લેખકની કલમે

“ભગવાન, આવું કેમ કર્યું…???” – કઈક એવી વાતો જે દરેક માતા પિતાએ પોતાના બાળકો માટે ધ્યાને રાખવી જોઈએ,… દરેક માતા પિતાએ વાંચવા જેવી વાત …!!

“પાંડવ પ્રિયે પાંચાલી, ભરી સભામાં લૂંટાય.
શબ્દો કેવા ઘાત કરે, પાછળથી સમજાય.

ઉગ્રતાના બે બોલ, બાળે છે કોઈ દિલ ને.
એની ક્યાં ખબર હોય છે, ત્યારે આ દિલ ને…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
ક્રોધ એ મનુષ્યનો એવો શત્રુ છે કે એ અગ્નિના દાવાનળમાં માણસ શુ નું શુ બોલી નાખે કે કરી નાખે એનો પણ એને ખ્યાલ રહેતો નથી. જ્યારે ક્રોધ શાંત થાય છે ત્યારે માણસના હાથમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ રહેતું નથી. ઘણી બધી બાજી બગડી ગઈ હોય છે. માટેજ મહાપુરુષો ક્રોધ ન કરવાનું અને એના પર કાબુ રાખવાનું કહે છે. ક્રોધિત મનુષ્ય દ્વારા ક્રોધમાં છોડાયેલ વાકબાણ સામેની વ્યક્તિના હૃદય પર કેવા વજ્રઘાત કરતા હશે એની ખબર તો એ પ્રહારો ઝીલનાર વ્યક્તિની જગ્યાએ આપણી જાત ને મૂકીએ ત્યારેજ પડે…
ગામના મહોલ્લાની ત્રણ શેરીઓ ભેગી થતી એ જગ્યા પર આવેલું નાનકડું મકાન. એ મકાનનો માલિક એટલે એક નાનો ખેડૂત. વધારે જમીન જાગીરી નહિ અને એને સંતાનમાં એક દીકરી અને એક દીકરો. ખૂબ મહેનત કરી અને જેમ તેમ કરી બે ટંક પેટનો ખાડો પુરાય એટલીજ એને આવક થતી. પણ વિધાતાની ક્રૂરતા તો જુવો કે સાચા દિલથી તનતોડ મહેનત કરી નિતિવાન જીવન ગુજારતો હોવા છતાં પણ જાણે એ કોઈ વેર વાળતી હોય એમ એકનો એક લાડકવાયો દીકરો ગાંડો… એને કપડાં લતાનું પણ ભાન નહિ. શુ ખાવું શુ ન ખાવું એની પણ સમજ નહિ. તેમ છતાં એ દંપતિ ખૂબ લાડકોડથી પોતાના ગાંડા પુત્રને ઉછેરતા પણ ક્યારેય ભગવાન સામે ફરિયાદ ન કરતા. પોતાના પૂર્વ જન્મના કોઈ ખરાબ કર્મોનિજ સજા એ પુત્રના રૂપમાં આ જન્મે ભોગવે છે એવું ગણી પરિસ્થિતિને સ્વીકારી જીવનની ગાડી ખેંચે જતા હતા. ક્યારેક આ કમભાગી માં બાપ નો એકાંતમાં વાર્તાલાપ સાંભળવા મળતો કે…

“સાવ વાંઝિયા રહેતા માવતરોના દુઃખની સામે આપણું દુઃખતો કાંઈ નથી. ભગવાને ભલે આપણને આવો દીકરો આપ્યો પણ આપ્યો તો છે ને !!! ભગવાન સૌ સારા વાના કરશે…”
એમની આવી વાતો સાંભળી તેમની ઈશ્વર પરની આસ્થા અને હકારાત્મકતા ને શત શત વંદન કરવાનું મન થાય અને વિચાર પણ આવે કે હંમેશા ફરિયાદો કરીને જીવન ગુજારતા માણસો કરતા આ પતિ પત્નિ કેટલા બધા સંતોષી અને સમજદાર છે…

