લેખકની કલમે

ભજીયાવાળી છોકરી ! ભાગ – ૧ સ્કુલની એ ટોપર છોકરી વર્ષો પછી કેમ ચલાવી રહી છે ભજીયાની દુકાન, સમજવા જેવી વાર્તા.

ભજીયાવાળી છોકરી ! | ભાગ ૧ |

હાવર્ડ સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડીઝ કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું ! અમેરિકા જતાં પહેલા વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું ! હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી લંડનની એક બેંકમાં નોકરી કરતાં ! ભાભીને મેં કહ્યું, “ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકા જતાં પહેલા વતનમાં ફરતો આવું અને મમ્મી પપ્પાને પણ મળતો આવું ! ભાભીએ કહ્યું, “અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ તારી સાથે આવવું છે પણ જોને આ નોકરી અને બોન્ડ ! પણ તું જતો આવ.” મેં કહ્યું, “તો ભાભી મારા કપડાં અને બીજો સામાન પેક કરવાનો છે !” “અરે ગૌરવ ચિંતા ન કર, હું પેક કરી દઈશ !” મેં કહ્યું, થેન્ક્સ ભાભી ! મેં ફટાફટ ઓનલાઈન ટીકીટ બુક કરી અને થોડી ચોકલેટ્સ પણ લીધી. હવે એ દિવસ આવી ગયો અને ભાઈ અને ભાભી મને એરપોર્ટ સુધી મુકવા પણ આવ્યા. અંદર જતાં પહેલા ભાભીએ કહ્યું, “ગૌરવ, ચોટીલા જઈને માતાજીના દર્શન કરવાનું ન ભૂલશો !” મેં કહ્યું, “ચોક્કસ ભાભી” ભાઈએ પણ ઉમેરતા કહ્યું, “કાકા કાકીને રામ રામ કેજે !” મેં કહ્યું, “હા”

ટર્મિનલ પર પહોંચી ને મેં સિક્યોરિટી ચેક અને ઇમિગ્રેશન પૂરું કર્યું અને ફ્લાઈટમાં બેઠો ! સોળ કલાકની લાંબી મુસાફરી બાદ હું મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. સવારના પાંચ વાગ્યા હતાં અને વતનની માટીની સુગંધ લઈને હું ફ્રેશ થઈ ગયો. ત્યારબાદ એક કલાકની મુસાફરી કરીને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ! ખૂબ જ થાકી ગયો હતો અને શરીર પણ દુખતું હતું. જેટલેટની પણ અસર હતી. અમદાવાદથી જામનગરની વોલ્વો બસ મેં બુક કરેલી હતી એટલે સીધો જ કેબ કરીને ઇસ્કોન પહોંચ્યો અને બસમાં બેઠો. થોડું પાણી પીધુ અને જેવી આંખ બંધ થઈને ખુલી એટલે એક ભાઈ મને કહેતા હતાં, “ઉઠો મોટાભાઈ, જામનગર આવી ગયું !”

હું બસમાંથી ઉતર્યો અને એક ટેક્સી બુક કરીને પચાસ કિલોમીટર દૂર આવેલા મારા ગામમાં ગયો. ઘરે બધાને સરપ્રાઈઝ આપવું હતું એટલે કોઈને કહ્યું નહોતું ! ગામમાં ઉતર્યો અને મારા ઘર સુધી હું ચાલતો જતો હતો અને ગામના લોકો મને જોતાં હતા અને અંદર અંદર વાત કરતાં હતાં કે કોના ઘરે આવ્યા હશે ! મને મારું ઘર યાદ હતું અને હું મારા ઘરની બહાર ઉભો રહ્યો અને દરવાજો ખખડાવ્યો. એક નાનકડા છોકરાએ દરવાજો ખોલ્યો અને કાકીએ મને જોયો અને જોરથી બોલ્યા, “અરે..ગૌરવ…તું !” કાકીએ મારા માથે હાથ ફેરવ્યો અને કપાળ પર ચુંબન પણ કર્યું ! પડોશમાં રહેતા લોકો પણ ભેગા થઈ ગયા અને મને જોવા લાગ્યા. કાકાને પગે લાગ્યો અને કાકાએ કહ્યું, “પરદેશમાં જઈને રૂપારો થઈ ગયો સે !” ઘરે ફ્રેશ થઈને જમવા બેઠો અને ગામડાનું સાદું ભોજન મેં પેટ ભરીને ખાધું અને ત્યારબાદ સુઈ ગયો.

સાંજે છ વાગ્યે ઉઠ્યો અને કાકા મને ગામમાં ફેરવવા લઈ ગયા અને એમના મિત્રોથી મને મુલાકાત પણ કરાવી. કાકાનો રુવાબ આજે અલગ જ લાગતો હતો. કાકાના મિત્ર સવજીકાકા પણ કહેવા લાગ્યા “વાહ…મુકા તારો ભત્રીજો પરદેશથી આયવો સે….તારો તો વટ પડે હો !” કાકાએ મને આખું ગામ બતાવ્યું અને એક જગ્યાએ ભજીયા ખાવા પણ લઈ ગયા. ભજિયાની દુકાન પર એક છોકરી ભજીયા બનાવતી હતી, ખરેખર નવાઈ તો લાગે જ ને અને એ છોકરીએ મારી સામે જોઈને મોઢું ફેરવી નાખ્યું. મનમાં એવું થયું કે મેં આને ક્યાંક તો જોયેલી છે, પણ ક્યાં ? અરે આ તો ભગતકાકાની છોકરી છે ! મેં મારા કાકાને કહ્યું, “કાકા આતો ભગતકાકાની દીકરી !”

કાકાએ કહ્યું, “હા બેટા, આ દુકાન ભગત ભજીયાવાળાની જ છે અને ગયા વર્ષે ભગત કાકાનું અવસાન થયું અને ગ્રીષ્માએ દુકાન પોતાના માથે લઈ લીધી અને અત્યારે સારું કમાય પણ છે !” મને સાચે નવાઈ લાગી કારણ કે ગ્રીષ્મા દસ સુધી મારી સાથે ભણતી અને ટોપર પણ હતી ! અને સ્વાભાવિક છે કે કોઈ ટોપરને અને એમાં પણ કોઈ છોકરીને આમ ભજીયા બનાવતી જોઈએ એટલે આશ્ચર્ય તો થાય જ !

મેં ભજીયા ખાધા અને આખી રાત ગ્રીષ્માં વિશે વિચારતો રહ્યો. સવારે વહેલો ઉઠીને એની દુકાન પર ગયો અને એ મરચા ધોતી હતી અને મને જોઈને અંદર જતી રહી ! ” હું અંદર જોવા લાગ્યો અને એના મમ્મી આવ્યા અને કહ્યું, “અરે ગૌરવ તું ! કેટલો મોટો થઈ ગયો ! અંદર આવ…!” હું અંદર ગયો અને ગ્રીષ્માના મમ્મીને પગે લાગ્યો !

લેખક : પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

ભજીયાવાળી છોકરી! ભાગ -2, ભજીયાની દુકાન સાથે જોડાયેલી છે આ છોકરીની અતિતની યાદ, વાંચો લાગણીસભર વાત ….

ગ્રીષ્માનું ઘર એકદમ સરળ અને સુવ્યવસ્થિત હતું. મેં ગ્રીષ્માના પપ્પાનો ફોટો જોયો, એ ફોટા પર માળા હતી, પણ સ્મિત તો એજ હતું. બાળપણમાં મારા મામા મને ભગતકાકાના ભજીયા ખાવા લઈ આવતાં અને ભગતકાકા મામાના પૈસા ક્યારેય ન લેતાં અને આ વાત પર એમને ઘણીવાર બોલાચાલી પણ થતી ! મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ગ્રીષ્મા જેવી ટોપર અને હોશિયાર છોકરીના જીવનમાં આવી મુશ્કેલીઓ આવશે. ગ્રીષ્મા ખૂબ જ ઓછું બોલતી હતી અને એના પિતાજીના અવસાન બાદ તો એ સાવ બદલાઈ જ ગઈ હતી. ગ્રીષ્માના મમ્મીએ પૂછ્યું, “બેટા ગૌરવ, તું અત્યારે શું કરે છે ?” મેં કહ્યું,”બસ આંટી અત્યારે તો લંડનમાં ભણતર પૂરું થઈ ગયું છે અને હવે કામ કરવા અમેરિકા જઈશ ! “વાહ, ખૂબ જ સરસ દીકરા, આમ જ આગળ વધતો રહે….. અમારે તો ગ્રીષ્માને ભણાવી હતી, પણ આ સંજોગો !” ગ્રીષ્માના મમ્મીએ કહ્યું. ગ્રીષ્મા એક ખૂણામાં સંતાઈને અમારી વાતો સાંભળતી હતી.

ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “ગ્રીષ્મા….એ…ગ્રીષ્મા, જો કોણ આવ્યું છે ?” ગ્રીષ્મા પાણી લઈને આવી અને કહ્યું, “અરે..ગૌરવ તું ? કેમ છે ?” મેં કહ્યું, “બસ મજામાં….તું કેમ છે ? આટલું બોલતા જ એ નિરાશ થઈ ગઈ. ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “ગ્રીષ્મા, તું ગૌરવ પાસે બેસ, હું જરાં દુકાનમાં જતી આવું ! ગ્રીષ્માને મેં પૂછ્યું, “તે ક્યાં સુધી સ્ટડી કર્યું છે ?” એણે કહ્યું, “બી.કૉમ સુધી !” અમે બન્ને શાંત હતાં, અને ગ્રીષ્મા મારી સામે બેસતાં મુંજાતી હોય એવું લાગતું હતું. મેં ગ્રીષ્માને કહ્યું, “કંઈ પ્રોબ્લેમ છે ?” એ ઉભી થઈ અને બોલી, “મારે દુકાનમાં જવું પડશે !” એ કંઈ પણ બોલ્યા વગર દુકાન તરફ જવા લાગી અને પાછળ ફરીને મને વિચિત્ર નજરથી જોવા લાગી !

હું મારા મામાના ઘરે પાછો આવ્યો અને ભોજન લઈને થોડીવાર સુઈ ગયો. સાંજે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને મારી પાસે બેઠા ! મામી પણ સાથે જ હતાં. ગ્રીષ્માના મમ્મીની આંખો ભીની હતી અને મેં પૂછ્યું, “આંટી શું થયું ?” એમણે કહ્યું, “ગૌરવ, તું આજે ઘરે આવ્યો એટલે ગ્રીષ્માના ચહેરા પર સ્મિત આવ્યું, નહિતર બે વર્ષથી એ એમની એમ સ્તબ્ધ છે, હવે મને આશા છે કે ગ્રીષ્મા પાછી ઠીક થઈ જશે !” મેં કહ્યું, “હા આંટી, હું પણ એમ જ ઈચ્છુ છું કે ગ્રીષ્મા જલ્દીથી ઠીક થઈ જાય ! બોલો હું શું કરી શકું ?”

ગ્રીષ્માના મમ્મીએ મારો હાથ પકડ્યો અને બોલ્યા, “ગૌરવ, ગ્રીષ્મા તારાથી જ ખુશ થાય છે, તો તું ગ્રીષ્મા દરરોજ મળવા આવ અને એની સાથે બેસીને વાતો કર !” મેં કહ્યું, “આમાં શું મોટી વાત, હું દરરોજ તમારી દુકાને આવીશ !” મેં બોલી તો દીધુ કે હું દરરોજ દુકાને જઈશ પણ કયા બહાને જાઉં ? રાત્રે સુતા સમયે એક વિચાર આવ્યો અને મનમાં થયું કે આ જ મસ્ત આઈડિયા છે. બીજા દિવસે હું ગ્રીષ્માની દુકાન પર ગયો અને ત્યાં ગ્રીષ્માને મેં કહ્યું, “ગુડ મોર્નિંગ !” એ બોલી, “ગુડ મોર્નિંગ” ગ્રીષ્મા મારી માટે ભજીયા કાઢતી હતી અને એ સમયે હું બોલ્યો, “મારે ભજીયા નથી ખાવા, એટલે ખાવા તો છે પણ થોડીવાર પછી !” ગ્રીષ્માએ કહ્યું, “સારું….!” હું થોડો ગભરાતો હતો કારણ કે ગ્રીષ્માનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો હતો અને હું હિંમત સાથે બોલ્યો, “ગ્રીષ્મા, મારે મારી કંપની માટે એક બિઝનેસ વર્ક શૂટ કરવું છે, તો હું તમારી દુકાનનું શૂટ કરી શકું ?” એ બોલી, “હા…કર… પણ મમ્મીને પૂછી લેજે” મેં કહ્યું, “મમ્મીએ તો પરમિશન આપી દીધી છે !” હું દુકાનની અંદર ગયો અને આખી દુકાન જોવા લાગ્યો અને મારો મોબાઈલ કાઢીને ગ્રીષ્માનું વીડિયો શૂટિંગ કરવા લાગ્યો. ગ્રીષ્મા ક્યારેય કેમેરા સામે ન જોતી, કારણ કે એને કેમેરાથી નફરત હતી. એકવાર તો મનમાં થયું કે આ એ ગ્રીષ્મા નથી, જે મેં જોઈ છે. મેં જે ગ્રીષ્માને જોઈ છે, એ તો નટખટ હતી, એનો ગુસ્સો આખી સ્કૂલમાં વધારે હતો !

હું શૂટિંગ કરતો હતો અને ગ્રીષ્માએ કહ્યું, “પ્રોજેક્ટ માટે ખાલી મારું જ શૂટિંગ કરવાનું છે કે પછી દુકાનનું પણ ?” હું થોડો મૂંઝવણમાં આવી ગયો અને કહ્યું, “સોરી, દુકાનનું પણ કરવાનું છે ને !” હું દુકાનનું શૂટિંગ કરવા લાગી ગયો, પણ મારું ધ્યાન તો ગ્રીષ્મામાં જ હતું. થોડીવાર બાદ ગ્રીષ્મા નજીક આવી અને ધીમેથી બોલી, “ગૌરવ તું વીડિયો શૂટિંગ કરે છે ને ?” મેં કહ્યું, “હા” ત્યારે એણે કહ્યું, “તો કેમેરો તો ઓન કર….!” મેં કહ્યું, “સોરી”. હું મનમાં બોલ્યો, “અરે…ગૌરવ આટલી મોટી ભૂલ…!” હું શૂટિંગ કરતો હતો અને ત્યારે ગ્રીષ્માના મમ્મી આવ્યા અને કહ્યું, “બેટા ગૌરવ, તારે આજે અહીં જ જમવાનું છે, અને હા, કોઈ બહાના ના જોઈએ મેં તારા મામી સાથે પણ વાત કરી લીધી છે !” હું મનમાં બોલ્યો, “અરે….આંટીએ તો સિક્સર મારી દીધી !”

To Be Continued….

લેખક : પ્રદિપ પ્રજાપતિ

ભજીયાવાળી છોકરી – ભાગ : 3, ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા, શું ગૌરવ અને ગ્રીષ્મા દોસ્તી પ્રેમમાં ફેરવાશે ? એના માટે વાંચો આ સ્ટોરી …

ગામડાના શાંત વાતાવરણમાં તમરાનો અવાજ સંભળાય અને મન શાંતિ તરફ જતું હોય એવો આભાસ થાય. ગ્રીષ્માના મમ્મીએ મને બેસવાનું કહ્યું અને ઉમેરતા કહ્યું, “ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા…!” ગ્રીષ્મા

બોલી,”ના…મમ્મી…હું તમારી સાથે જમવા બેસીસ !” ગ્રીષ્મા મમ્મીએ બીજી વાર કહ્યું અને આખરે ગ્રીષ્મા જમવા બેઠી ! હું અને ગ્રીષ્મા નાના હતાં ત્યારે ગામમાં જ્યાં પણ જમણવાર હોય ત્યાં સાથે જતાં અને ખૂબ મજાક મસ્તી પણ કરતાં, અત્યારે એ બધા જ દિવસોને યાદ કરતાં ઘણીવાર આંખ ભીની થઈ જાય છે. ગ્રીષ્માના મમ્મીએ અમારી માટે શાક અને ભાખરી અને સાથે શિરો બનાવ્યો હતો. ગ્રીષ્માના મમ્મીના હાથનું જમવાનું હંમેશથી મારું ફેવરિટ હતું. મેં કહ્યું,”આંટી તમારા હાથમાં તો જાદુ છે જાદુ !” ગ્રીષ્માના મમ્મીએ જવાબ આપતાં કહ્યું, “બેટા ગૌરવ, ગ્રીષ્માને તો મારા કરતાં સ્વાદિષ્ટ જમવાનું બનાવતા આવડે છે !” મેં કહ્યું, “ઓહ…. મને તો આજે જ ખબર પડી, એક દિવસ તો તારા હાથનું બનાવેલ જમીશ !” ગ્રીષ્મા આખરે બોલી, “હું કંઈ નવરી નથી તો આમ જમવાનું બનાવવું અને એ પણ તારી માટે !” મેં કહ્યું, “જુઓ આંટી તમારી દીકરી તો ગુસ્સે થઈ ગઈ !” અને ગ્રીષ્માના મમ્મી હસવા લાગ્યા !

દુકાનમાં કામ કરતી ગ્રીષ્માને જોઈને જરાય નહોતું લાગતું કે એના જીવનમાં આટલા દુઃખ હશે. ગ્રીષ્માનું નિખાલસતા મને હંમેશ તેની તરફ આકર્ષિત કરતી ! સાંજે ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ, થેન્કસ…!” મેં પૂછ્યું, “કેમ..?” એણે કહ્યું, “બસ એમ જ ” મેં સ્મિત આપ્યું અને સામે ગ્રીષ્માએ પણ સ્મિત આપ્યું. હું ખુશ હતો કારણ કે ગ્રીષ્મા પહેલા જેવી થતી લાગતી હતી. સવારે વહેલા ગ્રીષ્મા મારા મામાના ઘરે આવી ! મેં કહ્યું, “શું થયું ગ્રીષ્મા ?” એ ગભરાયેલી હતી અને હાંફતી હાંફતી બોલી, “મમ્મીની તબિયત ખરાબ છે !” હું અને મામા ફટાફટ ગ્રીષ્માના ઘરે ગયા અને જોયું તો એના મમ્મીને તાવ આવ્યો હતો અને ડૉક્ટરે જણાવ્યું કે ટાઇફોઇડ છે ! ગ્રીષ્મા રડવા લાગી અને બોલી, “મમ્મીને મેં કેટલીવાર કહ્યું છે કે આરામ કરે, પણ એ માનતી જ નથી !” ડૉક્ટરે ગ્રીષ્માની મમ્મીને દસ દિવસ આરામ કરવાની સલાહ આપી. ગ્રીષ્માના મમ્મી બોલ્યા, “બેટા, હું આરામ કરીશ તો આ દુકાનનું કામ કોણ સંભાળશે ? મારા મોઢા માંથી બોલાઈ ગયું, “આન્ટી હું ગ્રીષ્માને મદદ કરીશ !” ગ્રીષ્માએ મારી સામે જોયું અને બોલી, “હા મમ્મી, ગૌરવ છે ને, હવે તમે આરામ કરો !”

ગ્રીષ્મા મારી સામે થોડુંક ખુલીને બોલવા લાગી અને મને કામ માટે ઓર્ડર પણ આપતી ! વચ્ચે વચ્ચે સ્મિત પણ આપતી અને ઘણીવાર ગુસ્સે પણ થતી. સાંજે છ વાગ્યે હું ઘરે જવા નીકળ્યો અને એ બોલી, “ગૌરવ…?” મેં કહ્યું, “હા” એણે વાત આગળ વધારતા કહ્યું, “જમીને જ જાને..!” હું ના પાડવા જતો હતો અને એ જોરથી બોલી, “મમ્મી, ગૌરવ રાત્રે અહીં જમીને જશે !” ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “સારું બેટા !” હું થોડો મૂંઝવણમાં તો હતો, પણ ખુશ હતો ! રાત્રે જમવા સમયે એણે મને પ્રેમથી જમાડયો અને સાથે ઘણીબધી વાતો પણ કરી ! હું ઉભો થયો અને ગ્રીષ્માના મમ્મીને કહ્યું, ” સારું આંટી હું નીકળું !” એમણે કહ્યું, “સારું બેટા, સંભાળીને જજે ..!” મેં કહ્યું, “હા ” હું રૂમમાંથી જેવો બહાર નીકળ્યો અને ફળિયામાં પહોંચ્યો ત્યારે પાછળથી અવાજ આવ્યો, “ગૌરવ…અગાસીએ હવા સારી આવે છે !” હું કંઈ ના બોલ્યો અને એ મારી સામે જોતી રહી…! મેં કહ્યું, ” સારું ચાલ ગુડ બાય” એ બોલી, “સવારે માર્કેટમાં શાકભાજી અને ભજીયાનો મસાલો લેવા જવાનું છે !”

હું બોલ્યો, તો સવારે વહેલો આવી જઈશ !” એણે કહ્યું, “સારુ…!” મેં કહ્યું, “હું કદાચ મામાનું બાઇક લઈને આવીશ !” એણે સ્માઈલ આપી અને સામે હું પણ લપસી ગયો ! આજે ઘરે જવાનો હરખ જ કંઈક અલગ હતો !

(ક્રમશઃ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks