કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

ભવનાથની આ રવાડીમાં અશ્વત્થામાં પણ હાજર હોય છે! સૌથી રોમાંચક શિવરાત્રીની રવાડીની આવું છે રહસ્ય

જીવ શિવ કે દિવ્ય મિલન કા ક્યાં કોઈ ભેદ બતાવે ?
ના કુછ લેના ના કુછ દેના, શૂન્ય મેં શૂન્ય મિલ જાવે!

– પૂજ્ય પુનિતાચારિજી મહારાજ

મહા વદ નોમથી લઈને શિવરાત્રીની મધ્યરાત્રી સુધી સોરઠના ધણી ગિરનારની તળેટીમાં ‘હર ભોલે – બમ ભોલે’ના નાદ ગાજી ઉઠે છે. લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે. હજારો સાધુઓની રાવટીઓ તણાય છે. અનેક મંત્રજાપોથી તળેટી જાણે હવનકુંડ હોય તેવું ભાસે છે. ચારેબાજુનું પર્યાવરણ શિવાવરણથી છવાય જાય છે.હા, આ વાત છે ભવનાથના મેળાની! મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે વાત કરવી છે એને જ લગતી. હવે ‘મિની કુંભ’નો દરજ્જો પામેલો આ વિશાળ મેળો ખરા અર્થમાં ભવ્યાતિભવ્ય હોય છે. લગભગ આઠથી દસ લાખનો માનવ મહેરામણ ઉમટી પડે છે! ભવનાથ મહાદેવના સાનિધ્ધયમાં યોજાતા આ મેળામાં સાધુ-સંસારીઓ અને શિવનો સંગમ રચાય છે.
મહા સુદ નવમીથી શરૂ થતા આ મેળાની પૂર્ણાહુતિ શિવરાત્રીની મધ્યરાત્રિએ હોય છે. શિવરાત્રીનો આખો દિવસ લોકોનું પુષ્કળ આવાગમન રહે છે. હૈયેહૈયું દળાય એટલી ભીડ જામે છે. તળેટી જાણે માનવીથી ખચ્ચાખચ ભરાય ગઈ હોય તેવું ભાસે! ત્યારબાદ મધ્યરાત્રિએ સાધુસંતોની રવાડી નિકળે છે. રવાડીનું મહત્ત્વ સાધુસંતોથી માંડીને સામાન્ય લોકોમાં પણ ઘણું હોય છે. હરેક ભાવકને આ સરઘસ જોવાની ઉત્સુકતા હોય છે. આજે અહીં જાણી શું આ કરતબપૂર્ણ, રહસ્યમય અને જીવ-શિવના મિલનનો ઘોષ પાડતી રવાડી વિશેની એવી વાતો જે ખરા અર્થમાં રોમાંચક છે :મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ લગભગ નવ-દસ વાગ્યાના સુમારે અખાડાઓમાંથી સાધુસંતોનું સરઘસ નિકળે છે. ભારતભરના સંતોનું અહીં આગમન થઈ ચુક્યું હોય છે, તે બધા જ આ પળે રવાડીમાં શામેલ થાય છે. હિંદના ૧૩ જેટલા અખાડાઓના મહંતો, મહામંડલેશ્વરોથી આ સરઘસશોભી ઉઠે છે. હાથીની અંબાડી પર, ઘોડાના રથ પર કે પાલખીમાં મહંતો બિરાજે છે અને બીજાં સાધુઓ પગપાળા ચાલે છે.

