મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ભાવ તાલ” – જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં ક્યારેય પૈસાની ગણતરી ન કરવી જોઈએ, આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે આવી જ એક અદભૂત સ્ટોરી…

“કમળાબેન લખુભાઈ…..!!!!” બહાર બેઠેલી એક યુવતીએ સામે બાંકડા પર દર્દીઓ તરફ નજર નાંખીને કહ્યું. અને બીજા બાંકડા પર બેઠેલ એક પચાસની કોર્યમોર્ય પહોચેલી એક સ્ત્રી ઉભી થઇ. તેની સાથે બીજા ત્રણ પુરુષો પણ ઉભા થયા અને ડોકટરની ચેમ્બરમાં દાખલ થયા. ચેમ્બરની અંદર વળી એક બીજી ચેમ્બર હતી. બહારના ઉકળાટ અને થકવી દેનાર વાતાવરણ કરતા અંદરનું વાતાવરણ વધારે ઠંકડભર્યું હતું. વાતાવરણમાં કચ્છ અને કાશ્મીર જેટલો ફરક હતો.!!

image source : tosshub.com

ડોકટર અજય સામે બેઠાં હતા. બાજુમાં અત્યંત રૂપાળી એવી સહાયક ડોકટર કમ સેક્રેટરી શાલીની ઉભી હતી. ડોકટરે કમળાબેનની ફાઈલ હાથમાં લીધી અને બધાની સામે જોયું અને કમળાબેનની સાથે આવેલ એક પુરુષ બોલ્યો.

“આ મારા ભાભી છે. ગઈકાલે સાંજે ડોકટર વસાણીએ તમને ફોન કર્યો હતો અને ભલામણ કરી હતી. આજે પણ ત્રીસ મિનીટ પહેલા જ ડોકટર વસાણીનો ફોન આવ્યો હતો કે અજય સાહેબ સાથે બધી જ વાતચીત થઇ ગઈ છે. મારા ભાભીને પેટમાં અને પેડુમાં અસહ્ય દુઃખાવો થાય છે. આમ તો વસાણી સાથે અમારે ઘર જેવા સંબંધ છે. એ અમારા મકાનમાં જ સાત વરસ ભાડે રહ્યા છે. એ તો હવે એણે ઘરના મકાન અને દવાખાનું કર્યું છે. અમે આમ તો ત્રણ ભાઈઓ છીએ. આ મારા મોટાભાઈ અને ભાભી છે. એ દેશમાં રહે છે. અમે સુરતમાં રહીએ છીએ” હાથમાં ફોન રમાડતા રમાડતા પેલાએ ડોકટરને પોતાની ઓળખાણ આપી અને ડોકટર અજય સાંભળતાં રહ્યા. પછી બોલ્યાં.

image source : labmanager.com

“હા ખ્યાલ આવી ગયો મને..” અને આટલું જ કહીને એણે કમળાબેનને તપાસવાનું શરુ કરી દીધું. દુઃખાવા વિશેની વિસ્તૃત માહિતી મેળવવાનું શરુ કર્યું. ક્યારથી દુખે છે ? ક્યાં સમયે દુઃખે છે?? મહિનામાં કેટલી વાર દુઃખે છે?? કેટલો સમય દુઃખે છે?? દુઃખાવો થાય ત્યારે કોઈ દવા લ્યો છો? વગરે વગેરે અને પછી કહ્યું.

“ આ ત્રણ ટેસ્ટ કરવા પડશે.. સામે લેબોરેટરી છે ત્યાં જતા રહો હું એને કોલ કરી દઉં છું. તમારો વારો ફટાફટ આવી જશે. એ રીપોર્ટ આપે એટલે લઈને મારી પાસે આવજો” કહીને બે ત્રણ પીળાં કાગળિયાં કશુંક લખી દીધું અને પેલા ભાઈને આપ્યું.

બધાં બહાર આવ્યા અને સામેની લેબોરેટરીમાં ગયા. કલાકમાં ત્યાં લોહી, પેશાબ અને એક્સ રે ના રીપોર્ટ આવી ગયા. રીપોર્ટ આડા અવળા ફેરવી ફેરવીને જોયા પછી લેબોરેટરી વાળા ભાઈને પૂછ્યું.

“રીપોર્ટમાં શું આવ્યું એ તો કહો!!”

“એ તમને બધું ડોકટર કહેશે…અમને એમાં કાઈ ખબર ના પડે” મોઢું ગાડીને લેબોરેટરી વાળાએ જવાબ આપ્યો.

image source : jfwonline.com

“ આ બધાનું કમીશન હોય!! આ તો વસાણીનો જેક લાગી ગયો છે. એટલે આ ડોકટર અજય અને રીપોર્ટવાળા સીધા હાલે છે બાકી આ લોકો તો સોરી જ નાંખે” આટલા રીપોર્ટ અહી છસોમાં પતી ગયા પણ આજ રીપોર્ટ સુરતમાં કરાવ્યા હોયને તો બે હજાર થી નીચે ના જ થાય!! સુરતમાં તો જેટલા માળની બિલ્ડીંગ એટલા હજારનો રોજનો ખર્ચો આવે દવાખાનાનો!! હું મારા ભાગીદારને લઇ ગયો હતો એક હોસ્પીટલમાં!! હવે એનું નામ નથી દેવું પણ એ હોસ્પિટલ પાંચ માળની હતી. અને રોજનો પાંચ હજારનો ખર્ચ આવતો હતો. હવે તમને ડોકટર સાથે બાર્ગેનિંગ કરતાં ના આવડતું હોય કે ભાવતાલ કરતા ન આવડે તો તમને આ લોકો કાપી જ નાખે છે.. મારે તો આ રોજનું થયું.. અને હવે લોકો ને પણ ખબર પડી ગઈ છે સોસાયટીમાં કે મહેશભાઈને બિલ ચુકવતી વખતે સાથે રાખો તો ફાયદો થાય.. અને ડોકટરો પણ હવે મને મોઢાથી ઓળખતા થઇ ગયા છે અને મને જુએ એટલે તરત જે પાંચ કે દસ હજાર ઓછા જ કરી નાંખે અને એ બધાને ખબર કે આ લપ ઓછું કરાવ્યા વગર જાશે જ નહિ!! અહી પણ હું એટલે જ આવ્યો છું કે તમે ખોટા ખર્ચામાં ભેરવાઈ નો જાવ” “ મહેશે હાથમાં રીપોર્ટ થેલીમાં નાંખતા નાંખતા પોતાની વિશિષ્ટ આવડત પોતાના મોટા ભાઈ અને મોટા ભાભી આગળ રજુ કરી!!

કરમણઆતાને ત્રણ દીકરા હતા!! મોટો લખમણ જેને બધા લખો કહેતાં હતા. પછી વચલો સંદીપ અને છેલ્લે સહુથી નાનો મહેશ!! લખો ખેતી કરે પોતાની અને બેય નાનાની અને અને ગામડામાં રહે!! નાના બે ય સુરતમાં રહે અને વાર તહેવારે વતનની વિઝીટે આવ્યાં કરે!! નાના બેય ને બે ત્રણ પોપડામાં લક લાગી ગયેલા એટલે સરખાઈ આવી ગયેલી. જેવી સરખાઈ આવી કે તરત જ કરમણ આતા જીવતા હતા ત્યારે જ નોખા થઇ ગયા હતા. ખેતી તો કરવી નહોતી એટલે એ બધીય ખેતી ભલે મોટાભાઈ કરે અને વધે તો અમને દેજો બાકી અમે તમારી પાસે કાઈ નહિ માંગીએ એમ કહીને મોટા ભાઈ માથે હાથ રાખીને મહેશ અને સંદીપ છુટા થઇ ગયેલા અને આમેય સુરતમાં જેટલા કાઠીયાવાડી સેટલ થયા છે એ જ્યારે સહુ પ્રથમ વાર બે પાંદડે થયા ત્યારે તરત જ નોખા થવાનું એ પહેલા પસંદ કરતા. સુરતમાં જયારે જ્યારે ભાઈઓ નોખા થાય ત્યારે માનવું કે હવે આ લોકોની કમાણી વધી ગઈ છે એ નક્કી!! બાકી વરસોથી જો એ ભેગા રહેતા હોય તો માનવું કે માંડ માંડ પૂરું થાય છે!!

લખમણની વહુ કમળા પણ હતી ધીરજવાન. પોતાના બે દીકરા અને એક દીકરીની સાથોસાથ પોતાના બે દિયરને પણ એણે સાચવી જાણ્યા હતા. બને દેરાણી જયારે દેશમાં આવતી ત્યારે કમળા એને એક સળીના બે કટકા પણ ન કરવા દે અને વળી પછી બોલે પણ ખરી!!

“તમે તો મેમાન કેવાવ મેમાન!! તમારે તો અહી આરામ કરવાનો હોય આરામ!! મારા બે ય છોકરાને તમે રાખો છો સુરત એ થોડું ઓછું કેવાય?? પાંચ પંદર દિવસ મારે વધારે કામ કરવું પડે ઈ જ ને એમાં કાઈ હું દુબળી થોડી પડી જાવાની છું!! તમારે તો આહી આવીને આરામ કરવાનો છે આરામ!! મારા સમ છે જો કાઈ કામ કર્યું છે તો” આવી જેઠાણી કોને ના ગમે!! બે નાના સુરતમાં પોતાની રીતે ભેગું કરવા જીવતા હતાં.. જ્યારે લખમણ અને કમળા ભેગા રહેવા માટે જીવતા હતા.!! અને લખમણના બને છોકરાઓ પણ કાકાને વફાદાર રહીને સુરતમાં એ કહે એટલું કરતાં હતા.

image source : patrika.com

ખેતીમાં વરહ કાઈ સારા તો નહોતા જ જતા હતા. માંડ માંડ પૂરું થાય એવા દિવસો હતા.તોય ખેતીની ઉપજમાંથી લખમણ ત્રણ ભાગ કરતો અને બેય નાનાને સુરત મોકલાવી દેતો. આતો લખમણને એના બે દીકરા થોડું થોડું મોકલતા હતા એટલે ગાડું ગબડ્યે જાતું હતું. વળી અત્યાર સુધીની બચત એક દીકરીને પરણાવવા અને બે દીકરાને બાર ધોરણ સુધી ભણાવવામાં વપરાઈ ગઈ હતી. આમેય કાઠીયાવાડી કોઈ દી બચતમાં માનતો નથી અને કદાચ એટલે કોઈ દિવસ અછત એને નડતી નથી!! આવે એટલું વાપરી નાંખો કાલની ચિંતા કાલ પર!! અમને છોડી દો અમારા હાલ પર!! મોટે ભાગે આજ જીવનસૂત્ર હોય છે!!

વરહ દિવસ થી કમળાની તબિયત બગડતી ચાલી.શરૂઆતમાં થોડો થોડો તાવ આવે.એકાદ બે દિવસ રહે વળી જતો રહે અને એમાં પેટમાં અને પેડુમાં સખત દુઃખાવો શરુ થયો. ત્રણ ચાર મહિના તો કમળાએ કોઈને વાત ન કરી. ગામડામાં પોતાનું દુઃખ બીજાને કહેવું એ ગૌરવની વાત નથી ગણાતી!! પણ દુઃખાવો અસહ્ય થયો અને પછી પોતાના ઘરવાળાને વાત કરી એક બે ઠેકાણે બતાવ્યું. ગેસને કારણે આવું થાય એટલે આયુર્વેદનો એક કડવો બાટલો પણ પી ગઈ કમળા પણ દુઃખાવો કોઈને ના ગાંઠે છેલ્લે ગામડામાં પ્રેકટીસ કરતા અને શરૂઆતમાં પોતાના ભાઈઓના ખાલી ઘરમાં ભાડે રહેતા ડોકટર વસાણીને બતાવ્યું અને એણે વસની એ કીધું.

“એક કામ કરો તાલુકમાં જઈને મારા એક ઓળખીતા એક એમ ડી ડોકટરને બતાવી આવો. મને મામલો થોડો વધારે ગભીર લાગે છે. આમાં માથું મારવું નહીં સારું!! શરૂઆતમાં તમે રોગને ના ગાંઠો ને તો પછી રોગ એટલો વકરી જાય કે પછી એ કોઈને નો ગાંઠે”!!

અને એટલે જ લખમણે સંદીપ અને મહેશને વાત કરી કે તારા ભાભીને મોટા દવાખાને બતાવવાનું છે અને મને પડે અજાણ્યું એટલે બે માંથી એક ભાઈ અહી આવી જાવ તો સારું રહે!!અને બને ભાઈઓ આવી ગયા. મહેશ તો ફક્ત દવાખાનાના કામે જ આવ્યો હતો જ્યારે સંદીપ ને તો પોતાની સાળીનું સગપણ હતું એટલે એમાં હાજરી આપવાની હતી. એટલે કામ ભેગું કામ!!

image source : gstatic.com

કમળાબેનના રીપોર્ટ લઈને ડોકટર અજય પાસે એકલો મહેશ જ ગયો. પોતાના ભાઈ અને ભાભીને બહાર બેસાડ્યા અને કહ્યું કે હું સાહેબને મળીને આવું છું અને આ રીપોર્ટ બતાવી આવું છું. દર્દી સાથે ના હોય તો કયો રોગ છે એ ચોખવટ થઇ જાય!!

“ પેટમાં મોટી ગાંઠ છે.. ઓપરેશન કરવું પડશે.. લોહી અને પેશાબના રીપોર્ટ એકદમ નોર્મલ છે.. કમળાબેનનું જીવન મહેનત વાળું છે એટલે આ પીડા કદાચ જીરવી ગયા લાગે છે બાકી આવી ગાંઠનો જે દુઃખાવો હોય એ અસહ્ય હોય છે.. ઓપરેશન થઇ જાશે ત્રણ દિવસમાં .. ડાયાબીટીશ એકદમ નોર્મલ છે. બાકી અત્યારે ઓપરેશન જેને આવે એ બધાને ડાયાબીટીશ પણ હોય જ એટલે એ કંટ્રોલ કરવામાં આઠ દિવસ જતા રહે છે.પછી જ ઓપરેશનની તારીખ નક્કી થાય છે.” ડોકટરે મહેશને બધી વાત વિગતે કરી.

“ટોટલ ખર્ચ કેટલો આવશે?” મહેશે કહ્યું.

“પંચાવનની ગણતરી રાખવાની અને એ પણ તમે ડોકટર વસાણીની ભલામણ લાવ્યાં છો બાકી આ રીપોર્ટ તમે ગમે ત્યાં મોટે દવાખાને બતાવો અને તપાસ કરી લે જો.. ઓપરેશનના કેટલા કહે છે. દવાના કેટલા કહે છે!! તમે તો સુરત રહેલા જ છો તમને તરત જ ખ્યાલ આવી જશે.. આ તો અમે ચાર ડોકટરો ભેગા થઈને આ હોસ્પિટલ ચલાવીએ છીએ.. બને ત્યાં સુધી દર્દીઓના મોઢા પર સ્મિત આવે એવા પ્રયત્નો કરીએ છીએ. બહુ જ વાજબી ફી લઈએ છીએ અને જરૂર પડે તો ઓપરેશન કરીએ છીએ વળી ફૂલ ગંભીરતા સાથે. ઈશ્વરની કૃપાથી આ હોસ્પીટલમાં હજુ એક પણ કેઈસ બગડ્યો નથી.” ડોકટર અજયે વાત કરી.

image source : amazonaws.com

અને પછી મહેશે સુરતના લગભગ તમામ ડોકટર્સને પૂછી જોયું. કોઈ સાઈંઠ નીચે આંકડો આપતું નહોતું. ડોકટર વસાણીને વચ્ચે નાંખ્યા. ઘણું બધું
બાર્ગેનિંગ કર્યું.

“ આ મારા મોટાભાઈ છે. જુદા રહે છે. અહી ગામડામાં જ રહે છે. બે દીકરાને હજુ પરણાવવાના બાકી છે. હજુ તો સગપણ પણ બાકી છે..!! આટલી રકમમાં આ કુટુંબ ટળી જશે..!! આ તો કીડીને કોશનો ડામ થયો કહેવાય..!! કાંઇક ઓછું કરો..!! કાંઇક વાજબી કરો કાંઇક વાજબી..!! કોઈ મોટું કળ હોય ને તમે આનાથીય વધુ લ્યો તો પણ ચાલે..!! પણ આમાં તો ઓછું તો કરવું જ પડશે!! મહેશે પૂરતા પ્રયત્નો કર્યા.

અને છેલ્લે ભાવ તાલ થતા થતા કંટાળીને ડોકટરે ૪૫૦૦૦ સુધી તૈયાર થયા. પોતાનો હિસ્સો એણે જવા દીધો. બીજા બે ડોકટર સાથે એણે મસલત કરી લીધી. અને તમામ ખર્ચ આ ૪૫૦૦૦ માં આવી જશે.એક્સ્ટ્રા એક પણ રૂપિયો નહિ.. અને ઓપરેશનનું નક્કી થયું. મહેશે પોતાના ભાઈ અને ભાભીને વાત કરી. બે દિવસ પછી ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

“મારા બે ય દીકરાને અને દીકરીને બોલાવી લ્યો..ઓપરેશન વખતે એ હાજર રહેવા જોઈએ” વિમળાએ ભીની આંખે કહ્યું

image source : imgix.net

“અરે આતો સામાન્ય ઓપરેશન છે બાકી હજુ તમે ઓપરેશન જોયા નથી. તમારું ઓપરેશન તો કલાક સુધી જ હાલશે પણ સુરતમાં અમુક ઓપરેશન દસ દસ કલાક સુધી હાલે ને તોય દર્દીને કાઈ નો થાય..!! મારે તો આ રોજનું થયું..કોઈને કોઈ દવાખાને બોલાવવા આવે જ!” મહેશે પોતાની બડાઈ શરુ રાખી.

બે ય દીકરા અને દીકરી આવી ગયા. વહેલી સવારે પાંચ વાગ્યે ઓપરેશન શરુ થયું. છ વાગ્યે પૂરું..!! ત્રણેક કલાક પછી કમળાની આંખો ખુલી.સંતાનો એને વીંટળાઈ વળ્યા. લખમણના ચહેરા પર હાસ્ય આવી ઉઠ્યું. પોતાનું જીવન બચી ગયું હતું એને લખમણને આનંદ હતો!! કમળા એનું જીવન હતું.. આને જ કદાચ સહજીવન કહેવાતું હશે. સાળીના સંબંધની વિધિમાંથી સંદીપ પણ આવ્યો હતો. ગામમાંથી ખબર કાઢવા વાળા આવી રહ્યા હતા. જેવી જેને આવડે એવી ખબર કાઢતાં હતા!! કમળા ખુશ હતી સહુ ખુશ હતા. અને હવે આજે તો રજા આપવાની હતી. બીલ સમજવા માટે મહેશ અને સંદીપ ગયા. લખમણે કહ્યું હતું કે મારા છોકરા ચાલીશ હજાર લાવ્યા છે પાંચેક હજાર કદાચ ઘટે ઈ તું આપી દે જે!! દિવાળી પર તને આપી દઈશું!! મહેશે સહમતી બતાવી હતી!!

“સાહેબ બોલો હવે ફાઈનલ આંકડો” મહેશ બોલ્યો.

“ ફાઈનલ તો આપણે એ દિવસે જ નક્કી કર્યો હતો” ડોકટર અજય બોલ્યા.

image source : picdn.net

“ ઈ તો બરાબર પણ તમે ડોકટર થઈને કાંઇક મદદ ના કરો!! તમારે તો રોજ ઘણી આવક હોય!! એમાંથી ક્યારેક દર્દી માટે દાન ન કરી શકો!! રોજ ની વાત નથી કરતો પણ ખાસ આવા કેઈસમાં માનવતા દર્શાવી ન શકો” મહેશ બોલ્યો. એને હજુ ઓછા કરાવવા હતા. ડોકટર એની સામે જોઈ જ રહ્યા મનમાં વિચારી રહ્યા કે ખરી નોટ ભટકાણી છે પણ એને ખબર નથી કે હું પણ કાઠીયાવાડી જ છું.. એ તરત જ બોલ્યા.

“ આ ચાર માળની હોસ્પિટલ માટે અમે ચાર ડોકટરની એમ ડીની ડીગ્રી ગીરવે મુકાઈ ગઈ છે.અહી ઓપરેશનના જે સાધનો છે એનો ભાવ સાંભળોને તો પણ તમને ચક્કર આવી જાય. અને આ પાત્રીસ જણાનો સ્ટાફ છેને એને દર મહીને પગાર ચૂકવવો પડે છે… તમને એમ લાગતું હશેને આ લોકોને બખ્ખા હશે બખ્ખા!! પણ નેવું ટકા કીસ્સામાં અમારી જેટલી બળતરા કોઈને નથી હોતી. જીવનના અમુલ્ય ૨૫ વરસ અમે ભણવામાં કાઢીએ છીએ. ધોરણ દસ પછી જ અમારી કઠણાઈ શરુ થાય અમે કોઈના લગ્નપ્રસંગોમાં પણ જઈ શકતા નથી. એમાં અમે સમાજજીવન માણી શકતા નથી. બસ પછી લાખો રૂપિયાનો ખર્ચ કરીને હોસ્પીટલના ખર્ચા કરીને બાકીના બાકીના પચીસ વરસ ટાંગામેળ કરવામાં કાઢીએ છીએ. પચાસ વરસની ઉમરે પચાસ ટકા ડોકટરોની એવી સ્થિતિ આવી જાય છે કે એની પાસે તંદુરસ્તી અને પૈસા સિવાયની બધી વસ્તુઓ હોય છે!! હશે અમુક ડોકટરો સુખી એની ના નહિ પણ મોટે ભાગે અમે બળતરા ડીપાર્ટમેન્ટના માણસો છીએ. જીવનનો સાચો લહાવો તમે લો છો એ અમો તો લઇ જ શકતા નથી.. બોલો તમે જેટલો માનો છો એટલો આ વ્યવસાય ફૂલગુલાબી નથી જ ઘણી વખત મહીને ખર્ચ પણ માંડ માંડ નીકળે છે.. હા એક વખત હોસ્પીટલનું નામ થઇ ગયું પછી નફો પુષ્કળ મળે છે. પણ એ કોઈ ભાગ્યશાળી હોસ્પિટલો હોય છે કે જેનું ટૂંક સમયમાં નામ થાય છે”

“ કાઈ વધુ રકમ નહિ પણ હવે છેલ્લે છેલ્લે પાંચ હજારનું માન રાખો.. મારું નહિ તો વસાણી સાહેબનું માન રાખો” મહેશે છેલ્લો પાસો ફેંક્યો.
“ કાઈ વાંધો નહિ હું પાંચ હજાર ઓછા લઈશ. પણ તમે બને આ દવાખાનાના ખર્ચા પેટે તમારા ભાભીને કેટલા રૂપિયા આપવાના છો?? તમારા તો એ સગા છે ને!! મારા તો એ કોઈ જ સગા નથી તોય મેં ૫૦૦૦ ઓછા કર્યા.. દાન આપવાની અને માનવતાની ગધેડી અમે એકલાએ થોડી પકડી છે!! દર્દીના સગા સંબંધીએ પણ માનવતા અને દાન આપવું જોઈએ કે નહિ?? અહી આવનાર દરેક એમ વિચારે છે કે ડોકટરે માનવતા રાખીને ફી ઓછી રાખવી જોઈએ પણ કોઈ સગા સબંધી એવું કેમ નથી વિચારતા કે આ ખરચમાં આપણે કેટલા સહાયરૂપ થઇ શકીએ એમ છીએ!! બોલો તમે બને ભાઈઓ વીસ વીસ હજાર આપો અને હું મારા પાંચ હજાર જતા કરું એટલે થઇ ગઈને માનવતા?? થઇ ગઈને સેવા ભાવના?? તમેય ખુશ!! હુય ખુશ!! અને તમારા ભાઈ ભાભી પણ ખુશ!! ડોકટર વસાણી મને કાલે રાત્રે વાત કરતા હતા કે કમળાબેન અને અરજણભાઈ એ તમારા બેય ભાઈઓની જિંદગી બનાવવા માટે એની જિંદગી દાવ પર લગાવી દીધી છે તો આ વીસ વીસ હજાર તો સાવ સામાન્ય રકમ!! હવે લાવો તમારા બે યના એટીએમ એટલે અહી જ પૈસા કાપી લઉં અને તમને ૪૫૦૦૦નું કાયદેસરનું બિલ પણ મળી જશે.. આ હોસ્પિટલ રોકડમાં વહીવટ જ નથી કરતી.. બધું જ કાયદેસર” ડો. અજયનો આવો અણધાર્યો યોર્કર આવશે એવો ખ્યાલ તો મહેશ કે સંદીપને ક્યાંથી હોય!! મને કમને બને ભાઈઓના હાથ પેન્ટના ખિસ્સામાં ગયા અને એટીએમ કાર્ડ બહાર આવ્યા. ડોકટર પાસે ઉભેલી અત્યંત રૂપાળી કહી શકાય એવી સહાયક ડોકટર કમ સેક્રેટરીએ શાલિનીએ બને ભાઈઓના કાર્ડના પીન નંબર માંગીને વીસ વીસ હજાર કાપી લીધા અને ડોકટરે પણ પોતાના કાર્ડમાંથી પાંચ હજાર કપાવ્યા અને આમ કમળાબેનની બીમારીની તમામ રકમ ચૂકવાઈ ગઈ!! બને ભાઈઓ સાથે ડોકટર બહાર આવ્યા અને કમળાબેનના રૂમ તરફ ગયા. ત્યાં જઈને ડોકટર બોલ્યા!!

“લખમણભાઈ તમારા આ બેય ભાઈઓ એ તમામ બિલ આપી દીધું છે. એક પણ રૂપિયો હવે તમારે આપવો નહિ પડે. આ તમારા છોકરા કદાચ પૈસા લાવ્યા હોઈ તો એને કહેજો એ પાછા લઇ જાય!! ભાયુંમાં અને બાયુંમાં તમે ફાવી ગયા છો લખમણભાઈ!! તમારા ગામના ડોકટર વસાણી કાલે રાતે મેં ફોન કર્યોને ત્યારે તમારા બે ય માણસના ખુબ વખાણ કરતા હતા!! અને તમારા બે ય ભાઈઓ પણ ખુબજ સમજુ છે.. એણે મને કીધું કે જે ખર્ચ થાશે એ અમે બે ય ભાઈઓ વહેંચી લઈશું..પછી મેં પણ પાંચ હજાર આપ્યા.. અને વીસ વીસ તમારા ભાઈઓએ કાઢ્યા!! બાકી લખમણ ભાઈઓ ભાઈ હો તો ઐસા!!” કહીને ડોકટર ચાલતા થય.. કમળાબેને પોતાના દિયર તરફ આભારવશની લાગણીથી જોયું. મહેશ અને સંદીપ ડોકટર જતા હતા એ તરફ જોઈ રહ્યા હતા. મહેશ વિચારતો હતો કે જીવનમાં પહેલી વાર કોઈ એને આ રીતે આંટી ગયું હતું. જીવનમાં પહેલી વાર કોઈ આ રીતે એને પાઠ શીખવાડી ગયું . પણ કોઈ વાંધો નહિ, પાઠ નીતિમતાનો હતો એટલે પચી જવાનો હતો!!

કોઈ પણ દર્દીની સાથે હોસ્પીટલમાં જાવ ત્યારે દાકતર પાસે તમે એવી અપેક્ષા રાખો કે બિલ ઓછું આવે એ બરાબર જ છે પણ સાથોસાથ તમે જે દર્દીને લઈને ગયા છો એના બિલ માટે તમે કેટલી રકમ ફાળવી શકો છો એ તમારી ક્ષમતા મુજબ વિચારી લેજો!! બીજા માટે આપણે કોઈ બીજા માનવતા દર્શાવે કે બીજા સહાય કરે એવી આશા રાખીએ એના કરતા આપણે કેટલા મદદરૂપ થઈએ એવો વિચાર કરીએ એ યોગ્ય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ .પો ઢસાગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks