હે ભગવાન, ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હિમ્મત હોય તો જ જોજો વીડિયો, બાકી રહેવા દેજો

બેંગલુરુ શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં બેંગલુરુ મેટ્રો ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ની મુસાફરોથી ભરેલી બસના ડ્રાઈવરને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું. 40 વર્ષીય કિરણ કુમાર નામના આ ડ્રાઈવરનું બસ ચલાવતા સમયે જ અકસ્માતે અવસાન થયું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કિરણ કુમાર નેલમંગલાથી દસનપુરા તરફ જતા રૂટ 256 M/1 પર KA 57 F-4007 નંબરની બસ ચલાવી રહ્યા હતા. ફરજ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેઓ સ્ટિયરિંગ પર ઢળી પડ્યા. તે સમયે બસ કંડક્ટરની સૂઝબૂઝને કારણે બસને સુરક્ષિત રીતે રોકી દેવામાં આવી.

કંડક્ટરે જ્યારે ડ્રાઈવરને બેભાન થયેલા જોયા, ત્યારે તાત્કાલિક સ્ટિયરિંગ સંભાળીને બસને માર્ગની કિનારીએ લઈ લીધી. આ સમયસૂચકતાને કારણે બસમાં સવાર તમામ મુસાફરોની જાન બચી ગઈ અને મોટી દુર્ઘટના ટળી. ત્યારબાદ કંડક્ટરે કિરણ કુમારને નજીકની વી.પી. મેગ્નસ હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ચિકિત્સકોએ તેમને મૃત જાહેર કર્યા. કંડક્ટરે તરત જ વરિષ્ઠ અધિકારીઓ અને મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરી.

બસના સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. દૃશ્યોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર અચાનક ઢળી પડ્યા, જેના કારણે બસ ડાબી તરફ વળી અને અન્ય BMTC બસને અથડાઈ. કંડક્ટરની સતર્કતાને કારણે મુસાફરોની સલામતી જળવાઈ રહી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં. આ ઘટના સવારે 11 વાગ્યે બની હતી.

BMTCના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટના સમયે બસમાં માત્ર 10 મુસાફરો હતા અને કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે કુમાર તદ્દન તંદુરસ્ત હતા અને તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. કંડક્ટર અને સહકર્મીઓએ પણ તેમને દિવસ દરમિયાન સ્વસ્થ અને સામાન્ય સ્થિતિમાં જોયા હતા. હસનના વતની કિરણ કુમાર પોતાની પાછળ પત્ની અને 5 વર્ષની પુત્રીને છોડી ગયા છે.

Divyansh