લગ્ન કર્યા પછી દરેકના મનમાં એક જ વાત હોય કે હવે બાળક પેદા કરવા માટે વિચારવું જોઈએ. પણ ત્યારે જ દરેકના મનમાં એક બીજો પ્રશ્ન આવે છે કે બાળકને જન્મ આપવા માટે યોગ્ય ઉંમર શું છે? જો કે પ્રશ્નનો જવાબ દરેક માટે એક સરખો ન હોઈ શકે. અલગ-અલગ લોકો માટે અલગ-અલગ ઉંમર હોઈ શકે. બાળકનું પ્લાનિંગ કરતા પહેલા, તમારે તમારી કારકિર્દી, ભાવિ આયોજન, સમય અને સૌથી અગત્યનું તમારી ઉંમર અને આરોગ્ય જેવા પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ.

એમ તો પોતાના પરિવારમાં એક નાના મહેમાનને લાવીને પરિવાર મોટો કરવાનું સપનું દરેકનું હોય છે અને બધાને આ વાત સારી પણ લાગે છે. પણ વાસ્તવિકમાં આ નિર્ણય લેવો થોડો મુશ્કેલ થઇ જાય છે. આ માટે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જેમાં શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પણ સામેલ હોય છે.
જીવનની ભાગદોડમાં વ્યસ્ત રહેવાને કારણે, તમારી પાસે ગર્ભધારણ કરવા વિશે યોગ્ય રીતે વિચારવાનો અને યોગ્ય નિર્ણય લેવાનો સમય નથી મળી શકતો. એવામાં તમારી જેમ જ આ પ્રશ્ન ઘણી સ્ત્રીઓના મનમાં ઉદ્ભવે છે પણ જવાબ મેળવવાના સમયના અભાવે ક્યારેક મોડું થઇ જાય છે. દરેકના મનમાં આ પ્રશ્ન આવતો જ હોય છે કે – ‘માતા બનવાની યોગ્ય વય શું છે’ અથવા ‘મારે ક્યારે બાળક પેદા કરવું જોઈએ?’

પણ આ બધા સવાલોમાં ફસાઈને થોડું પરેશન થઇ જાઓ છો તો આજે આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ કે માતા બનવાની યોગ્ય ઉંમર કઈ છે. ઉપરાંત, અહીં અમે તમને ગર્ભધારણ સાથે જોડાયેલી કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ.
માતા બનવાની નથી કોઈ યોગ્ય ઉંમર –
કોઈ પણ સ્ત્રીને માતા બનવાની યોગ્ય વય એ વય છે જ્યારે તે શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે બાળકની જવાબદારી લેવા માટે સક્ષમ હોય. દરેક પ્રકારે બાળકનો ઉછેર કરવામાં સક્ષમ થવા માટે, દરેકને અલગ અલગ સમય લાગે છે. તેથી, માતા બનવાની ચોક્કસ વય દરેક સ્ત્રી અનુસાર અલગ અલગ હોઈ શકે છે.

જો કે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, મહિલાઓને લાગે છે કે 20થી 30 વર્ષની વચ્ચે બાળકને જન્મ આપવો એ યોગ્ય સમય છે. સમય જતાં, ફક્ત મહિલાઓ જ નહીં, પણ પુરૂષો પણ વંધ્યત્વનો ભોગ બની રહ્યા છે, એવામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે ગર્ભવતી થવા અને બાળકને જન્મ આપવા માટે યોગ્ય વય શું છે? એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વય માતા બનવા માટે યોગ્ય નથી, પરંતુ હકીકત એ છે કે જો તમે ગર્ભવતી થવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ઉંમરનો એક એક પડાવ આવે છે કે જે બીજા કરતા વધુ સારો હોય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમારું શરીર 20થી 24 વર્ષની ઉંમરમાં ગર્ભધારણ કરવા માટે યોગ્ય રીતે તૈયાર હોય છે. પણ આ ઉંમરે પૈસા અને યોગ્ય અનુભવની કમીના કારણે તમારે બાળક ઉછેરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મોટાભાગના સંશોધનોમાં સામે આવ્યું છે કે માતા બનવાની યોગ્ય ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોય છે. જો કે તમારી ગર્ભવતી થવાની ક્ષમતા તમારી ઉંમરની સાથે ખૂબ ધીમા દરે ઘટતી રહે છે.
25-30 વર્ષની વચ્ચેની ઉંમર છે ગર્ભધારણ માટે શ્રેષ્ઠ –

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સોશિયોલોજિસ્ટની માનીએ તો બાયોલોજીકલી લેટ ટવેન્ટીસ એટલે કે 25થી 30 વર્ષની ઉંમરની વચ્ચેનો સમય ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ છે. આવું એટલા માટે કારણ કે આ સમયે શરીરની પ્રજનન પ્રણાલી અને અન્ય સિસ્ટમ્સ પણ પોતાની ચરમસીમા પર હોય છે. પરંતુ આજના બદલાતા સમયમાં જ્યારે પરિવારો નાના થઈ રહ્યા છે અને મહિલાઓ ફૂલ ટાઈમ કામ કરે છે, ત્યારે નાની ઉંમરે ગર્ભાવસ્થાને દરેક માટે યોગ્ય ન કહી શકાય.

પરંતુ જોવા જઈએ તો આ જ ઉંમરે તમારું શરીર ગર્ભધારણ કરવા માટે સારી રીતે તૈયાર હોય છે. તમને ગર્ભાવસ્થા દરમિયાન એક્ટોપિક ગર્ભાવસ્થા, કસુવાવડ, પ્રિ-એક્લેમ્પ્સિયા કે મૃત બાળકના જન્મ જેવી મુશ્કેલીઓ થવાની સંભાવના ઓછી રહે છે. ઉપરાંત અંડાશયમાં પુષ્કળ માત્રામાં સ્વસ્થ ઇંડા હાજર હોય છે. સાથે જ તમને એક કરતા વધુ બાળકો પેદા કરવા માટેનો પૂરતો સમય મળી રહે છે.
કેટલાક લોકો બાળકની જવાબદારી લેવામાં ઝડપથી સક્ષમ થઇ જાય છે અને અને ઝડપથી (20 થી 30 વર્ષની ઉંમરે) બાળક પેદા કરી લે છે. તે જ સમયે, કેટલાક લોકો થોડો સમય લે છે, જેના કારણે તેઓ મોડેથી બાળક પેદા કરવાનું પસંદ કરે છે.

શું કહે છે અભ્યાસ?
અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ્સ અનુસાર, એક સ્ત્રી 10થી 20 લાખ ઇંડા સાથે જન્મે છે, પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે, આ ઇંડાઓની સંખ્યા ઘટતી જાય છે, ખાસ કરીને જ્યારે માસિક સ્રાવ શરૂ થાય છે. જો કે સ્ત્રી જ્યાં સુધી માસિક સ્રાવમાં રહે છે ત્યાં સુધી ગર્ભવતી થઈ શકે છે, પરંતુ 32 વર્ષની ઉંમર આવતા-આવતા સ્ત્રીઓની પ્રજનનક્ષમતા ઓછી થવા લાગે છે અને જયારે સ્ત્રી 37 વર્ષની થાય છે, પ્રજનન દર ઘટવાની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે.

35-40 ઉંમરની વચ્ચે ગર્ભવતી થવાની સંભાવના 50% ઓછી –
જર્નલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ 35 થી 40 વર્ષની વયની હોય છે, તેઓમાં ગર્ભવતી થવાની ક્ષમતા 20 થી 25 વર્ષની વયની સ્ત્રીઓની સરખામણીમાં 50 ટકા ઓછી હોય છે. અભ્યાસની માનીએ તો શક્ય છે કે સ્ત્રીને 30 વર્ષની ઉંમરે પણ ગર્ભધારણ કરવું સહેલું હોય, પરંતુ આ સમય દરમિયાન બાળકને ઘણું જોખમ રહે છે. ઉદાહરણ તરીકે, ડાઉન સિન્ડ્રોમ બીમારી અથવા બાળકનો જન્મ થતાંની સાથે જ તેનું મૃત્યુ જેવી ઘટનાઓ. વળી, મોટી ઉંમરે ગર્ભધારણ કરનારી સ્ત્રીઓમાં પ્રિક્લેમ્પ્સિયા, ડાયાબિટીસ અને પ્રીટર્મ જન્મ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઉંમર વધવાની સાથે ગર્ભધારણ કરવાની ક્ષમતા કેમ ઓછી થઇ જાય છે? –
જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધતી જાય છે, તેમ તેમ ગર્ભધારણ કરવાની ક્ષમતામાં ઘટાડો થતો જાય છે. આનું મોટું કારણ એ છે કે તેમના શરીરમાં જન્મ સમયે ચોક્કસ સંખ્યામાં ઇંડા હોય છે. જેમ જેમ તેમની ઉંમર થાય છે, તેમના શરીરમાં ઇંડાની સંખ્યા ઓછી થતી રહે છે. આ ઉપરાંત, વૃદ્ધાવસ્થા સાથે ઇંડાની ગુણવત્તામાં ઘટાડો થાય છે, અને તેમાંના મોટાભાગના ફળદ્રુપ રહેતાં નથી. તેથી, તમારા માટે 20 થી 35 વર્ષની ઉંમરે બાળકો પેદા કરવાનું વધુ સારું રહેશે.
બાળકો વહેલા અથવા મોડાં પેદા કરવાના બધાના જ પોતાના કારણો હોય છે અને બંને સ્થિતિમાં તેના પોતાના જ ફાયદા અને ગેરફાયદા પણ હોય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.