લેખકની કલમે

ભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું ? જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત લવ સ્ટોરીની શરૂઆત….

આખી રાત ગ્રીષ્માના વિચારોમાં હું ખોવાયેલો રહ્યો અને સવારે મામીએ કહ્યું, “ગૌરવ આજે તો નાસ્તો કરીને જા….!” ત્યારે મામાએ મારી સામે આંખ મારીને કહ્યું, “ગૌરવને હવે તો ભજીયા બહુ જ ભાવે છે !” મામી પણ હસવા લાગ્યા અને કહ્યું, “હા ગૌરવ, તારા મામાને આજે વર્ષો બાદ સાચી વાત કરી !” હું પણ હસવા લાગ્યો અને સાચે જ ભજીયાનો સ્વાદ તો હવે દિલ સુધી પહોંચી ગયો હતો.” મામી નાસ્તો આપતાં હતાં ત્યારે બોલ્યા, “ગૌરવ ભજીયા ભાવે કે ભજીયાવાળી ?”
હું કંઈ ન બોલ્યો અને માત્ર બલ્સ કરવા લાગ્યો અને ત્યારે મામીએ પાછું કહ્યું, “મોઢા પર તો ચોખ્ખું લખ્યું કે ભજીયાવાળી સાથે દિલ લાગી ગયું છે !” હું શરમાતો શરમાતો ઉભો થયો અને ફટાફટ તૈયાર થઈને બહાર નીકળ્યો ! અને હું ફટાફટ પાછો આવ્યો અને મામાને કહ્યું, “મામા તમારે આજે બાઇક જોઈએ છે ?” મામાએ કહ્યું, “ના આજે તો હું બહારગામ જવાનો છું એટલે બાઇક નહીં જોઈએ !” મેં કહ્યું, “તો હું લઈ જાઉં આજના દિવસ માટે ?” મામાએ કહ્યું, “હા કેમ નહીં !” હું ખૂબ જ ખુશ થઈ ગયો અને ફટાફટ બાઇક લઈને ગ્રીષ્માના ઘરે પહોંચ્યો અને ત્યાં ગ્રીષ્મા તૈયાર થઈને દુકાન ખોલતી હતી, પણ એનાથી શટર ઊંચું નહોતું થતું ! મેં બાઇક સ્ટેન્ડ પર લગાવ્યું અને ગ્રીષ્માને દુકાનનું શટર ઊંચું કરવામાં મદદ કરી અને ત્યારે ગ્રીષ્મા મારી સામે ધ્યાનથી જોઈ રહી હતી અને બોલી, “થેન્ક્સ ગૌરવ !” મેં સ્માઈલ આપી.
ગ્રીષ્મા મારી બાઇક પાછળ બેઠી અને હું એને લઈને શાક માર્કેટ પહોંચ્યો અને ભજીયા માટેનો બધો જ મસાલો અને શાકભાજી લીધા. ગ્રીષ્મા મારી સાથે ખુશ જણાતી હતી અને જાણે ગ્રીષ્મ ઋતુની જેમ ખીલી ગઈ હોય એમ લાગતું હતું ! અમે દુકાને પહોંચ્યા અને ગ્રીષ્માએ મને કહ્યું, “ગૌરવ, ભજીયા બનાવતા શીખવું છે ?” મેં કહ્યું, “હા કેમ નહીં ?” ગ્રીષ્માએ કહ્યું, “તો સૌથી પહેલા આ પાલકને ઝીણી ઝીણી સમારી આપ !” જેમ જેમ ગ્રીષ્માએ કહ્યું એમ મેં કર્યું અને ભજીયા બનાવવામાં મને ખૂબ જ મજા આવી અને ત્યારબાદ ગ્રીષ્મા ભજીયાને તળવા લાગી અને હું બધા ગ્રાહકોને ભજીયા આપવા લાગ્યો. મને ભજીયા વેંચીને જેટલી મજા આવતી હતી એટલી મજા મને કોઈ કામમાં નહોતી આવતી !
મનમાં એકવાર તો થયું કે આ મજા ભજીયાના કારણે નહીં, પણ ગ્રીષ્માના કારણે આવતી હતી ! બપોર થઈ ગઈ હતી અને ગ્રીષ્મા અને હું દુકાનમાં જ જમ્યા. હું જ્યારે ગ્રીષ્મા સામે જોતો ત્યારે મને વિચાર આવતો કે એક છોકરી કેટલું બધું કરે છે ! પોતાની ભજીયાની દુકાન ચલાવે છે અને ઘરનું ધ્યાન પણ રાખે છે. કેટલું મુશ્કેલ કાર્ય છે ! ગ્રીષ્મા અને એનું નિખાલસ હાસ્ય મને આકર્ષતું, હવે કદાચ એ મારી મિત્ર કરતાં વધારે બની ગઈ હતી.
ભજીયા વેંચતા વેંચતા સાંજ પડી ગઈ અને મારા પગમાં અચાનક દુખાવો શરું થયો. હું નીચે બેસી ગયો અને ગ્રીષ્મા મારી બાજુમાં આવી બોલી, “શું થયું ગૌરવ ?” મેં કહ્યું, “કંઈ નહીં બસ આ પગમાં અચાનક દુખાવો થાય છે !”એ બોલી, “થાય જ ને ! આખો દિવસ ઉભો ને ઉભો રહ્યો છે.” મેં કહ્યું, “તું પણ મારી સાથે જ ઉભી રહી છે ને, તો તને પણ પગ દુખવા આવશે.” એણે કહ્યું, “ગૌરવ, હું દરરોજ આટલું ઉભી રહું છું અને મને તો આદત છે એટલે કંઈ ન થાય ! હવે ચાલ હું દુકાન બંધ કરી લઉં અને હા, રાત્રે તારે અહીં જ જમવાનું છે, મેં તારી માટે ઘૂઘરા બનાવ્યા છે !” મેં કહ્યું, “ગ્રીષ્મા, હું તારા ઘરે દરરોજ ના જમી શકું !” એ બોલી, “તો તું મારી આટલી મદદ કેમ કરે છે…” હું બ્લશ કરતો હતો અને ત્યારે એ બોલી, “તું આજે મારી ઘરે ન જમે તો તને મારા સમ !” હવે તો એમે સમ પણ આપી દીધા અને જ્યારે આપણી મનપસંદની વ્યક્તિ આપણને ગમતી વસ્તુ માટે સમ આપે એનાથી વધારે સારું શું હોય ?
હું ગ્રીષ્માના ઘરે ગયો અને ગ્રીષ્માના મમ્મીની તબિયત પૂછી અને પછી હું ગ્રીષ્માના રૂમમાં બેઠો ! થોડીવાર બાદ ગ્રીષ્મા એક વાટકીમાં ગરમ તેલ લઈને આવી અને બોલી, “ચાલ ગૌરવ તારો પગ સીધો કર, હું તને તેલથી માલિશ કરી આપું !” હું બોલ્યો, “ગ્રીષ્મા પ્લીઝ આવું ન કર….ઠીક થઈ જશે.” એટલીવારમાં તો ગ્રીષ્માએ મારો પગ ખેંચ્યો અને એના ખોળામાં રાખ્યો અને ગરમ તેલથી માલિશ કરવા લાગી ! એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું….!

(ક્રમશઃ)

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.