હાલમાં જ ભરૂચના જંબુસર-આમોદ રોડ પરથી અકસ્માતનો મામલો સામે આવ્યો, ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતકોમાં ત્રણ મહિલા, બે બાળકો અને બે પુરુષો સામેલ છે. ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
જંબુસર પોલીસ અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. માહિતી પ્રમાણે, ભરૂચના જબુંસરના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ ઇકો કાર લઈ ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલ મેળો મહાલવા જતા હતા. તેસમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલ ટ્રક સાથે ઇકો ધડાકાભેર અથડાઇ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે હાઇવે પર લોકોની ચીસો ગુંજી ઉઠી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં જ જબુંસર પીઆઈ એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.જ્યારે ઘટનાની.જાણ થતાં જબુંસર રેફરલ હોસ્પિટલમાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા.