ખબર

5 મહિના સુધી રાજકોટના એક 6 વર્ષના બાળકના નાકમાં ફસાયેલો રહ્યો બેટરીનો સેલ, ડોક્ટરોએ બહાર કાઢવામાં માટે…..

નાના બાળકોને ગમે તેટલું સમજાવો તે મસ્તી કરવાનું ક્યારેય ભૂલતા નથી, પરંતુ મસ્તી મસ્તીમાં ઘણીવાર એવા કામ પણ કરી બેસે છે જેના કારણે તે મોટી મુસીબતમાં પણ મુકાઈ જતા હોય છે, રમતા રમતા તે ઘણી વસ્તુઓ ગળી જતા હોય છે કે નાકમાં પણ ફસાવી દેતા હોય છે, ઘણા બાળકોને નાકની અંદર પેન્સિલ ફસાવી દેવાના કિસ્સાઓ આપણે જોયા હશે, પરંતુ હાલમાં રાજકોટમાંથી એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવેલા ડો. ઠક્કરની હોસ્પિટલમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 6 વર્ષના બાળક આર્યન હિતેશ ચૌહાણના નાકમાંથી 5 મહિના પહેલા ફસાયેલો બેટરીનો સેલ બહાર કાઢવામાં આવ્યો છે.

આ બાબતે આયર્નના પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી આયર્નને શરદી મટતી નહોતી તેમજ તેના જમણી તરફના નાકમાંથી પીળા રંગનું ઘટ્ટ અને દુર્ગંધ મારતું પ્રવાહી બહાર નીકળતું હતું. અને તેનું એક નાક બંધ થઇ જતું હતું અને દુઃખાવો પણ રહેતો હતો.

તેના પિતાએ વધુમાં જણાવ્યું કે વારંવાર દવાઓ લેવા છતાં પણ કોઈ ફર્ક ના પડતા તેમને એક્સરે કરાવ્યો હતો અને એક્સરે રિપોર્ટમાં જણાવા મળ્યું કે આર્યનના નાકમાં એક મેટલની વસ્તુ ફસાયેલી છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો અને ત્યાં ડોકટરે ઓપરેશન દ્વારા ગણતરીના સમયમાં જ તેના નાકની અંદર મેટલ જેવી વસ્તુ દેખાતી બહાર કાઢી હતી. આ વસ્તુ બહાર આવતા ખબર પડી કે તે બેટરીનો સેલ હતો.

આયર્નના પિતાએ એ પણ જણાવ્યું કે પાંચ મહિના પહેલા રમત રમતમાં આર્યને બેટરીનો સેલ નાકની અંદર ફસાવી લીધો હતો. ડોક્ટરોએ પણ સમય વેડફ્યા વગર તરત જ દૂરબીનની મદદથી તેનું ઓપરેશન કરીને તે સેલને બહાર કાઢ્યો હતો.

ડોક્ટર ઠક્કરના જણાવ્યા અનુસાર બાળકની ઉંમર 6 વર્ષની હોવાના કારણે થોડી તકલીફ વધારે હતી. તેમને જણાવ્યું કે બેટરી સેલની અંદર રહેલા ઝેરી કેમિકલ નાકમાં પ્રવેશી અને તેના પડદાને નુકશાન પહોંચવી રહ્યા હતા. તેમજ ચામડીને પણ નુકશાન પહોંચવી રહ્યા હતા. તેમજ પાંચ મહિના જેવો સમય થયો હોવાના કારણે તે સેલની આસપાસ ચામડી પણ જામી ગઈ હતી. જેના કારણે સેલને કાઢવો મુશ્કેલી ભર્યો હતો.

આ રીતે ડોકટરે મહેનત કરી અને 6 વર્ષના આર્યનનો જીવ બચાવી લીધો હતો. આ સાથે જ ડોકટરે એમ પણ જણાવ્યું કે બાળકોનું રમતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે શું મોઢામાં નાખે છે ? કાન અથવા નાકમાં નાખે છે ? તેનું ધ્યાન પણ રાખવું જોઈએ, કારણ કે આવી નાની બાબતો ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.