ્બ્યુલન્સમાં આવીએ છીએ એટલી જ વાત થઇ અને મોટાનો અવાજ પણ બેસી ગયો હતો. હજુ સવારે ગયા ત્યારે જ કીધું તું હું ભેગો આવું પણ તમને તો ખબર છેને કે ઘનીયો કોઈનું માનતો જ નથી ને” સહુ થોડી વાર ચુપ થઇ ગયા. વળી ડેલી પાસે બીજા સાત આઠ જણા ફાળિયા નાંખીને આવ્યા એટલે મનીયો એની પાસે ગયો. “ આ કાયાનો કોઈ ભરોસો નથી… બે દિવસ પહેલા તો હજી મને પોલાની દુકાને મળ્યા હતા અને કહેતા હતા કે દેવા આઠમ પર ગોકુળ મથુરા અને હરદ્વાર જાવું છે.. અને બે દિવસ તાવ આવ્યોને આજ તો આવું થઇ ગયું.. ભારે કરી!!” દેવો બીડી પીતા પીતા બોલ્યો.

Image Source

“સાચી વાત છે આજ તો હું સવારમાં ચાર વાગ્યે જાગ્યો અને સંડાસનું ડબલું લઈને નીકળ્યો ત્યારે જ ગામમાંથી એકસો આઠ નીકળી તે મે રતુને પૂછ્યું એટલે રતુએ કીધું કે ભીખા ગણેશ બેભાન થઇ ગયા છે. રાતે તાવ બરાબરનો ચડી ગયો હતો. ગામના ડોકટરે બાટલો પણ ચડાવ્યોતો પણ તાવ નો હટ્યો તે પછી એકસો આઠ ને ફોન કર્યોને તે એ આવીને રાજકોટ લઇ ગયા છે ભીખા આતાને” ચંદુએ વાત શરુ કરી. બસ પછી તો ભીખાદાદાની વાતથી આખું પડ જ ધગી ગયું.
“ભલે રોનકી રહ્યા પણ હતા સાચુકલા માણસ એમાં કાઈ ફેર નો પડે.. મને હજુ ત્રણ દિવસ પહેલા મળ્યા અને બસો રૂપિયા આપીને કહે આ લે તારી દાડીના પૈસા.. મેં ના પાડીતી કે દિવાળીએ આપજોને પણ એ બોલેલા કે મને એવો ગોબરો વેવાર ન ફાવે.. હિસાબ ચૂકતે કરું તો જ ચેન પડે!! આવો વેવારું માણસ” શંભુ બોલ્યો.

“ખબર્ય છે.. બે વરહ પેલા પુનાભાભા દેવ થયા અને સ્મશાનયાત્રા નીકળી ત્યારે પાદર પાસે એ ધોડીને નવઘણઆતાને ઘરે જઈને એનો હાથ પકડીને સ્મશાનયાત્રામાં લાવેલા અને કીધું કે હાલો ઈ બહાને તમે નાહી તો લો!! આમ તો તમે કોઈ દિવસ ન્હાતા નથી પણ ગામમાં કોઈ મરે ને ત્યારે નહાવાનું રાખોને તો આજુબાજુ વાળા અને ઘરના તમામ સભ્યો લાંબુ જીવી શકે””!!! બટુકભાઈએ આ વાત કરી એટલે બધા હસી પડ્યા.

“અને પાંચ વરસ પહેલા મથુરને ત્યાં જાન આવેલી અને વળાવવાનો સમય થયો ત્યારે મથુરની દીકરી અને એની બેનપણીઓ બહુ જ રોતી તી!! ડેલીમાંથી બહાર નીકળે જ નહીને!!! ગોરબાપા પણ ઊંચાનીચા થાય કે કન્યા વિદાયનું ટાણું જતું રહે છે પણ છોડિયું તો બહુ રોવે!! બધાએ સમજાવી પણ આગળ ડગલું ના માંડે!! બસ રો રો જ કરે અને ભીખા આતાનો બાટલો ફાટ્યો એ ગયા ડેલીમાં અને કન્યાની બેનપણીઓને કીધું કે એલી તમે શીદને રડો છો!! સાસરે તો ઈ જાય છે દુઃખ એને હોય!! તમે તો સાવ ખોટીયું લઇ હાલ્યું છો!! એવું લાગતું હોય તો તમને બધીયને એની હારે મોકલીએ પણ તમે રોતીયું બંધ થાવ અથવા તો આપણે આ વિદાયનો પ્રોગ્રામ જ બંધ રાખીએ!! ઘરે રહ્યો તમતમારે બધીયું!! અને તરત જ રોવાનું બંધ થઇ ગયેલું!!” શિવા સોનીએ વાત કરી અને બધા બોલી ઉઠ્યા કે ભીખાદા એટલે ભીખાદા!! એટલે જ એનું નામ ભીખા દા ભારે કરી પડી ગયું છે!! હવે મોહન કુંભારે વાત શરુ કરી!!

