આ છે આધુનિક ભારતનો ડીઝીટલ ભિખારી, જેની સામે તમે નહિ કાઢી શકો છુટ્ટા ના હોવાનું બહાનું, ગળામાં લટકાવીને ફરે છે QR કોડ

આપણે ઘણીવાર કોઈ પ્રવાસન સ્થળ ઉપર જઈએ કે પછી બજારની અંદર નીકળ્યા હોઈએ ત્યારે ભીખ માંગવા ભિખારી આપણી આસપાસ આવી જાય છે. ઘણા લોકો તેમને 2-5 કે 10 રૂપિયા આપતા હોય છે. તો ઘણીવાર આપણી તે ભિખારીને પૈસા આપવાની ઈચ્છા હોવા છતાં પણ આપણી પાસે છુટ્ટા પૈસા ના હોવાના કારણે તેમને કઈ આપી શકતા નથી.

પરંતુ હવે બદલાઈ રહેલા જમાનામાં એક ભિખારીએ ભીખ માંગવા માટે પણ હાઈટેક ટેક્નિક અપનાવી છે અને હવે આ ભિખારી પાસે તમે પણ છુટ્ટા પૈસા ના હોવાનું બહાનું નહિ બનાવી શકો, કારણ કે આ ભિખારી એટલો હાઈટેક છે કે તેની પાસે ફોન પે, પેટીએમ, અને ગુગલ પે જેવી સુવિધાઓ છે અને તે પોતાના ગળામાં જ કયુઆર કોડ લટકાવીને રાખે છે, જેને સ્કેન કરીને તમે ડીઝીટલ પેમેન્ટ કરી શકો છો.

આ ડીઝીટલ ભિખારીની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખુબ જ ચાલી રહી છે. આ ભિખારી બિહારના બેતિયા જિલ્લામાં રહે છે અને તેનું નામ રાજુ પટેલ છે. 30 વર્ષથી રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતો રાજુ ડિજિટલી ભીખ માંગવા માટે ઘણી જ ચર્ચામાં આવી રહ્યો છે. રાજુ દેશના એ થોડા ભિખારીઓમાંનો એક છે જે પોતાને ડિજિટલ ભિખારી કહે છે.

રાજુએ આ બાબતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “મારા પિતાનું 2002માં અવસાન થયું અને હું 2005થી ભીખ માંગું છું અને રાત્રે મંદિરમાં સૂઈ જાઉં છું.” જ્યારે ભિખારીને પૂછવામાં આવ્યું કે ઓનલાઈન ભીખ માંગવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તો તેણે કહ્યું કે જે ઓટોમાં આવીને કાર્ડ બનાવતો હતો તેણે મને કહ્યું કે રાજુ તું પણ આવી રીતે કાર્ડ બનાવી ઓનલાઇન ભીખ માંગ. જેના બાદ રાજુએ પણ બેંકમાં ખાતું ખોલાવીને ઓનલાઇન પેમેન્ટ લેવાનું શરૂ કર્યું.

રાજુએ જણાવ્યું કે, “છેલ્લા 20-25 દિવસથી ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરીને ભીખ માંગું છું. દરરોજ મને લગભગ 200 રૂપિયા મળે છે.”  ભિખારી રાજુએ જણાવ્યું કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે મારા 80 હજાર રૂપિયા ગાયબ થઈ ગયા હતા. મારું બોક્સ, જેમાં મારા પૈસા રાખવામાં આવ્યા હતા, સ્ટેશન પરથી ગાયબ થઈ ગયા. તેણે કહ્યું કે મને જે પૈસા મળે છે તેનાથી અમે ખાઈ-પીએ છીએ અને બેંક ખાતામાં જમા કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે કુલ 25 હજાર રૂપિયા ભેગા કર્યા છે.

Niraj Patel