ખબર

ભારત લોકતંત્ર છે કે ગણતંત્ર? કોઈ પૂછે તો શો જવાબ આપશો? વાંચી લો એ જવાબ જેની બધાને ખબર હોવી જોઈએ

ભારત દેશની મૂળભૂત વિભાવનાઓ વિશે દરેક નાગરિકને ખ્યાલ હોવો જરૂરી છે. તમને કોઈ પૂછે, કે ભારત ‘ગણતંત્ર’ છે ‘લોકતંત્ર’, તો તમે શું જવાબ આપો? પહેલા વિચારી લો કે તમારો જવાબ શું હશે અને પછી નીચે આપેલા ફકરા વાંચી લો:

Image Source

લોકતંત્ર કોને કહેવાય? —

લોકતંત્રનો સીધોસાદો મતલબ છે, ‘લોકો દ્વારા, લોકો થકી અને લોકો માટે ચાલતું શાસન’. અબ્રાહમ લિંકને આ વ્યાખ્યા કરેલી. લોકતંત્ર અર્થાત્ લોકો દ્વારા ચાલતું શાસન. જેમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલી પોતાની પસંદગીના નેતાને ચૂંટી કાઢે છે અને શાસન ચાલે છે. લોકતંત્રનો અંગ્રેજી શબ્દ ‘Democrasy’ છે.

Image Source

ગણતંત્ર કોને કહેવાય? —

‘ગણતંત્ર’નો મતલબ એવો દેશ કે જે દેશના વડાનું/પ્રમુખનું પદ વંશાનુગત ના હોય. એટલે કે ગણતંત્રમાં રાષ્ટ્રનો જે પ્રમુખ બને છે તે કોઈ એક કુટુંબનો સભ્ય હોતો નથી કે તેને ગાદી વારસામાં મળતી નથી. બલ્કે, જનતા જ ઇચ્છે તેને પદ ઉપર બેસવા મળે છે. ગણતંત્રને અંગ્રેજીમાં ‘Republic’ કહેવાય છે.

Image Source

ભારત ગણતંત્ર કે લોકતંત્ર? —

ઉપરના બે મુખ્ય શબ્દોની પરિભાષા સમજ્યા પછી કહેવાનું થાય, કે ભારત એ માત્ર લોકતંત્ર નથી કે માત્ર ગણતંત્ર પણ નથી! તો? ભારત એ ‘લોકતાંત્રિક ગણરાજ્ય’ છે, એટલે કે ‘Democratic Republic’ છે. અહીં લોકતંત્ર પણ છે અને ગણતંત્ર પણ છે. અહીં લોકો વડે અને લોકો માટે શાસન ચાલે છે અને દેશના ઉચ્ચ વડા અર્થાત્ ‘રાષ્ટ્રપતિ’નું સ્થાન વંશાનુગત નથી. તો થયોને ભારત લોકતાંત્રિક ગણરાજ્ય દેશ?

Image Source

ગણતંત્ર છે ભારતની પ્રાચીન ધરોહર —

આજે વિશ્વના ઘણા વિકસીત દેશો એવા પણ છે જે લોકતંત્ર તો ધરાવે છે, પણ ત્યાં ગણતંત્ર નથી. જેમ કે, ઇંગ્લેન્ડ; અહીં લોકો કેબિનેટ અને વડાપ્રધાનને તો ચૂંટી કાઢે છે પણ બ્રિટનના સર્વેસવા તરીકે ‘રાણી’નું પદ તો એક જ કુટુંબ પાસે છે. (જો કે, એ અલગ વાત છે કે બ્રિટનની રાણીનું પદ હાલ તો સોનાને પાંજરે બેઠેલી મેનાથી વિશેષ કશું નથી! એમ જ જાપાનનું પણ છે. હા, અમેરિકા ભારતની જેમ લોકતાંત્રિક ગણરાજ્ય છે ખરું.)

Image Source

તમને જાણીને આશ્વર્ય થશે, કે આજે વિશ્વના ઇંગ્લેન્ડ જેવા દેશો પણ પોતાની રૂઢીઓ તોડવા તૈયાર નથી અને ગણરાજ્ય રાખીને બેઠા છે ત્યારે ભારતમાં તો આજથી ૨૫૦૦ વર્ષ પહેલા પણ ‘ગણતંત્ર’ હતું! ‘લિચ્છવી’ રાજ્ય ગણરાજ્ય હતું, જેમના રાજાને પ્રજા ચૂંટી કાઢતી. આજે જેમ આપણે સંસદ છે તેમ જ એ વખતે ‘પરિષદ’ હતી. જેના સાત હજાર જેટલા સભ્યો વડે લિચ્છવીઓનો વહીવટ ચાલતો. એ જ રીતે ‘યૌધેય’ પણ એક એવું ગણરાજ્ય હતું. એ બાબત પણ ખરી કે, લિચ્છવીઓએ ગણતંત્રનો મોભો રાખીને જેટલી ખ્યાતિ મેળવી હતી એટલું જ ગણતંત્રને લીધે પાછળથી તેઓનું પતન પણ થયું હતું.

[આશા છે, કે નવી જાણકારીયુક્ત આ લેખ તમને ગમ્યો હશે. એવું હોય તો આર્ટિકલની લીંક શેર કરી આપના મિત્રોને પણ જણાવી શકો, ધન્યવાદ!]