ગુજરાતમાંથી ઘણીવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, નાની વયે લોકોના હાર્ટ અટેકથી મોતના કેસ ચિંતા વધારી રહ્યા છે. કોરોના બાદથી આ સિલસિલો થંભવાનું નામ નથી લઇ રહ્યો. સુરત અને પાટણ બાદ અંકલેશ્વરમાં એક નાની બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું
હોવાનું સામે આવ્યુ છે. અંકલેશ્વરમાં ધોરણ-4માં અભ્યાસ કરી રહેલી 10 વર્ષીય બાળકીનું ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટએટેક આવ્યાનું અનુમાન છે.
ત્યારે બાળકીના અચાનક મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. આટલી નાની ઉંમરે બાળકીનું હાર્ટ એટેકથી મોતને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભરૂચના વાલિયાની નિલકમલ સોસાટીમાં રહેતી 10 વર્ષની બાળકી ધોરણ-4માં અભ્યાસ કરી રહી હતી અને તેને અચાનક હાર્ટ એટેક આવતા પરિવાર હોસ્પિટલ લઇ પહોંચ્યો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ્ટ્રોની અસર બાદ બાળકીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.
જણાવી દઇએ કે, હિંમતનગર-વિજાપુર હાઈવે પર હાર્ટ એટેકથી એસ.ટી બસના ડ્રાઈવરનું પણ મોત થયું હતુ, પાટણથી લુણાવાડા જતી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને બસને ખાડામાં ઉતારી દેતા પેસેન્જરો બચી ગયા હતા.