ભાવનગર: ડોકટરે કહ્યું, “ચપ્પલ બહાર કાઢીને આવો..” દર્દીના સગાએ ડોક્ટર પર કર્યો હુમલો, વીડિયો વાયરલ

ગુજરાતના ભાવનગર શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઇમરજન્સી વોર્ડમાં એક ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો, જેનું કારણ માત્ર એટલું જ હતું કે તેમણે દર્દીના સગાઓને ચંપલ ઉતારવાનું કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે લોકોમાં ચિંતા અને આક્રોશ ફેલાવ્યો છે.

ઘટના એવી રીતે બની કે એક મહિલા દર્દીને માથામાં ઇજા થવાને કારણે હોસ્પિटલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા બેડ પર આરામ કરી રહી હતી અને તેની આસપાસ કેટલાક પુરુષો ઊભા હતા. થોડી વાર પછી ડોક્ટર  વોર્ડમાં પ્રવેશ્યા અને તેમણે દર્દીના સાથે આવેલા લોકોને વોર્ડની બહાર ચંપલ ઉતારવાનું કહ્યું.

વિડીયો પ્રમાણે જોતા તો એમ લાગે છે કે આ સૂચના સાંભળીને દર્દીના સગાઓ ગુસ્સે થયા અને ડૉક્ટર સાથે તકરાર શરૂ કરી. દર્દી ના સગા કદાચ ડોક્ટર સાથે આગળ એમને કોઈ બીજી વાતથી પણ નિરાશ થયા હોય એ પણ બની શકે છે. વાતચીત ઝડપથી હિંસક બની ગઈ અને ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો. હુમલા દરમિયાન ડૉ. જમીન પર પડી ગયા. આ જોઈને બેડ પર સૂતેલી મહિલા દર્દી અને એક નર્સે વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હુમલાખોરોને રોકવામાં નિષ્ફળ રહ્યા.આત્મરક્ષણમાં, ડૉ. ખુરશી ઉઠાવી અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. આ અથડામણ દરમિયાન, વોર્ડમાં રાખવામાં આવેલી દવાઓ અને અન્ય તબીબી ઉપકરણોને પણ નુકસાન થયું.

આ ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી. ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 115 (2) (જાણીજોઈને ઈજા પહોંચાડવાના ઇરાદે કૃત્ય), 352 (શાંતિ ભંગ) અને 351 (3) (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટનાએ હોસ્પિટલોમાં સુરક્ષાના મુદ્દા પર ધ્યાન દોર્યું છે અને આરોગ્ય કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમાજના વિવિધ વર્ગોએ આવી ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે.

 

kalpesh