ગુજરાત માથે એકસાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થઇ છે, જેને કારણે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડીરાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. 2 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી 3 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુધીમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તે બાદ પણ આકાશી આફત અટકવાનું નામ નહોતી લઇ રહી.
3 સપ્ટેમ્બરે પણ વરસાદ ચાલુ જ રહ્યો અને સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ પડી ગયો. વાલિયામાં 32 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસતા અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં હતાં તેમજ નદી-નાળાં પણ છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ તો ભારે વરસાદને કારણે ડૂબી ગયું છે. રેડ એલર્ટ વચ્ચે વાલિયા તાલુકામાં આભ ફાટ્યું છે. 14 કલાકમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. મંગળવારના રોજ રાજ્યના 198 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6 ઈંચ અને નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો. ભરૂચના ઉમરપાડા અને વલસાડમાં પણ 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.