ભારતીએ શો દરમિયાન દાઢી-મૂછની ઉડી મજાક, લોકો બોલ્યા- પૈસાએ મગજ ખરાબ કરી દીધુ

મશહૂર કોમેડિયન ભારતી સિંહ છેલ્લા કેટલાક મહિનાથી ઘણી ચર્ચામાં છે. અવાર નવાર તે તેના દીકરાને લઇને અથવા તો તેની કોમેડીને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ભારતી સિંહ હાલ તેના પતિ સાથે શો ખતરા ખતરા ખતરા કરી રહી છે. આ શોમાં તેની મસ્તીના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ ભારતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીએ દાઢી મૂછને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ભલે તેની ટિપ્પણી મજાકમાં હતી, પરંતુ ટ્વિટર પર તેનો વિરોધ શરૂ થઈ ગયો છે.

ભારતીના નિવેદનને વાંધાજનક ગણાવતા લોકોએ તેને નમ્રતામાં રહેવાની સલાહ આપી છે. ભારતીનો આ વીડિયો તેના કોમેડી શો દરમિયાનનો છે. વીડિયોમાં ભારતી અભિનેત્રી જાસ્મીન ભસીન સાથે જોવા મળી રહી છે. ભારતીએ ટીવી શો દરમિયાન કહ્યું કે દાઢી અને મૂછ કેમ ન રાખવી જોઈએ. દૂધ પીધા પછી દાઢી મોઢામાં મુકો તો સેવઇયાનો ટેસ્ટ આવે છે. પછી પણ તે અટકી નહીં. તેણે કહ્યું કે તેના ઘણા મિત્રોના લગ્ન થઈ ચૂક્યા છે અને તે હવે દાઢી અને મૂછમાંથી જૂ દૂર કરવામાં વ્યસ્ત છે. ભારતી તેના આ વીડિયો પર ઘણી ટ્રોલ થઈ રહી છે.

લોકોએ કહ્યું કે ભારતી પોતે પંજાબના અમૃતસરમાં જન્મી અને ઉછરી છે અને તે આવું કહી રહી છે. તેની આ મજાક બાદ શીખોમાં તેનો વિરોધ શરૂ થયો છે. યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘આ એ જ દાઢી છે બીબા, જેને જોઈને તમારી દીકરીઓ અને બહેનો સુરક્ષિત અનુભવે છે. બહારની વ્યક્તિ બોલે તો સમજાય, પણ પંજાબને લગતી, ખાસ કરીને અમૃતસર જેવી જગ્યાને લગતી આવી વાત કોઈ કહે તો એ સ્પષ્ટ છે કે પૈસાએ મગજ ખરાબ કરી દીધુ છે.

જ્યારે બીજાએ લખ્યું – ‘તે તેના ઘરની સ્થિતિ કહી રહી છે, તે તેની કહાની કહી રહી છે. તેને શીખ ધર્મનું કોઈ જ્ઞાન નથી. એક યુઝરે લખ્યું -લાગે છે કે તેને પણ જૂ પડી ગઇ છે એટલા માટે તેનું મગજ ખરાબ થઇ ગયુ છે. જાસ્મીન ભસીન પર નિશાન સાધતા એક યુઝરે લખ્યું – ‘જે ભારતીની સામે બેસીને દાંત કાઢી રહી છે, તેના પિતા પણ શીખ છે, જે પાઘડી પહેરે છે અને દાઢી પણ રાખે છે. પિતાનું અપમાન સાંભળીને તે કેટલી ખુશ છે.’ તમને જણાવી દઈએ કે ભારતીનો આ વીડિયો વર્ષ 2019નો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina