રસોઈ

બેસન નો હલવો અને સેવઈ નો હલવો રેસિપી, મહેમાનો આવે ત્યારે બનાવો વખાણ કરી કરીને થાકી જશે – નોંધી લો

હલવો નામ સાંભળી ને મોં માં પાણી આવી ગયું ને. જી હા તમે દૂધી નો હલવો, ગાજર નો હલવો, મગદાળ નો હલવો, વગેરે હલવા ખાધા હશે. અને મીઠાઇ નું નામ પડે એટલે વિચાર આવે કે ચાલો ફટાફટ ખાઈ લઈએ. કાજુ, બદામ, પિસ્તા થી ભરપૂર હલવો એવું નામ સાંભળી ને મજા પડી જાય. મહેમાનો આવે ત્યારે આપણે જોઈએ છીએ કે મીઠાઈ માં રવા નો શીરો અથવા દૂધી નો હલવો હોય. પરંતુ ક્યારેય કઈક નવીન, એ પણ મીઠાઇ ની વાનગી બને એવું તમે વિચાર્યું છે? તો હવે અમે તમને આપીશું આવી જ એક સ્વીટ, મસ્ત અને સૂકા મેવા થી ભરપૂર મીઠાઈ બેસન નો હલવો.

બેસન ના તમે ભજીયા કે ગાઠિયા અથવા ઢોકળા ખાધા હશે અથવા તો બેસન ના લાડવા ખાધા હશે. પરંતુ જો તેનો હલવો બનાવવા માં આવે તો, કઈક અલગ અને નવીન આઈટમ તમે પોતે પરિવારજનો સાથે તેમજ મહેમાનો આવ્યા હોય તો તેમના માટે એક નવી વાનગી પીસરી શકો છો. ચાલો આપણે શીખીએ બેસન નો હલવો બનાવવા ની સરળ રીત.

બેસન ના હલવા બનાવવા માટે ની સામગ્રી

 • બેસન- 1 કપ
 • દૂધ- 1 કપ
 • ખાંડ અથવા સાકર – 1 કપ
 • ઘી – 1/3 કપ (લગભગ 70 ગ્રામ)
 • નાની એલચી – 4
 • પિસ્તા – 1 ટેબલ સ્પૂન

બેસન નો હલવો બનાવવા ની રીત

સૌપ્રથમ બેસન ને દૂધ માં નાખી ખૂબ સારી રીતે ભેળવી દો. તેને સારી રીતે ચીકણું કરી લો. અને પછી 5 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.

હવે પિસ્તા ને ખૂબ જ ઝીણા અને પાતળા સમારી લો. એલચી ને ફોલી તેને પણ પીસી લો અને એલચી નો પાઉડર બનાવી લો.

હવે એક જાડું વાસણ લો અને તેમાં ઘી નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો. આ વાસણ જો નોન સ્ટીક હોય તો વધુ સારું રહેશે. હવે બધુ ઘી તેમાં નાખી દો, માત્ર એક નાની ચમચી જેટલું રહેવા દો. જ્યારે ઘી ઓગળી જાય ત્યારે તેમાં દૂધ માં ભેળવેલો બેસન નાખી દો. હવે આને 2 મિનિટ  માટે નીચે થી બ્રાઉન થાય એટલું શેકી લો.

હળવો શેકાય જાય પછી બેસન ને પલટી નાખો. હવે બીજી બાજુ ને પણ આવી જ રીતે હળવી શેકી લો. હવે એક ચમચો લઈ ફેરવતા રહો અને ધીમા તેમજ મધ્યમ તાપે સતત હલાવતા રહો. જ્યારે આ બેસન બ્રાઉન દેખાવા લાગે ત્યારે અને તેમાથી ખૂબ જ મસ્ત સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે તમારો બેસન શેકાય ને તૈયાર છે. આ બેસન ને શેકાતા લગભગ 15 થી 20 મિનિટ થાય છે.

બેસન શેકાય ગયો છે હવે તેમાં એક કપ પાણી અને ખાંડ નાખી મિશ્ર કરી દો. આ મિશ્રણ ને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તે સારી રીતે ચડી ના જાય તેમજ આ મિશ્રણ એકદમ જાડું ના થાય અને બેસન માથી ઘી છૂટું ના પડે. તમે જોશો કે ઘી છૂટું પડી ગયું હશે તો ગેસ બંધ કરી દો.

બેસન નો હલવો બની ને તૈયાર છે. તેને એક જુદા વાસણ માં કાઢી તેની ઉપર વધેલું જે ઘી હતું તે નાખી દો અને પિસ્તા ને પણ ઉપર થી નાખી સજાવી લો. ગરમ-ગરમ બેસન નો સ્વાદિષ્ટ હલવો ખૂબ જ આનંદ ની ખાઓ અને ખવડાવો.

સલાહ – આ બેસન ના હલવા માં તમે કાજુ, બદામ, કિશમિશ અંજીર વગેરે પણ નાખી શકો.

સેવઈ નો હલવો બનાવવા માટે ની સામગ્રી

 • સેવઈ- 100 ગ્રામ (1 કપ) (બીરજ)
 • ઘી – એક ટેબલ સ્પૂન
 • ખાંડ – 100 ગ્રામ
 • કાજુ – 10 થી 12 (કાજુ ના 5-6 ટુકડા કરી દો)
 • બદામ – 6-7 (લાંબા અને પાતળા કરી લો)
 • કિશમિશ – 20-25
 • નાની એલચી – 4-5 (ફોલી ને પીસી લો )

સેવઈ નો હલવો બનાવવા માટે ની રીત

સૌપ્રથમ એક વાસણ માં ઘી ગરમ કરી તેમાં સેવઈ નાખી તેને હળવા બ્રાઉન રંગ  ની થાય ત્યાં સુધી શેકી લો અને પછી તેને એક પ્લેટ માં કાઢી લો. ત્યાર બાદ વાસણ માં વાધેલા ઘી માં સેવઈ ના માત્રા કરતાં ત્રણ ગણું વધારે પાણી ભેળવી ગરમ કરી લો.

જ્યારે પાણી ખૂબ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં શેકેલી સેવઈ અને સૂકો મેવો નાખી ધીમા તાપે ગેસ ઉપર સેવઈ ને નરમ થાય ત્યાં સુધી ચડવા દો.

હવે તેમાં ખાંડ ભેળવી ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી બધી ખાંડ પાણી માં ભળી ના જાય. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં એલચી ભેળવી દો.

સેવઈ નો હલવો તૈયાર છે હવે તેને એક વાસણ માં કાઢી તેની ઉપર બદામ નાખી હલવા ને સજાવો, અને ગરમા ગરમ પીરસી બધા ને ખવડાવો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