રસોઈ

મગની દાળનો શીરો રેસિપી …મહેમાન આવ્યા હોય ત્યારે બનાવો આંગળા ચાટતા રહી જશે

મગ ની દાળ નો હલવો/શીરો

દિવાળીમાં દરેકના ઘરમાં નવીન મીઠાઈઓ લાવવામાં અથવા તો બનાવવામાં આવે છે. જો તમે પણ કોઈને આમંત્રણ આપ્યું હોય ઘરે જમવા માટેનું તો આ શીરો જરૂર બનાવજો. નવીન લાગશે. મીઠાઇ સૌ ને ભાવે અને સૌ ખાઈ પણ છે. નવીન-નવીન મીઠાઈઓ ખાવા થી મજા પડી જાય છે. આજે અમે પણ આપના માટે એક મસ્ત સ્વીટ અને મજેદાર વાનગી લઈ ને આવ્યા છીએ. એ છે મગ ની દાળ નો હલવો. ચાલો તો ફટાફટ નોંધી લો આ મધુર વાનગી ની રીત.

મગ ની દાળ નો હલવો બનાવવા માટે ની સામગ્રી

  • પીળી મગ ની દાળ – 100 ગ્રામ (અડધો કપ)
  • ઘી – 100 ગ્રામ (અડધો કપ)
  • માવો – 50-100 ગ્રામ ( ¼ થી ½ કપ)
  • સાકર/ખાંડ – 150 ગ્રામ (3 થી 4 કપ)
  • કાજુ – 20 (એક ક્જુ ને 4 ટુકડા માં કાપી લો)
  • કિશમિશ – 20
  • એલચી – 4 (ફોલેલી)
  • બદામ – 5 (લાંબી સમારેલી)

મગ ની દાળ નો હલવો બનાવવા માટે ની રીત

• સૌપ્રથમ મગ ની દાળ ને ધોઈ નાખો અને પછી તેને 2 થી 3 કલાક માટે પાણી માં પલાળી રાખો.

• 2 થી 3 કલાક પછી દાળ ને ધોઈ ને પાણી માથી કાઢી લો અને પાણી નાખ્યા વગર મિક્સર માં તેને પીસી નાખો. આ દાળ ને એકદમ ઝીણી ના કરવી. એટલે કે કરકરી રાખવી.

• હવે એક વાસણ ને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. આ વાસણ ની અંદર ઘી નાખી દો. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં પીસેલી દાળ ને નાખો. કોઈ એક ચમચા થી તેને હલાવતા-હલાવતા દાળ ને મધ્યમ તાપે શેકો. લગભગ 20 થી 25 મિનિટ માં દાળ સારી રીતે શેકાઈ જશે.

• શેકેલી દાળ વાસણ ને ચોટતી નથી અને ઘી પણ અલગ થતું દેખાવા લાગે છે. આમ દાળ શેકાઈ ને તૈયાર છે. હવે આ દાળ ને કોઈ એક વાસણ માં કાઢી ને સાઈડ પર મૂકી દો.

• હવે એક વાસણ લઈ તેમાં માવા ને નાખો. અને માવા ને ધીમા તાપે શેકી લો. થોડી વાર શેકયા પછી તેમાં શેકેલી દાળ ને નાખી દો.

• હવે કોઈ એક બીજા વાસણ માં ખાંડ અને ખાંડ ની બરાબર માત્રા માં જ પાણી નાખી ને તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યાર બાદ 1 થી 2 મિનિટ માટે ચડવા દો. આવી રીતે ચાસણી તૈયાર કરી લો.

• હવે દાળ ની અંદર ચાસણી ને ભેળવી નાખો. પછી તેમાં કાજુ, કિશમિશ પણ ભેળવી નાખો. હવે ધીમા તાપે હલવા ને હલાવતા-હલાવતા શેકો. 5 થી 7 મિનિટ માં હલવો બની ને તૈયાર થઈ જશે.

• 3 થી 4 મિનિટ પછી તેમાં પીસેલી એલચી ને નાખી દો. જ્યારે હલવા માથી ઘી બહાર નીકળવા લાગે ત્યારે ગેસ ને બંધ કરી દો. આમ તમારો મગ ની દાળ નો હલવો બની ને તૈયાર છે.

• હવે મગ ની દાળ ના હલવા ને એક બાઉલ માં કાઢી લો. પછી તેને બદામ ના કરેલાં લાંબા ટુકડા થી સજાવી લો. હવે ગરમા ગરમ મગ ની દાળ નો હલવો પીરસો અને ખાવો. ઠંડો થઈ ગયા પછી મગ ની દાળ ના હલવા ને ફ્રીઝ માં મૂકી દો. આમ ફ્રીઝ માં 7 દિવસ સુધી મગ ની દાળ નો હલવો રાખી શકો છો. ગમે ત્યારે કાઢી પીરસો અને ખાવો.

સલાહ

મગ ની દાળ નો હલવો બનાવવા માટે ફોતરાં વગર ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ ફોતરાં વાળી દાળ નો હલવો ખૂબ જ ટેસ્ટી બને છે.

મગ ની દાળ નો હલવો બનાવવા માટે દાળ ને વધારે સમય માટે પલાળી ને ના રાખવી જોઈએ. વધારે માં વધારે 3 થી 4 કલાક પલાળી શકાય છે.

મગ ની દાળ ના હલવા માં તાજો માવા નો જ ઉપયોગ કરવો જોઈએ. જો તાજો માવો ના હોય તો તેની જગ્યા એ એક કપ તાજી મલાઈ પણ નાખી શકો છો.

જો તમે દાણા વાળો અને જલ્દી શેકાઈ તેવો હલવો બનાવવા માંગતા હો તો તેમાં થોડો ઘઉં નો લોટ પણ નાખી શકો છો.

મગ ની દાળ નો હલવો શેકવા માં અન્ય હલવા કરતાં વધુ સમય લાગે છે. આથી હલવો શેકાઈ જતાં ઘી બહાર આવવા લાગે છે. તેમજ તે વાસણ માં પણ ચીપકતો નથી. આથી ચડવા માં થોડી ધીરજ રાખવી.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