“આજથી પાંચેક વરસ પહેલા અમે એક જગ્યાએ ઢગમાં જમવા ગયેલા. સાવ સાચી વાત.. લ્યો ત્યારે નામ ઠેકાણું પણ કહી દઉં.. જસદણ ગ્યાતા.. જમવા બેઠાં!! ભીખાદા દરેક વખતે બે બે લાડવા લઇ લે!! ચાર વખત બે બે લીધા પછી ઘરધણી તાણ કરવા નીકળ્યા લાડવાની ડોલ લઈને તે ભીખાદાની પાસે આવ્યા અને ભીખાદા એ ઘરધણીનો હાથ પકડીને મંડ્યા બોલવા કે મારે ડાયાબીટીશ મારા સમ હવે જરાકેય નો હાલે.. હવે એક બટકુય નો હાલે!! આમ તાણીતાણી બોલે પણ ઘરધણીનો હાથ પકડી રાખે. ઘરધણી બોલ્યા હાથ મુકો મારો હું તમારી થાળીમાં લાડવો નહિ મુકું ત્યારે ભીખાદા બોલ્યા. તાણ કરીને મને પરાણે ત્રણ લાડવા મુક્યને પછી જ હાથ મુકવાનો છે!!!”

“હા એટલે જ અમુક ઘરે લગ્ન હોય ને એકનું જ જમવાનું હોય ને તો જે નોતરું દેવા આવ્યો હોય એ ભીખા ગણેશની ઘરે ચોખ્ખું કહેતો કે એકનું જમવાનું છે અને તમારે બે ય ભાયુંમાંથી ગમે એ એકને આવવાનું છે.. ભીખા દાને નહિ!! નહિતર ભીખાદા એસટીમેન્ટ બગાડી નાંખતા!! યાદ છે પરબતને ત્યાં ત્રણ જાન આવવાની હતી અને એ લોકો રાજકોટથી બરફીની બાર ચોકી લાવેલા!! અને ભીખાદાદા ને બરફીના બટકા પાડવા બેસાડેલા તે અર્ધી ચોકી તો એ બટકા પાડતા પાડતા જ ગળચી ગયેલા અને પછી જમવા ટાણે કે મારે ખાલી દાળ ભાત જ ખાવા છે. આ બધું બહારનું મને નો ફાવે!!” પૂંજો બોલ્યો!!

Image Source

બધા જ ભીખાદાની વાતો કરી રહ્યા હતાં અને અચાનક જ એમ્બ્યુલન્સ આવી સહુ ઉભા થઇ ગયા. બધાના મોઢા પર અચાનક જ ઉદાસી અને ગંભીરતા આવી ગઈ. બધાએ માથે ફાળિયા નાંખ્યા!! ડેલી બાજુ સહુ જવા લાગ્યા. ઓશરીની અંદર બેઠેલી સ્ત્રીઓ પણ જોર જોરથી રોવા લાગી. એમ્બ્યુલન્સ ડેલી પાસે ઉભી રહી અને બારણું ઉઘડ્યું!! અંદરથી ઘનીયો અને ભીખા દાદા બે ય ઉતર્યા!! સહુ અચંબામાં પડી ગયા!! ભીખા દાદા પણ આજુ બાજુ જોઇને બોલ્યાં!!
“ઘનીયાની બાને કાઈ થયું નથી ને???” આ બધા ફાળિયા લઈને ડેલીએ કેમ ઉભા છો??” કોઈ કાઈ બોલ્યાં જ નહિ!! બધાની મતિ મારી ગઈ હતી. શું બોલવું એ કાઈ સુજતુ નહોતું એમાં ભીખા દાદા એ પોતાની પત્ની જોઈ એટલે ઘનીયાની માને જોઈ અને એ ખેલ સમજી ગયા!!

“કે પછી હું મરી ગયો છું એમ સમજીને મારા સ્નાનમાં આવ્યા છો??? એવું હોય તો ભારે કરી હો!!!” પછી હોય એટલી જીગર કરીને મનીયો બોલ્યો.
“ મોટાભાઈનો ફોન આવ્યોતો ને કે એમ્બ્યુલન્સમાં નીકળીએ છીએ એટલે મને એમ કે!!”
“શું તને એમ કે એટલે!!! તને અને આ બધાને એમને કે ભીખો ટોલી ગયો છે!! રાજકોટ મને સારું થઇ ગયું હતું. ડોકટરે એક બાટલો ચડાવ્યો અને એવો પરસેવો વળ્યો કે તાવ જાય દોડ્યો. હું તો સાવ સાજો સારો છું. પછી શિવો બોલ્યો.
“એમ્બ્યુલન્સની વાત નીકળીને એટલે અમે એમ માની લીધું કે બાકી એમ્બ્યુલન્સ આ ગામમાં આવે એટલે મરેલા જ આવે છે”

“અરે આ એમ્બ્યુલન્સ વાળો જાણીતો છે એને ખાલી ખાલી બાબરા જાવું હતું અને ભાડું પણ નહોતો લેવાનો એટલે હું અને ઘનીયો એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ ગયા. પણ આ ઘનીયાનો ફોન ટાકણે બંધ થઇ ગયો.. થોડી જ વાત થઇ શકી!! અને આમાં ફોનનો પણ થોડો વાંક છે. હોસ્પીટલે મને બાટલો ચડતો હતોને આ નસીબદાર મોબાઈલની જ ઘાણી કરતો હતો.. તે એની ડોહી બેટરી લો થઇ ગઈ. તોય માંડ માંડ અને એય અધુરી વાત થઇ ને આમાં ઓડનું ચોડ વેતરાઈ ગયું!! પણ જે થયું એ સારું જ થયું મનેય ખબર પડેને કે ગામમાં મારી વેલ્યુ કેટલી છે?? કેટલા કેટલા નાવા આવ્યાં છે??? ઓલ્યો રમલો કે એનો બાપ રઘલો નથી આવ્યા લાગતા?? બાલો કે ભનુંય નથી દેખાતા!! વાત છે એ બધાની!! ઠીક છે હાલો બધા હવે ચા પીને જ જાવ!! બાકી તમે બધાએ ભારે કરી હો”!! કહીને ભીખાદાએ ઘરની અંદર પગ મુક્યો હવે બધા હસતા હતા!! ઘડી ભરમાં તો આખું વાતાવરણ પલટાઈ ગયું. ઓશરીની કોરે તલ જોયા. ઘી ની બરણી જોઈ!! લાકડા જોયા અને વળી ભીખા આતા બોલ્યાં!!

“અમારા ઘરમાં આમેય ઘી ખૂટ્યું હતું તે આ બરણો ભરાઈને આવી ગયું. વાણીયા દાની દુકાનેથી લાવ્યા હશોને!!?? સ્મશાને લઇ જવાના ઘી અને તલના તો પૈસા પણ એ નથી લેતા ને!! આ તલ પણ કાલ જ વાવી દેવાના છે!! આમેય રસ્તામાં હું ઘનીયાને કેતો તો કે વાવવા માટેના તલ ગોતવાના છે ઘરે જઈને!! અને ચોમાસામાં આ લાકડા પણ કામ આવશે ને!! આમેય મસાણે ગયા લાકડાં થોડા પાછાં આવે!! એટલે જેણે જેણે લાકડા આપ્યા ઈ કોઈને પાછા મળશે પણ નહિ!! ભીખાદા હજુ બોલતા જ હતા ને ત્યાં મોટી ધારે વરસાદ વરસ્યો અને એ ફાળિયું લઈને ફળિયામાં ગયા અને ગામલોકોને કીધું.

Image Source

“હવે નહાવા આવ્યા જ છો તો નાહી નાંખોને!! હું ય જીવતે જીવ જોતો જાવ કે મારા નામનું કેટલા લોકો નાહી નાંખે છે અને હા શંભુ તું પાદરે જા અને નવઘણ દાદાને બોલાવી લાવ્ય એટલે એ પણ નાહી નાંખે”!! અને સહુ હસતાં હસતાં મન મુકીને વરસાદમાં નાહ્યા! ગામ લોકો અત્યાર સુધીમાં ગામમાં મરણ થાય એમની પાછળ પછી કેટલીય વાર નાહ્યા હતા. પણ આજ પેલી વાર એ જેના નામનું નહાવાનું હતું એની સાથે ન્હાઈ રહ્યા હતા!!

ચાલુ વરસાદમાં ગામની શેરીઓમાં પણ લોકો નાહતા નાહતા ઘરે જતા હતા!! વરસાદ હવે બમણા વેગે પડી રહ્યો હતો!! કુટુંબીજનો સાથે ફાળિયુ વીંટીને ભીખા ગણેશ નાહી રહ્યો હતો!! ભીખાદા જગતના પહેલા એવા વ્યક્તિ હતા કે પોતે મરી ગયા બાદ કરવામાં આવતા સ્નાનમાં એ પોતે હાજર હતા!!

લેખક:- મુકેશ સોજીત્રા

૪૨, શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા . ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks