સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે, અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે

રસ્તા ઉપર રઝળતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં પણ તંત્રની આંખો હજુ બંધ છે, કેટલાક લોકો આવા અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, છતાં પણ જવાબદાર અધિકારીઓન પેટનું પાણી નથી હલી રહ્યું. ત્યારે આજે અમદાવાદમાં પણ એક યુવકને ગાયે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું, પરિવારના એકમાત્ર મોભી એવા ભાવિન પટેલના નિધનથી પરિવારને પણ ઊંડો આઘાત લાગ્યો છે.

નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ નામનો એક યુવક જયારે બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે જ રસ્તા ઉપર રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું કે ભાવિનને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું છે.

જેના બાદ તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. તે દરમિયાન જ તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાની ખબર સામે આવી છે. ભાવિન પરિવારનો એક માત્ર સહારો હતો, તેના પર જ આખું ઘર નિર્ભર હતું, ત્યારે તેનું આ રીતે અચાનક નિધન થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. ભાવિનને બે નાની દીકરીઓ પણ છે, ત્યારે પતિના મોતનો આઘાત પત્ની પણ સહન કરી શકી નથી અને તે કઈ બોલવાની સ્થિતિમાં પણ નથી.

ત્યારે આ બાબતે ભાવિનની બહેન મેઘલ અમીન પણ ખુબ જ દુઃખી છે. ભાઈનું આમ અકાળે અકસ્માતથી અવસાન થવાનું દુઃખ તે પણ સહન નથી કરી શકતી. મેઘલ અમીને આ બાબતે મીડિયા સાથે પણ વાત કરી હતી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. રબારીને કહો કે અહીંયાથી નીકળી જાય. મ્યુનિસિપાલિટીને પણ કહો કે ગાયોને અહીંથી કાઢે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ. અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ. ગાયોને અહીંથી હટાવો અમારી આગળથી. આજે મારો 38 વર્ષનો ભાઇ મૃત્યુ પામ્યો છે. તેને બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે? એ લોકોને ભાન નથી પડતું. હોસ્પિટલમાં અમને ડૉક્ટરો અને સ્ટાફે તો મદદ કરી પણ આ રોડ પર રખડતી ગાયોનું શું કરવાનું? એને બસ અહીંયાથી કાઢો.”

Niraj Patel