હૃદય કંપાવી દેનારો વીડિયો: દોઢ વર્ષ બાદ પિતાને જોવા માટે આવેલી ભરૂચની દીકરીને પિતાનો ચહેરો પણ ના નસીબ થયો

કોરોના સંક્રમણના કારણે દુનિયાભરમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ બીમારી એવી છે જેમાં અંતિમ સંસ્કાર સમયે પરિવારજનો જેતે વ્યક્તિનું મોઢું પણ છેલ્લીવાર નથી જોઈ શકતા, ત્યારે આવી જ એક ઘટના ભરૂચમાં ઘટી છે, જ્યાં દીકરીને પિતાનું મોઢું જોવું પણ નસીબ ના થયું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં A-503 નંબરમાં રહેતા 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા અને તેમનાં પત્ની કોરોનામાં સપડાયાં હતાં. એ બાદ તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

જ્યાં દિવસે દિવસે તેમની હાલત વધારે ગંભીર બની રહી હતી, જ્યારે ગઈકાલે સવારે 62 વર્ષીય કમલ કિશોર મુંદ્રા કોરોના સામે જંગ હારી ગયા હતા. અને તેમનું નિધન થયું હતું.

તેમના નિધન બાદ તેમના મૃતદેહને અંતિમવિધિ માટે ભરૂચના કોવિડ સ્મશાન ખાતે લાવવામાં આવ્યો  હતો, જ્યાં તેમની દીકરીના હૈયાફાટ રુદનને જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેમ હતું. આ ઘટનાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

કમલ કિશોર મુંદ્રાની 32 વર્ષીય દીકરી નેહાના લગ્ન નાગપુર થયા હતા. તેણે તેના પિતાના ખરાબ સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતાં તે ભરૂચ આવવા રવાના થઈ હતી, પરંતુ તે પિતાને જોઈ શકે એ પહેલા જ કોરોનાએ તેમનો જીવ લઇ લીધો હતો અને દીકરીને પિતાનો છેલ્લીવાર ચેહેરો પણ જોવા મળ્યો નહોતો.

નેહા પોતાના પિતાની અંતિમ વિધિ થઇ રહી હતી ત્યાં પહોંચી હતી અને જ્યાં તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ કરી લેવાઈ હતી. પોતાના પિતાને ચિતાની અગ્નિમાં બળતા જોઈને દીકરીનું હૈયાફાટ રુદન સૌને હચમચાવી દેનારું હતું.

Niraj Patel