કહેવાય છે કે હંમેશા ભગવાન પર શ્રદ્ધા રાખીને જીવવું માણસ માટે ખૂબ કઠિન છે. જીવનમાં ક્યારેકતો એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે કે માણસની શ્રદ્ધા ડગુમગુ થવા લાગે છે અને પછી ભગવાન તરફ શરૂ થઈ જાય છે ફરિયાદોની વણઝાર. એ દંપતીના જીવનમાં પણ એક એવો પ્રસંગ બને છે જે બે ઘડી માટે એમનો પણ ભગવાન પરનો ભરોસો ડગાવી દે છે.
સાંજનો સમય હતો અને આખા દિવસનો ભણતરનો થાક ઉતારવા અને બાળસહજ સ્વભાવ થી આખા મહોલ્લાના બાળકોની ટોળી એ ત્રણ રસ્તા પર એકઠી થઈ હતી. બધા બાળકો ભેગા થયા અને પછી શરૂ થયો રમતોનો મહાકુંભ. ભારતે યજમાન બનીને યોજેલા કોમનવેલ્થ ગેમ્સના રમતોત્સવથી આ બાળકોનો રમતોત્સવ એ રીતે અલગ હતો કે પેલામાં અબજો રૂપિયા ખર્ચાયા હતા અને ઘણા લોકો એમાંથી અબજોપતિ બની ગયા હતા પણ આ રમતોત્સવ માં ન હતું એક પણ રૂપિયાનું રોકાણ. એ સાંજે એ ત્રણ શેરી પર બધા બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા અને સાવ મફતમાં આનંદનો અણમોલ ખજાનો લૂંટી રહ્યા હતા. રમતા રમતા એક છોકરાએ બોલ ને બેટ વડે એવો ફટકો માર્યો કે દડો સિધો જ પેલા ખેડૂતના ઘરમાં ગયો. જેવો દડો એ ભાઈના ઘરમાં ગયો કે તરત શરૂ થઈ ગયું શેરી મહાભારત. એ બનવાનું કારણ એ હતું કે પેલા ખેડૂતના ઘરમાં ગયેલ દડો સિધો જ એ ખેડૂતના દીકરાના માથા પર વાગ્યો હતો. એટલે છોકરાઓને લડવા એની મા દડા સાથે ગુસ્સાથી રાતીપીળી થતી બહાર આવી ચડી હતી. સમાચાર મળતા દડા ને ફટકો મારનાર છોકરાની મમ્મી પણ પોતાના દીકરાના બચાવમાં શેરીમાં આવી ચૂકી હતી. અને પછી બંને વચ્ચે ખૂબ હડાચડી થઈ ખૂબ ઉગ્ર શબ્દોમાં બોલાચાલી થઈ. બંને માંથી કોઈ શાંત થવાનું નામ લેતા ન હતા. જોત જોતામાં આખો મહોલ્લો એકઠો થઈ ગયો. એકઠા થયેલા લોકો મફતમાં ઝગડાનો આનંદ લઈ રહ્યા હતા અને માત્ર પ્રેક્ષક બની અંદરો અંદર ખૂબ રાજી થતા હતા. બધા કદાચ એમ વિચારતા હશે કે એ બંને ને છુટા પાડવા જતા ક્યાંક એમની ઉપર પણ શબ્દોથી હુમલો ન થઈ જાય…
બંને છોકરાઓની મમ્મીઓ એ સામસામે ઉપયોગ થઈ શકે એટલા અને કદાચ જાહેરમાં ઉપયોગ ન કરાય એવા શબ્દો નો ઉપયોગ કરી રહી હતી. જીતનું પલડું બંને પક્ષો વચ્ચે ઘડિયાળના લોલકની માફક આમથી તેમ ફર્યા કરતું હતું. સતત અડધો પોણો કલાક આમ સામસામે શબ્દોથી વાકયુદ્ધ ચાલ્યું અને છેલ્લે, દડા ને ફટકો મારનાર છોકરાની મમ્મી દ્વારા એ ગાંડા છોકરાની મમ્મીને બોલાયેલા શબ્દો એ ઝગડો સમાપ્ત કરવા માટે પર્યાપ્ત હતા. એ શબ્દો પેલા ગાંડા છોકરાની મમ્મીના હૃદય પર વજ્રઘાત કરનારા હતા.

ફટકો મારનાર છોકરાની મમ્મી બોલી હતી કે…

“તે છોકરા છે તો શેરીમાં રમેય ખરા, ગાંડા નું એ કામ નહીં. તારેય તારા છોકરાને રમવા મુકવો તો છે પણ એ કઈ રીતે આ બધા ભેગું રમે ? એ તો ગાંડો છે. એને તો ઝાડા પેશાબનુંય ભાન નથી…”

અને એ બેનના આટલા શબ્દો થી ત્યાં હાજર સૌ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. અને આ દ્રશ્ય જોઈ એ ગાંડા છોકરાની કમભાગી મા જાણે દુઃખના અથાગ સાગરમાં ડૂબી ગઈ હોય એમ શાંત થઈ ગઈ અને એક પણ શબ્દ બોલ્યા વિના આંખમાં આંસુ લઈ, હૃદય પર બોજ લઈ ઘરમાં જતી રહી અને ભગવાન સામે મૌન વિરોધ કરવા લાગી.
શેરીનો ઝગડો તો પતિ ગયો પણ એ દંપતિ નો જાણે હવે ભગવાન તરફ ઝગડો શરૂ થઈ ગયો હતો. રાત્રે ઘરમાં શાંત અને દુઃખી મને બેઠેલા એ દંપતીના ભીતરથી ઈશ્વર પ્રત્યેની ફરિયાદ માત્ર એકજ વાક્યમાં આવી ગઈ. એ બંનેનો પોતાના પાગલ છોકરા વિશે ભગવાનને એકજ સવાલ હતો કે…
“ભગવાન, આવું કેમ કર્યું…???”

POINT : શબ્દો એ એવું ધારદાર શસ્ત્ર છે જે સિધોજ સામેની વ્યક્તિના આત્મા પર વાર કરે છે. અને એને પોષિત કરે છે ક્રોધ. કોઈના દુઃખ ભર્યા સમય કે કમજોરી પર જ્યારે આવેશમાં આવી શબ્દોથી પ્રહાર કરીએ છીએ ત્યારે એ શબ્દો સામેની વ્યક્તિની ભીતર કેટલે સુધી ઇજા પહોંચાડી જાય છે એનો ખ્યાલ તો જેને આ અનુભવ્યું હોય એને જ આવે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks