ખબર

ભરૂચની ઝઘડિયા GIDCની અંદર પ્રચંડ ધડાકા સાથે લાગી ભીષણ આગ, 20 કિલોમીટર સુધી ધમાકો સંભળાયો, આટલા લોકો થયા ઘાયલ

સોમવારની મધ્યરાત્રીએ ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં આવેલી યુપીએ કંપનીની અંદર પ્રચંડ ધડાકો થયો હતો અને ત્યારબાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 40થી વધારે કામદારોની ઈજા પહોંચી છે અને હજુ 5 જેટલા કામદારો લાપતા હોવાની ખબર આવી રહી છે.

આ આગની અંદર ઈજાગ્રસ્ત થયેલા કામદારોને સારવાર માટે હોસ્પિટલની અંદર ખસેડી દેવામાં આવ્યા છે. સોમવારની મોડી રાત્રે થયેલો આ બ્લાસ એટલો પ્રચંડ હતો કે 20 કિલોમીટર દૂર સુધી તેનો ધમાકો સંભળાયો હતો અને લોકોને ભૂકંપના આંચકા જેવો અનુભવ પણ થયો.

યુપીએલ કંપનીની અંદર ફોસ્ફરસ બનાવવામાં આવે છે. રોજની જેમ સોમવારે રાત્રે પણ રાબેતા મુજબ જ કંપનીમાં તેનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ રાત્રે 2:30 કલાકની આસપાસ આ બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના ગામના ઘરોના અને અફિસોના કાચ પણ તૂટી ગયા હતા. આ બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વર સુધી અનુભવવામાં આવી હતી. બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ પણ ભભૂકી ઉઠી હતી જેના બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની ખબર મળવાની સાથે જ કામદારોના પરિવારો પણ કંપની અને હોસ્પિટલમાં દોડી ગયા હતા.