લેખકની કલમે

ભજીયાવાળી છોકરી – ભાગ : 3, ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા, શું ગૌરવ અને ગ્રીષ્મા દોસ્તી પ્રેમમાં ફેરવાશે ? એના માટે વાંચો આ સ્ટોરી …

ભાગ 1 વાંચવા અહીંયા ક્લિક કરો 
ભાગ 2 વાંચવા અહીંયા ક્લિક કરો 

ગામડાના શાંત વાતાવરણમાં તમરાનો અવાજ સંભળાય અને મન શાંતિ તરફ જતું હોય એવો આભાસ થાય. ગ્રીષ્માના મમ્મીએ મને બેસવાનું કહ્યું અને ઉમેરતા કહ્યું, “ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા…!” ગ્રીષ્મા

બોલી,”ના…મમ્મી…હું તમારી સાથે જમવા બેસીસ !” ગ્રીષ્મા મમ્મીએ બીજી વાર કહ્યું અને આખરે ગ્રીષ્મા જમવા બેઠી ! હું અને ગ્રીષ્મા નાના હતાં ત્યારે ગામમાં જ્યાં પણ જમણવાર હોય ત્યાં સાથે જતાં અને ખૂબ મજાક મસ્તી પણ કરતાં, અત્યારે એ બધા જ દિવસોને યાદ કરતાં ઘણીવાર આંખ ભીની થઈ જાય છે. ગ્રીષ્માના મમ્મીએ અમારી માટે શાક અને ભાખરી અને સાથે શિરો બનાવ્યો હતો. ગ્રીષ્માના મમ્મીના હાથનું જમવાનું હંમેશથી મારું ફેવરિટ હતું. મેં કહ્યું,”આંટી તમારા હાથમાં તો જાદુ છે જાદુ !” ગ્રીષ્માના મમ્મીએ જવાબ આપતાં કહ્યું, “બેટા ગૌરવ, ગ્રીષ્માને તો મારા કરતાં સ્વાદિષ્ટ જમવાનું બનાવતા આવડે છે !” મેં કહ્યું, “ઓહ…. મને તો આજે જ ખબર પડી, એક દિવસ તો તારા હાથનું બનાવેલ જમીશ !” ગ્રીષ્મા આખરે બોલી, “હું કંઈ નવરી નથી તો આમ જમવાનું બનાવવું અને એ પણ તારી માટે !” મેં કહ્યું, “જુઓ આંટી તમારી દીકરી તો ગુસ્સે થઈ ગઈ !” અને ગ્રીષ્માના મમ્મી હસવા લાગ્યા !

દુકાનમાં કામ કરતી ગ્રીષ્માને જોઈને જરાય નહોતું લાગતું કે એના જીવનમાં આટલા દુઃખ હશે. ગ્રીષ્માનું નિખાલસતા મને હંમેશ તેની તરફ આકર્ષિત કરતી ! સાંજે ગ્રીષ્માએ કહ્યું, “ગૌરવ, થેન્કસ…!” મેં પૂછ્યું, “કેમ..?” એણે કહ્યું, “બસ એમ જ ” મેં સ્મિત આપ્યું અને સામે ગ્રીષ્માએ પણ સ્મિત આપ્યું. હું ખુશ હતો કારણ કે ગ્રીષ્મા પહેલા જેવી થતી લાગતી હતી. સવારે વહેલા ગ્રીષ્મા મારા મામાના ઘરે આવી ! મેં કહ્યું, “શું થયું ગ્રીષ્મા ?” એ ગભરાયેલી હતી અને હાંફતી હાંફતી બોલી, “મમ્મીની તબિયત ખરાબ છે !” હું અને મામા ફટાફટ ગ્રીષ્માના ઘરે ગયા અને જોયું તો એના મમ્મીને તાવ આવ્યો હતો અને ડૉક્ટરે જણાવ્યું કે ટાઇફોઇડ છે ! ગ્રીષ્મા રડવા લાગી અને બોલી, “મમ્મીને મેં કેટલીવાર કહ્યું છે કે આરામ કરે, પણ એ માનતી જ નથી !” ડૉક્ટરે ગ્રીષ્માની મમ્મીને દસ દિવસ આરામ કરવાની સલાહ આપી. ગ્રીષ્માના મમ્મી બોલ્યા, “બેટા, હું આરામ કરીશ તો આ દુકાનનું કામ કોણ સંભાળશે ? મારા મોઢા માંથી બોલાઈ ગયું, “આન્ટી હું ગ્રીષ્માને મદદ કરીશ !” ગ્રીષ્માએ મારી સામે જોયું અને બોલી, “હા મમ્મી, ગૌરવ છે ને, હવે તમે આરામ કરો !”

ગ્રીષ્મા મારી સામે થોડુંક ખુલીને બોલવા લાગી અને મને કામ માટે ઓર્ડર પણ આપતી ! વચ્ચે વચ્ચે સ્મિત પણ આપતી અને ઘણીવાર ગુસ્સે પણ થતી. સાંજે છ વાગ્યે હું ઘરે જવા નીકળ્યો અને એ બોલી, “ગૌરવ…?” મેં કહ્યું, “હા” એણે વાત આગળ વધારતા કહ્યું, “જમીને જ જાને..!” હું ના પાડવા જતો હતો અને એ જોરથી બોલી, “મમ્મી, ગૌરવ રાત્રે અહીં જમીને જશે !” ગ્રીષ્માના મમ્મીએ કહ્યું, “સારું બેટા !” હું થોડો મૂંઝવણમાં તો હતો, પણ ખુશ હતો ! રાત્રે જમવા સમયે એણે મને પ્રેમથી જમાડયો અને સાથે ઘણીબધી વાતો પણ કરી ! હું ઉભો થયો અને ગ્રીષ્માના મમ્મીને કહ્યું, ” સારું આંટી હું નીકળું !” એમણે કહ્યું, “સારું બેટા, સંભાળીને જજે ..!” મેં કહ્યું, “હા ” હું રૂમમાંથી જેવો બહાર નીકળ્યો અને ફળિયામાં પહોંચ્યો ત્યારે પાછળથી અવાજ આવ્યો, “ગૌરવ…અગાસીએ હવા સારી આવે છે !” હું કંઈ ના બોલ્યો અને એ મારી સામે જોતી રહી…! મેં કહ્યું, ” સારું ચાલ ગુડ બાય” એ બોલી, “સવારે માર્કેટમાં શાકભાજી અને ભજીયાનો મસાલો લેવા જવાનું છે !”

હું બોલ્યો, તો સવારે વહેલો આવી જઈશ !” એણે કહ્યું, “સારુ…!” મેં કહ્યું, “હું કદાચ મામાનું બાઇક લઈને આવીશ !” એણે સ્માઈલ આપી અને સામે હું પણ લપસી ગયો ! આજે ઘરે જવાનો હરખ જ કંઈક અલગ હતો !

(ક્રમશઃ)

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.