10 જ વર્ષમાં 15 મહિલાઓ સાથે પરણ્યો આ વ્યક્તિ…ક્યારેક ડોક્ટર તો ક્યારેક એન્જીનિયર બનતો, ભાડા પર લાવતો જાનૈયા

પોતાને ડોક્ટર બતાવી 35 વર્ષના અભણે ફસાઇ એન્જીનિયર અને પ્રોફેશનલ છોકરીઓ, પછી 15 લગ્ન બાદ આવી રીતે ફૂટ્યો ભાંડો

Bengaluru Man Multi Marriage: આ મામલો વાંચીને તમને આશ્ચર્ય થશે કે 35 વર્ષના એક યુવકે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા અને એ પણ પોતાને ડોક્ટર અને એન્જિનિયર ગણાવી. ખાસ વાત એ છે કે તેણે જે પણ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તે તમામ શિક્ષિત અને આત્મનિર્ભર છે. કેટલીક તો પોતે એન્જિનિયર અને ડોક્ટર છે તો કેટલીક સરકારી નોકરી કરે છે અને કેટલીક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પદ પર ઊંચા પગાર પર છે. આ માણસ બરાબર અંગ્રેજી બોલી શકતો નથી પણ તેણે જે કર્યું છે તેમાં ડઝનેકથી વધુ મહિલાઓ તેની જાળમાં ફસાઈ ગઈ છે.

15 મહિલાઓ સાથે કર્યા લગ્ન
35 વર્ષિય યુવકના 15 લગ્નનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલાએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી. બંનેના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા. કર્ણાટકમાં મૈસૂર સિટી પોલીસે બેંગલુરુના બનશંકરીના રહેવાસી મહેશ કેબી નાયકની ધરપકડ કરી છે. મહેશે 24 વર્ષની ઉંમરથી જ મહિલાઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું. 2014થી 2023 સુધીમાં તેણે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. મહેશે આ વર્ષે જાન્યુઆરીમાં મૈસૂરની એક સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એકાદ-બે મહિના સુધી બધું બરાબર ચાલ્યું. પણ પછી તેણે પૈસા માટે મહિલાને હેરાન કરવાનું શરૂ કરી દીધું.

ઘરેણાં અને ઘરમાં રાખેલી તમામ રોકડ લઈને ભાગી ગયો
બંનેએ આંધ્રપ્રદેશના એક શહેરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે યુવતીના માતા-પિતા પાસેથી દહેજ પણ લીધું હતું. મહિલા શરૂઆતમાં તેને તેની કમાણીમાંથી રકમ આપતી પણ હતી પણ પછી મહેશે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું કે તે હોસ્પિટલ બનાવવા માંગે છે, તેથી તે તેના પિયરથી પૈસા લાવે. જો કે મહિલાએ ના પાડતાં મહેશ તેના ઘરેણાં અને ઘરમાં રાખેલી તમામ રોકડ લઈને ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે ટીમો બનાવવામાં આવી હતી. મહેશનો મોબાઈલ સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો અને તપાસ દરમિયાન પોલીસને 15 મહિલાઓ મળી આવી જેણે મહેશ સાથે લગ્ન કર્યા છે.

નકલી ક્લિનિક ખોલ્યુ
પોલીસે આરોપીની તુમકુરથી ધરપકડ કરી અને તેને મૈસૂર લાવવામાં આવ્યો. મહેશના કેસમાં તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે તેણે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, તેમાંથી ચારને તો તેનાથી બાળકો પણ હતા. અન્ય એક મહિલાએ પણ પોલીસનો સંપર્ક સાધ્યો અને તેની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યુ. લગ્ન બાદ તે થોડા દિવસ મહિલાઓ સાથે રહેતો અને પછી ભાગી જતો. મહેશ મહિલાઓને પોતાની જાળમાં ફસાવવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કરતો હતો. પોલીસે જણાવ્યું કે મોટાભાગે તે પોતાને એન્જિનિયર અથવા ડોક્ટર ગણાવતો. ડૉક્ટર હોવાના દાવાને સાબિત કરવા માટે મહેશે તુમકુરમાં નકલી ક્લિનિક પણ ખોલ્યુ હતુ.

આરોપીએ માત્ર ધોરણ 5 સુધી જ અભ્યાસ કર્યો છે
લોકોને તેના પર વિશ્વાસ કરાવવા માટે તેણે એક નર્સ પણ રાખી હતી. મહેશને અંગ્રેજી બોલતા સાંભળીને ઘણી સ્ત્રીઓએ તેના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો. પોલીસે જણાવ્યું હતું કે લગ્ન બાદ મહેશે જેની પણ સાથે છેતરપિંડી કરી તેમાંથી કોઈએ પણ ફરિયાદ કરી નહોતી. પોલીસે જણાવ્યું કે કદાચ તેઓએ શરમ અને કલંકના ડરથી છેતરાયા હોવાનો અહેસાસ થયા પછી ક્યારેય ફરિયાદ ન નોંધાવી. પોલીસે જણાવ્યું કે આરોપીએ માત્ર ધોરણ 5 સુધી જ અભ્યાસ કર્યો છે. આ મામલામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે નાયકના પિતાએ તેની સામે હત્યાના પ્રયાસનો કેસ પણ દાખલ કર્યો હતો. હાલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina