તથ્ય પટેલ જેવો ભીષણ અકસ્માત રાજસ્થાનના ભરતપુરમાં ! ભાવનગરથી મથુરા જઇ રહેલા 11 ગુજરાતીઓને ટ્રકે કચડી નાખ્યા

Rajsthan Bharatpur Accident : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ગમખ્વાર અકસ્માતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક અકસ્માતની ઘટના બની અને આ દુર્ઘટનામાં 11 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસ અને પ્રશાસન અનુસાર, મૃતકોની સંખ્યા વધી શકે છે.

વહેલી સવાે સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યા આસપાસ થયો હતો. મૃતકોમાં 6 મહિલાઓ અને 5 પુરૂષો હતા. આ તમામ ગુજરાતના ભાવનગરના રહેવાસી હતા. ત્યારે ઘટના બાદ ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હતુ અને ટ્વીટર પર નોટ પણ લખી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં તમામ મુસાફરો ભાવનગરના હતા અને તેઓ દર્શન કરવા મથુરા જઇ રહ્યા હતા.

ટ્રેલરે બસને ધડાકાભેર ટક્કર મારી
પોલીસે જણાવ્યુ કે, ગુજરાતનાં ભાવનગરથી બસ મથુરા જઈ રહી હતી અને આ દરમિયાન જ ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ખાઇ ગઇ, જે પછી ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો બસમાંથી ઉતર્યા અને તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા.

11 મુસાફરોના મોત, 12થી વધુ ઘાયલ
બસના એક મુસાફર અનુસાર, સવારે લગભગ ચારેક વાગ્યે બસમાં થોડી સમસ્યા હોવાને કારણે બસ હંતારા પુલ પાસે ઊભી રખાઇ હતી અને ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા. આ સમયે લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઉતરીને બસની પાછળ જઈને ઊભા હતા.

ત્યારે પૂરપાટ આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.  જો કે, બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટના પછી ગુજરાતનાં કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

Shah Jina