દ્રશ્ય ખરેખર શ્રધ્ધાના ઉદ્ગાર સમાન હોય છે. સાધુઓ પણ કેવાં? હઠયોગથી ભલભલી સિધ્ધીઓને વશ કરનારા નાવાબાવાઓ! અંગ ભભૂત ગલે રૂદ્રમાલાથી શોભતા! હાથમાં ત્રિશૂળ હોય, ધર્મદંડ હોય, ડમરું હોય કે બીજું કોઈ હથિયાર પણ હોય. આવા અનેક સાધુઓ સાગમટું નૃત્ય આરંભે. જાણે કૈલાસપતિ ખુદ તાંડવ કરવા આવ્યા હોય! અનેક કરતબો યોજાય. અમુક સાધુઓ તો પોતાની ઇન્દ્રી વડે જીપ કે કાર પણ ખેંચી બતાડે! કોઈ વળી તલવારો ફેરવીને લોકોને અભિભૂત કરી દે. કેટલાંક સાધુના કરતબો તો લોકોને ખરેખર મોંમાં આંગળા નખાવી દે તેવાં હોય. પ્રબળ હઠયોગથી સાધેલી સિધ્ધીઓ અહીં દેખાય છે. નાના કુંભમેળાનો દરજ્જો આપવામાં કદાચ આ સાધુસંતોની રવાડી જ મુખ્ય દરજ્જો ભોગવતી હોય તો ના નહી!નાગા સાધુઓના આ સરઘસને જોવા માટે લોકો પડાપડી કરે છે, એ પરથી તમે તેનું મહત્ત્વ સમજી શકશો. મૃગીકુંડ સુધી આ રવાડી જાય છે. અહીં પહોંચીને સાધુઓ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે, સ્નાન કરે છે. બસ, ભવનાથના મેળાની ખરેખરી પૂર્ણાહુતિ અહીં જ જાહેર થઈ જાય છે. હવે મેળો પૂરો થયો. પણ એક માન્યતા અહીં ધ્યાન ખેંચે તેવી છે. લોકો કહે છે કે, અમુક સાધુઓ મૃગીકુંડમાં ડૂબકી લગાવે પછી બહાર આવતા જ નથી! અલબત્ત, એ તો જે હો તે પણ એક વાત ચોક્કસ કે, મૃગીકુંડમાં સ્નાન કર્યાં બાદ બધાં સાધુઓ ત્વરીત ચાલ્યા જાય છે. સવાર લિખોના મેળાવડામાંથી કોઈ જોવા જ ના મળે! હિમાલય સહિત દેશભરની અનેક ગિરિકંદરાઓથીમાંથી, પવિત્ર ચાર મઠોમાંથી, બીજાં અનેક મંદિરોમાંથી, અરણ્યો અને ભોંયરાઓમાંથી આવતો આ સંસ્કૃતિ મૂંગો રખેવાળ સમુદાય ફરીવાર ગંતવ્ય સધાનો ભણી ગતિ કરી જાય છે.

બીજી એક માન્યતા એવી પણ છે કે, આ રવાડીમાં ભગવાન દત્તાત્રેય, રાજા ગોપીચંદ, રાજા ભતૃહરી અને અશ્વત્થામા પણ શામેલ હોય છે!આમ, ભવનાથના મેળાનો લહાવો લેવો એ જીવનનો એક અવિસ્મરણીય અનુભવ બની જાય છે. હવે તો સરકારે સુવિધાઓ પણ કાબિલેદાદ કરી એની પણ તારીફ કરવી જ રહી. સાધુઓના આટલા દિવસના રહેવાસ માટે સુવિધાસજ્જ ટેન્ટ સીટીઓ બનાવી છે,જૂનાગઢની દિવાલો પર અદ્ભુત ચિત્રો ચિતર્યાં છે જે મેળામાં લોકોનો રસ જાગૃત કરે છે, ૫૧ લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ તૈયાર કરવવા ઉપરાંત લેસર શો સહિતના આકર્ષણો ગોઠવીને સરકારે આધુનિક પેઢી પણ આ મેળામાં મહાલે એવો પ્રયાસ કર્યો છે. એ નાતે મેળાની એકવાર મુલાકાત જરૂરથી લેવી રહી.

જય ભવનાથ!
હર હર ભોલે!

લેખક: કૌશલ બારડ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks