સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલા જ 12માં ધોરણની વિદ્યાર્થીનીએ ગળે ટુંપો ખાઈને જિંદગીનો લાવી દીધો અંત…

માં-બાપે બસ આટલું કહ્યું ને દીકરીને માઠું લાગી ગયું, 12માં ધોરણની વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા, જાણો અંદરની આખી મેટર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી ગયા છે. જેમાં ખાસ કરીને સ્કૂલ અને કોલેજમાં ભણતા બાળકોના આપઘાત કરવાની ઘટનાઓ પણ ચિંતાનો વિષય બની રહી છે. માતા પિતા દ્વારા કોઈ નાની વાતે ઠપકો આપતા પણ બાળકો જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ઘણીવાર પરીક્ષાના ભાર નીચે દબાઈને પણ બાળકો આપઘાત કરવાનું વિચારી લેતા હોય છે.

હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં બોર્ડની પરીક્ષા આપતા પહેલા જ એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવી લેતા પરિવારના માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે. ગત 14 માર્ચથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઇ છે અને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. પરંતુ આ પરીક્ષાના બે દિવસ પહેલા જ સુરતમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિનમાં આવેલા બોણંદ ગામના ડુંગરી ફળિયામાં નાનાના ઘરે રહેતી અને ભરી ગામમાં આવેલી મોસમ સ્કૂલના ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરનારી રોશની રાઠોડે ઘરના રસોડાની અંદર ગળે ટૂંપો ખાઈને પોતાની જિંદગીનો અંત આણી દીધો હતો. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસે આ મામલે વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે પણ પુછપરછ કરી હતી. ત્યારે રોશનીના આપઘાતને લઈને તેના ભાઈ સુનલે જણાવ્યું હતું કે તેની બહેનનું 17 માર્ચના રોજ પહેલું પેપર હતું. તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી અને તેને ભણવા બાબતે કોઈનું દબાણ પણ નહોતું, પરંતુ તેને ગામના એક છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે વાત ના કરવાનું કહેવાના કારણે તેને આપઘાત કરી લીધો.

મૃતક રોશનીના ભાઈએ એમ પણ જણાવ્યું કે તે ગામમાં જ રહેતા એક છોકરા સાથે વાત કરતી હતી અને તે છોકરો યોગ્ય ના હોવાના કારણે પરિવારે તેની સાથે વાત કરવાની રોશનીને ના પાડી હતી અને પરીક્ષામાં ધ્યાન રાખવા માટે કહ્યું હતું. જે વાત તેને લાગી આવી અને એટલે જ તેણે ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું. સુસાઇડ નોટમાં પણ તેણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે પોલીસે આ મામલે હવે સુસાઇડ નોટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel