લેખકની કલમે

“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…!!!” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…!!

“સમજદારીએ બેનની, ભુલાવી દીધા વેર ઝેર.
પ્રેમ જીત્યોને વેર હાર્યું, અને સમી ગયો કાળો કેર…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

ગામના ખૂબ મોભાદાર કુટુંબના વડા હરિભા ને ભગવાને ત્રણ દીકરા આપ્યા હતા. આખું ગામ કહેતું હતું કે “ભગવાનની દયાના હજારો હાથ હરિભા ઉપર છે હો…”
ગામના ચોકે ચોંટે તેમજ ગામના પ્રત્યેક લોકોના મોઢે એકજ વાત રમતી કે… “ભગવાનની દયા આ ખોરડા પર હોય જ ને , એ કેટલું બધું દાન પુણ્યનું કામ કરે છે. ગામનો કોઈ જન એવો નથી કે એનું નાનું મોટું કામ કે નાની મોટી તકલીફ આ હરિભા એ દૂર ન કરી હોય. ગામના દરેક સારા નરસા પ્રસંગે આ હરિભા જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય એમ આગળ થઈને મદદ કરવા તૈયાર જે હોય છે. આટલી બધી દયા ની ભાવના જે માણસના હૃદયમાં હોય ત્યાં કુદરતને પણ રાજી રહેવુંજ પડે છે… ”
ગામના રમણિક દાક્તરના દવાખાને આજુબાજુના ગામની કોઈ બેન દીકરીની સુવાવડ થાય અને હરિભાને જાણ થાય કે તરત એ ભા જીવલા ને વાયુવેગે પોતાના ઘરે સમાચાર દેવા દોડતો કરે અને કહેવડાવે કે… “પાંચ સાત માણસોનું ખાવાનું કરજો અને રમણિક દાક્તરના દવાખાને મોકલાવજો…” આમ કોઈ પણ જાત પાત પૂછ્યા વગર જ હરિભા એ ન જાણે કેટલોય અન્નવરો દવાખાને આવેલા દર્દીઓ માટે કર્યો હશે. આ બધા કારણ હતા કે હરિભાનું સ્થાન એ ગામમાં સૌની નજરમાં એક આદર્શ અને દયાવાન માણસ તરીકેનું હતું. ઘણાતો એમને તારણહાર અને પાલનહાર કહીને પણ સંબોધતા. એજ હરિભાના ધર્મપત્ની જશોદાબા પણ સ્વભાવના ભોળા અને દયા ની બાબતમાં હરિભાને પણ ચડે એવા હતા.
સમય જતાં દીકરા યુવાન થયા. ખૂબ હોશિયાર અને જમાનાને પારખી ચૂકેલા હરિભા એ વાત સમજી ચુક્યા હતા કે જો દીકરાઓ વચ્ચે સંપ રાખવો હશે તો ત્રણે હાલ જે રાગે છે તો મિલકતના ભાગ પાડી ત્રણેને પોતાની હયાતીમાજ જુવારું આપી દેવું. પોતાની પણ હવે ઉંમર થઈ ચૂકી હોવાથી પોતે હાજર નહિ હોય અને દિકરા મિલકત માટે લડી ન મરે. આવું વિચારી હરિભાએ પોતાની મિલકતના ત્રણ સરખા ભાગ પાડી ત્રણે દીકરા મોહન, હમીર અને સૌથી નાના પરસોતમ વચ્ચે વહેંચી દીધી અને પોતે સૌથી મોટા દીકરા મોહન ભેગા રહ્યા. ખૂબ લોકચાહના મેળવી અને જીવનને સારા અને સદાચારના માર્ગે જીવી નેવું વર્ષની મોટી ઉંમરે હરિભાએ દુનિયાને અલવિદા કહી ત્યારબાદ લગભગ છ એક મહિના પછી એમના પત્ની જશોદબા પણ પતિ ની પાસે પહોંચી ગયા.
પિતા હરિભાની સ્થાપેલી પ્રતિષ્ઠા એમના દિકરાઓએ પણ બખૂબી નિભાવી જાણી હતી. મોટા દીકરા મોહનને સંતાનમાં એકજ દીકરી હતી જ્યારે બે નાના હમીર અને પરષોત્તમને એક એક દીકરો હતો. પિતા હરિભાએ વહેંચીને આપેલી મિલકતને ત્રણેય દીકરાએ પોતાની મહેનતથી બમણી કરી દીધી હતી. અને સાથે સાથે પિતાની આબરૂ પણ ગામ અને સમાજમાં હજારો ગણી વધારી હતી. દિવસો મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. ગામના આદર્શ પુરુષ એવા હરિભા ની ત્રીજી પેઢી પણ યુવાનીમાં પ્રવેશી ચુકી હતી. એ પણ પોતાના પૂર્વજોના પગલે ખેતીકામમાં પરોવાયા હતા અને મિલકત વધારે જતા હતા. સૌથી મોટા મોહન ને સંતાનમાં દિકરીજ હોવાથી એનું ખેતીનું કામકાજ બન્ને નાના ભાઈ હમીર અને પરસોતમ સાંભળતા. સંતાનો મોટા થતા મોહનની દીકરી કુસુમને પરણાવી સાસરે વલાવવામાં આવી. કુસુમને સગો ભાઈ ન હતો પણ કાકાના દીકરા રમેશ અને સૂરજે સગી બેન કરતા પણ વધુ લાડે કોડે પિતરાઈ બેન કુસુમના વેવિશાળ પાર પાડ્યા હતા. પિતરાઈ ભાઈ બહેન વચ્ચેનો આ પ્રેમ જોઈ ગામ લોકો પણ અભિભૂત હતા. કુદરતી રીતે જ જાણે ગયા ભવમાં કુસુમ, રમેશ અને સૂરજ ની સગી બહેન હોય એટલી લાડકવાયી એ હતી. અને કેમ ન હોય ત્રણ ભાઈઓના કુટુંબમાં એ એકજ તો દીકરી હતી.
પણ કહેવાય છે કે ભાઈઓ વચ્ચેનો પ્રેમ દુનિયાની નજરમાં આંખમાં કણાની જેમ ખૂંચતો હોય છે. સમાજ અને ગામમાં કેટલાક શકુની વૃત્તિ વાળા માણસો હોય જ છે જેમને કોઈના ઘરનો સંપ પચતો નથી. આવા માણસો સદા એવી ફિરાકમાજ હોય છે કે ક્યારે લોકોની વચ્ચે વેરઝેર પેદા કરાવી ભાગલા પડાવી દઈએ. એ ગામમાં પણ જમનાદાસ નગરશેઠ કઈક આવીજ વૃત્તિ વાળા શેઠ. પહેલે થીજ હરિભા પ્રત્યે એ શેઠને ઇર્ષાવૃત્તિ થતી. કારણ ઘણા બધા અભણ અને ગરીબ લોકોને હરિભાએ શેઠની ચુંગાલમાંથી છીડાવેલા. જમનાદાસનો દીકરો વચનદાસ પણ પિતાનો ઇર્ષાનો વારસો સાંભળતો હોય એમ હરિભા ના કુટુંબથી અંદર ખાને ખૂબ ઈર્ષા કરતો. હરિભાની ત્રીજી પેઢી રમેશ અને સૂરજ સાથે સીધી રીતે લડી શકાય એમ ન હતું તેથી એ પિતરાઈ ભાઈઓ વચ્ચે ફાંટા પડાવવા એને ભેદ નો રસ્તો લીધો. વચનદાસે નાના સૂરજનો થોડો તામસી સ્વભાવ જાણી લીધેલો અને એથી સૂરજને હાથ પર લેવાનું શરૂ કર્યું. પૈસા કે બીજી ઘણી બાબતોમાં વચનદાસ સૂરજને છુપી મદદ કરવા લાગ્યો. અને સમય જતાં સૂરજ , વચનદાસ થી એટલો પ્રભાવિત થઈ ગયો કે એને હવે વચનદાસની વાતો જ સાચી લાગવા લાગી. વચનદાસે પણ હવે ધીમે ધીમે સૂરજને એના પિતરાઈ ભાઈ રમેશ પ્રત્યે ચડામણી કરવી શરૂ કરી દીધી. સૂરજ , વચનદાસ ના એટલા બધા પ્રભાવમાં આવી ગયો કે પિતરાઈ ભાઈ રમેશ સાથે એને અણબનાવ બનવા લાગ્યો. વાતે વાતે સૂરજને , રમેશ ની સાથે વાંધો પડવા લાગ્યો. અને એક સમય એવો આવ્યો કે શકુની વચનદાસ ની યોજના સફળ બની અને બે ભાઈ સૂરજ અને રમેશ વચ્ચે કરાગ થઈ ગયો… પોતાની યોજના સફળ બનતા કપટી વચનદાસ મનોમન ખૂબ રાજી થતો હતો. એને લાગતું હતું કે પોતાના પિતાનો બદલો જાણે એને લઈ લીધો હતો. એને એમ પણ લાગતું હતું કે પિતરાઈ ભાઈઓ રમેશ અને સૂરજ હવે ભવે પણ ભેગા થઈ શકશે નહીં…
આ તરફ સાસરે ગયેલી કુસુમ ને પણ જ્યારે પોતાના પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલા કરાગ ની વાત જાણવા મળી કે એને પણ ખૂબ દુઃખ થયું. કુસુમ એ વાત સ્વીકારી શકતી ન હતી કે જે ભાઈઓ એકબીજાને ન જોતા એકબીજાને મળવા રઘવાયા થતા એ ભાઈઓ આજે આમ નોખા થઈ ગયા. ભાઈઓ વચ્ચેના કરાગ ની વાત કુસુમ ને પણ શૂળની જેમ ખટકતી હતી. એ સદા ઇચ્છતી હતી કે ભાઈઓ ફરીથી ભેગા થઈ જાય. બન્ને ભાઈઓ રમેશ અને સૂરજ વચ્ચે રાગ કરાવાના ઘણા નિષ્ફળ પ્રયત્નો કુસુમે કર્યા પણ હતા છતાં શી ખબર ખૂબ પ્રેમથી રહેતા ભાઈઓ વચ્ચે વેરઝેરનો દાવાનળ ક્યાંથી ફૂટી નીકળ્યો ??? ઘણી વખત કુસુમે પોતાના ભાઈઓને ચોખ્ખુજ કહી પણ દીધેલું કે…
“જો તમે બન્ને ફરીથી ભેગા નહિ થાઓ તો હું પિયરમાં નહિ આવું…”

પરંતુ તેમ છતાં ભાઈઓ વચ્ચે રાગ થયો ન હતો અને લોક લાજે કુસુમને પોતાનું આ પ્રણ તોડવું પડ્યું હતું…
સમય વીતતો જતો હતો તેમ તેમ રમેશ અને સૂરજ વચ્ચે વેરની આગ વધારે ભયંકર બનતી જતી હતી. બરાબર એવા સમયે કુસુમના દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો. હવે સમાજના નિયમ પ્રમાણે બેનનું મામેરું પિયર પક્ષે ભરવાનું થતું હતું. કુસુમ આમતો ખૂબ નસીબદાર હતી કે એને ભલે કોઈ સગો ભાઈ ન હતો પણ એના કાકાના બંને દીકરા કુસુમને સગી બેનથી પણ વધુ પ્રેમ આપતા અને એને લાડ લડાવતા. ભાણેજના લગ્નની વાત સાંભળી બંને ભાઈ રમેશ અને સૂરજ પોતેજ બેનનું મામેરું ભરશે એ વાત થી પોરસાતા હતા. બન્ને એ નક્કી પણ કરી લીધું હતું કે બેનના મામેરા માટે કેટલી જોડ કપડાં લઈ જવા, કેટલા તોલા સોનુ લઈ જવું, મામેરા માટે કયો ભારે દાગીનો ઘડાવવો વગેરે વગેરે. વળી બંને ભાઈઓએ એ પણ નક્કી કરી રાખ્યું હતું કે પોતે બીજાથી ચડિયાતું મામેરું ભરશે અને પોતાનો વટ પાડી દેશે. બંને ભાઈઓને એમ પણ લાગતું હતું કે એમના આ નિર્ણયથી બેન કુસુમ તો રાજીના રેડ થઈ જશે કે એને એના ઘરે એક નહિ પણ બે બે મામેરા આવ્યા.
ભાઈઓના આવા બબ્બે મામેરા ભરવાના નિર્ણયની વાત પિયરમાં કુસુમને જાણવા મળી અને એજ ક્ષણે કુસુમને બન્ને ભાઈઓનો રાગ કરાવવાની એક તક એમાં દેખાઈ. બીજાજ દિવસે સવારે કુસુમ પોતાના પિયર ચાલી મનમાં એકજ નિર્ણય લઈને કે હવે આ અવસર પર, ગમે તે થાય પણ બન્ને ભાઈઓનો રાગ કરાવીજ દેવો છે.

પિયરમાં આવી કુસુમ પહેલા મોટા ભાઈ રમેશના ઘેર ગઈ અને ભાઈ ભોજાઈના ખબર અંતર પૂછ્યા અને પછી મૂળ વાત જણાવતા ભાઈને કહ્યું કે…
“રમેશ, તમે બંને ભાઈઓ મારા બબ્બે મામેરા ભરવાના છો તો એક વાત સાંભળી લે કે હું મારું મામેરું ત્યારેજ પોંખવા આવીશ જ્યારે તમે બન્ને ભાઈઓ ભેગા થઈ એકજ મામેરું લાવશો અને જો બન્ને અલગ અલગ મામેરું લઈને આવશો તો હું મામેરું પોંખિસ નહિ અને મામેરું તમારે પાછું લઈ જવું પડશે…” અને કુસુમે આજ વાત નાના ભાઈ સૂરજ ને પણ કહી સંભળાવી.
બેનની આ વાત સાંભળી બન્ને ભાઈઓને લાગ્યું કે કુસુમ પોતાના નિર્ણય પર અટલ રહેશે. સાચેજ બેન મામેરું પોંખશે નહિ અને પોતાની જીદના કારણે જો મામેરું પાછું લઈ જવું પડશે તો સમાજમાં બંનેની આબરૂ ને બટ્ટો લાગી જશે.

અને બેનના આ નિર્ણય સામે બંને ભાઈઓને ઝુકવું પડ્યું. બંને ભાઈઓને વર્ષોની વેરની આગ બેનની સમજદારી સામે બુઝાવવી પડી. બંને ભાઈઓનો રાગ કરાવવા વચ્ચે એમની બેન પડી હતી અને બેનની વિવેકબુદ્ધિ તેમજ ભાઈઓને ફરી ભેગા કરવાની વૃત્તિની જીત થઈ. કુસુમને ઘેર બંને ભાઈઓએ રાગ કરી એકજ મામેરું ભર્યું અને એવું મામેરું ભર્યું કે લોકો જોઇજ રહ્યા…

POINT :-

એક બેનની સમજદારી અને પોતાના ભાઈઓને ભેગા કરવાની તાકાત અને શુદ્ધ ભાવના માં એટલી શક્તિ હતી કે અંતે વેરની આગમાં બળતા બે ભાઈઓએ પણ પોતાનું વેરઝેર ભૂલવું પડ્યું.
ધન્ય છે આવી સમજદાર બહેનને…

Author: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર) GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks