છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર નિભાવતા ઘનશ્યામ પાઠકે થોડા સમય પહેલા જ દુનિયાને અલવિદા કહ્યુ હતુ, તેઓના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. ત્યારે હવે ફરી એકવાર દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી ફારુખ જાફરનું નિધન થઇ ગયુ છે. તેમણે 88 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
જણાવી દઇએ કે, તેમણે ફિલ્મ “ગુલાબો સિતાબો”માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા નિભાવી હતી. તેઓ ફાતિમા બેગમ તરીકે જોવા મળ્યા હતા. ફારુખ જાફરના નિધનની ખબર તેમના પૌત્ર શાઝ અહમદે ટ્વિટર પર શેર કરી હતી. તેણે ટ્વીટ કરી લખ્યુ હતુ કે, મારી દાદી સ્વાતંત્ર્ય સેનાની પત્ની પૂર્વ એમએલસી વરિષ્ઠ અભિનેત્રી ફારુખ જાફરનું નિધન સાંજે 7 વાગ્યે લખનઉમાં થયુ છે.
સ્ક્રીન રાઇટર જૂહી ચતુર્વેદીએ ઇન્સ્ટાગ્રામ પર ફારુખ જાફર માટે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે એક તસવીર પણ શેર કરી હતી. ફારુખ જાફરનો જન્મ 1933માં જૌનપુરના જમીનદાર પરિવારમાં થયો હતો. બાદમાં તેમના લગ્ન એક પત્રકાાર અને સ્વાતંત્રતા સેનાની સૈયદ મોહમ્મદ સાથે થયા જે બાદ તેઓ 16 વર્ષની ઉંમરે લખનઉ ચાલ્યા ગયા. તે સૈયદ મોહમ્મદ જાફર હતા જેમણે તેમને આગળ ભણાવ્યા અને પછી થિયેટર ફિલ્મોનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કર્યા.
ફારુખ જાફરે લખનઉ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યુ અને જલ્દી જ તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી કરી લીધી. તેમનું નામ એ લોકોમાં સામેલ છે જે આકાશવાણી લખનઉમાં પહેલા મહિલા અવાજોમાંના એક હતા. તેમણે 1996માં આ નોકરી છોડી અને પછી પતિ સાથે દિલ્લી ચાલ્યા ગયા અને અહીં આકાશવાણીની ઉર્દૂ સેવામાં સામેલ થઇ ગયા.
ફારુખ જાફરે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1981માં ફિલ્મ ઉમરાવ જાનથી કરી હતી. આ ફિલ્મમાં તેમણે રેખાની માતાનું પાત્ર નિભાવ્યુ હતુ. તે બાદ 2004માં તેમણે બીજી ફિલ્મ સ્વદેશમાં કામ કર્યુ. પછી પીપલી લાઇવ, ચક્રવ્યૂહ, સુલ્તાન અને તનુ વેડ્સ મનુમાં તેઓ જોવા મળ્યા હતા. વર્ષ 200ૃ19માં આવેલ નારાયણ ચૌહાણની અમ્મા કી બોલીમાં તેમણે મુખ્ય પાત્ર નિભાવ્યુ હતુ.
ગુલાબો સિતાબો સહિત અનેક ફિલ્મોમાં કામ કરનાર ફારુખ જાફરને 88 વર્ષની ઉંમરે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેર પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની શોર્ટ ફિલ્મો મેહરૂન્નિસા, રુક્સ, કુંદન, નંદી હજી રીલિઝ થવાની બાકી છે.
સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા મેહરૂ જફરે જણાવ્યુ કે, 4 ઓક્ટોબરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાને કારણે તેમની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડતી જઇ રહી હતી. ઓક્સિજન લેવામાં તેમના ફેફસા પૂરી રીતે અસમર્થ થઇ ચૂક્યા હતા. સાંજે 6 વાગ્યે હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.