દિલધડક સ્ટોરી નારી વિશે મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“બટક બોલી અંજના” – ક્યારેક આપણી ખામી પણ બીજાને માટે ખૂબી બની જતી હોય છે, વાંચો લેખકની કલમે

અમરેલીથી ઉપડેલી અને વેરાવળ તરફ જતી રેલગાડી જયારે ચલાળા પહોંચી ત્યારે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોઇને લોકો પોતાની સીટ પર પહોળા થઈ થઈને બેસવા લાગ્યાં જેથી સ્ટેશન પર ઉભેલા લોકોને લાગે કે રેલગાડીમાં જગ્યા નથી.

રેલગાડીના સાતમાં ડબ્બામાં નથુઆતા પોતાના મોટા દીકરા અને ગામના બે જુવાનીયા સાથે વેરાવળ જતા હતા. રેલ ગાડી વેરાવળ લગભગ સાડા બારે પહોંચવાની હતી. નથુઆતા ત્યાંથી પ્રાચી જવાના હતા. પોતાની પત્ની લીલીને અવસાન પામ્યે એક મહિનો થયો હતો. લીલીના ત્યાં એ ફૂલ પધરાવવાના હતા અને પ્રાચીના પીપળે પાણી રેડવાના હતા. સોરઠ બાજુ કહેવત પ્રચલિત છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી!! બનેનું પુણ્ય સરખું જ મળે. ચાર દીકરા અને બે દીકરાની મા લીલી જીવનનો મોટાભાગનો સમય નથુઆતા સાથે ગાળીને સ્વધામ જતી રહી હતી. ભગવાને તેમની બધી જ ઇચ્છાઓ પૂરી કરી હતી પણ એક છેલ્લી ઈચ્છા બાકી રાખી હતી. સહુથી નાના સુમિતના લગ્ન પોતે જીવે છે ત્યાં સુધીમાં થઇ જાય એવી લીલીની ખુબ જ ઈચ્છા હતી. પણ એ ઈચ્છા પૂરી ન થઇ અને અચાનક જ લીલી ચાલી ગઈ. અચાનક જ ચાલી ગઈ!! બાકી એને નખમાંય રોગ નહોતો!!

લીલી મૃત્યુ પામી એવા સમાચાર એને સીમમાં મળ્યા હતા. અને એ તરત જ ઘરે આવ્યા હતા. અને નથુઆતા જોર જોરથી રડી પડ્યા હતા. ગામ આખાની આંખો ભીની હતી. સહુ ભાઈબંધ અને નાતાદારો એને સમજાવતા રહ્યા કે
“લીલી ભાગ્યશાળી થઇ ગઈ છે. લીલી ચુંદડી ઓઢીને ગઈ છે તમારી લીલી!! એક સિવાયના પાંચ પાંચ છોકરા પરણાવી દીધા છે. અત્યારના યુગમાં કોઈ વહુ દીકરાઓ પાસે સેવા કરાવ્યા વગર સ્વધામ જાવું એ પણ ભગવાનનો આભાર માનવા જેવું છે. એમાં રોવાનું નો હોય નથુભાઈ જે જન્મે છે એને ચોક્કસ મરવાનું તો છે!! નામ એનો નાશ થવાનો છે. આપણે હીંમત રાખવી જોઈએ અને બધાને હિંમત આપવી જોઈએ. તમે ભલાદમી થઈને આમ ભાંગી પડશો તો તમારા છોકરાનું શું થશે!! ભાયડા માણસ થઈને આમ રોવાતું હશે!! તમે સમજણા થઈને આવું કરો છો!!”

ગામડાગામમાં આજે પણ એ વણલખ્યો નિયમ કે સમજણું હોય એ ક્યારેય રોવે જ નહિ!! ખેર જે થવાનું હતું એ થઇ ગયું. મોટો મુંબઈ થી ભાવનગર વિમાનમાં આવી ગયો હતો એવી જ રીતે એનાથી બેય નાના પણ સુરતથી મારતી મોટરે આવી ગયા હતા. અને સહુથી નાનો સુમિત વડોદરા ભણતો હતો પણ પરીક્ષા પૂરી થઇ ગઈ હતી એટલે અહી ગામડે જ હતો!! લીલીની સ્મશાનયાત્રા નીકળી!! અને ઘરે એકલા નથુઆતા પાછા પોક મુકીને રડી પડ્યા હતા!! પાણીઢોળ પૂરું થયા પછી સહુ દીકરા પોતપોતાના ધંધે ચાલી નીકળ્યા. સુમિત પણ ભણવા વડોદરા જતો રહ્યો. બસ એક મોટો સવજી રોકાયો હતો. અને નથુઆતા એ કહ્યું કે.

Image Source

“પ્રાચીના પીપળે તારી માના ફૂલ પધરાવવા છે. આપણે કાલે અમરેલી થી રેલગાડીમાં બેસી જઈએ. રાત સોમનાથ રોકાઈને બીજા દિવસની રેલગાડીમાં પાછા આવી જઈશું. સાથે વજુ અને ભીખાને પણ લેતા જઈશું”
“ કાઈ વાંધો નહિ!! રેલગાડીમાં ન જવું હોય તો મોટર લઈને જઈ આવીએ.” સવજી બોલ્યો.
“ મને મોટરમાં અસખ થાય છે. અમે રહ્યા દેશી એટલે એસી વાળી મોટરું અમને નથી ફાવતી. ઇના કરતા રેલ ગાડી જ સારી છે. અને ખોટી મોટર શું કામ માંગવી કોઈની પાસે?? રેલગાડી જ પેલેથી સદી ગઈ છે.. ભાડુંય સસ્તું અને મોકળાશનો પાર નહિ!!” નથુઆતા બોલ્યા.

સવજી મહિનાથી એટલા માટે જ રોકાયો હતો. પોતાની માતાના અવસાનથી હવે નથુઆતા ને અહી કાકા દાદા ના ભાઈઓના સહારે મુકવા કરતા એ પોતાની સાથે મુંબઈ લઇ જવાનો હતો. એણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું.
“જુઓ બાપા અત્યાર સુધી તો મારી બા તમને રાંધી દેતા હતા. પણ હવે ઈ ય નથી. સુમિત કાઈ વડોદરાથી અઠવાડિયે અઠવાડિયે થોડો આવે?? એટલે અહીની ખેતીની ઝંઝાળ બધી મુકો પડી અને મારી હારે તમારે મુંબઈ આવવાનું છે. આપણે કાઈ મુંબઈમાં સંકડાશ તો છે નહિ. બોરીવલીમાં તમારે જલસા કરવાના છે જલસા.. તમારી જેવા ઘણા ત્યાં પોતાના સંતાનો સાથે રહે છે.. અને જો તમે નહિ માનો તો મુંબઈથી હું આવતો રહું લબાચા લઈને!! આપણને તો ખેતી પણ ફાવે!! બોલો સારી વાત તમારી!! તમારે જેમ કરવું હોય એમ” અને નથુઆતા બોલ્યા.

“તારે કઈ અહી આવવું નથી. તારા છોકરાના ભણતર મારે કઈ બગાડવા નથી. હું તારી ભેળો આવીશ બસ ચંત્યા કરમાં તું ખોટી” અને આ એક મહિનામાં ઘર અને ખેતર ભાયુંને સોંપીને નથુઆતા મુંબઈ જવાની પૂરી તૈયારી પણ કરી લીધી હતી. બસ છેલ્લે આ પ્રાચીમાં ફૂલ પધરાવવાનું કામ પૂરું થઇ જાય એટલે ગામમાંથી નીકળી જવાના હતા. બસ પછી તો પ્રસંગોપાત ગામના દર્શન થવાના હતા!!

Image Source

અમરેલી થી મોકળાશ વાળી રેલગાડી ચલાલાથી ભરચક થઇ ગઈ. નથુઆતાના ડબ્બામાં આઠેક છોકરીઓનું ધામચડું ચડ્યું. અને જાણે કાબરોનો કલબલાટ જોઈ લ્યો.
“ એ ય પાછળના ડબ્બા સાવ ખાલી છે છોડીયું આ ડબ્બામાં તમે ખોટી ચડિયું છોવો!! આમાં તો જગ્યા જ નથી. ઉભીયું ઉભ્યું તમે થાકી જાશો એના કરતા વાહલા ડબ્બામાં વયું જાવને તો બેસવાની જગ્યા મળી જાય” નથુઆતા ની સાથે આવેલ ભીખો બોલ્યો અને જવાબમાં આઠેય છોડીયુંની ગેંગ લીડર જેવી એક લાલ તી શર્ટ પહેરેલ ચબરાક છોકરીએ વાદળી ગોગલ્સ આંખ પરથી ઉતારીને હાથમાં ગોળ ગોળ ફેરવતા કહ્યું.

“વાહલા ડબ્બા ખાલી જ છે તો તમે જ ન્યા વ્યા જાવને!! અમે તો આ ડબ્બામાં જ રહેશું.. બોલો કોઈને કાઈ તકલીફ છે?? રીઝર્વેશન કરાવ્યું છે આ ડબ્બામાં???” સહુ ચુપ થઇ ગયા અને એની સાથે રહેલી છોકરીઓ બધી જ ખડખડાટ હસી પડી.

નથુઆતા જોઈ રહ્યા હતા. બધીય છોકરીઓના હાથમાં એક એક પર્સ અને મોબાઈલ હતા. બધીય છોકરીઓએ જીન્સ અને ટી શર્ટ પહેર્યા હતા. બધી જ છોકરીઓ આનંદમાં હતી. મોટાભાગનીએ તો કાનમાં દટીયું ભરાવીને સંગીતના તાલે ડોલતી હતી. ડબ્બા આખામાં કલબલાટ વ્યાપી ગયો હતો. અને ચલાળાથી ગાડી ઉપડી!!

થોડીવાર પછી ટુકડીની ગેંગલીડર એવી છોકરીએ ડબ્બામાં ઉપર સુતેલાને જગાડી જગાડીને જગ્યા કરી કરીને ઉભેલી સ્ત્રીઓ અને નાના છોકરાઓને બેસાડવા લાગી. નથુઆતા અને તેના ભાઈબંધોને પણ કહ્યું.
“વડીલ સો સો ગ્રામ આઘા ખસોને તો એકની જગ્યા થઇ જાય.. મારે નથી બેસવું પણ બિચારા પેલા માજી સંડાસ પાસે ઉભા છે એને બેસાડવા છે.. હાલો જરીક જરીક બાપલીયા.. આપણે ગામડાના માણસો નહિ સમજે તો શહેર વાળા થોડા સમજશે?? હાલો હાલો હમણા આ પંખીનો માળો વીંખાઈ જશે. ક્યાં કોઈને ભેગું રહેવું છે તે આમ એક બીજા સામે કાતર મારો છો..સહુનો સાથ સહુનો વિકાસ!! એ આને જ કહેવાય!! આ પણ એક જાતની દેશ સેવા જ છે!! બોર્ડર પર જાવ તો જ દેશ સેવા થાય એવું નથી. રેલગાડીમાં કોઈને બેસવા માટે જગ્યા ફાળવવી એ પણ એક જ જાતની દેશ સેવા છે!!” આખા ડબ્બામાં હવે છોકરીઓ સિવાય કોઈ ઉભું જ નહોતું. સહુને સાંકડ મુકડ બેસારી ને આ કાબરોનું ટોળું હવે સેલ્ફીઓ પાડતું હતું. ટ્રેનના બારણા પાસે ડોકાઈને ચાલુ ગાડીએ મોબાઇલથી ફોટા લઇ રહ્યું હતું. આખો ડબ્બો આ બધીય છોકરીઓને જોઈ રહ્યો હતો. અમુક સ્ત્રીઓ કે જે ઉભી હતી ડબ્બામાં એને જગ્યા કરીને આ છોકરીઓએ બેસાડી હતી એ પણ હવે મોઢા ચડાવીને વાતો કરતી હતી.

“આટલી છૂટ નહિ સારી.. આ ભણતર નો કહેવાય.. છોકરીની જાતને શરમ અને સંકોચ હોવા જોઈએ!! આ તો બધીયું ખીખીયાટા કરે છે ખીખીયાટા!!”
“આ લાલ ટી શર્ટ વાળીએ જ બધીયને ચડાવી મારી હોય એમ લાગે છે. એ આ બધાની મોરીયાત લાગે છે. અને હું તમને શું કવ.. આના મા બાપને સાવ રેઢીયું મુકતા શરમેય નહિ આવી હોય!! નથુઆતા પણ આ છોકરીયો તરફ જોઈ જ રહ્યા હતા. અચાનક એણે મોટી જીવરાજ બીડી સળગાવી અને લાલ ટી શર્ટ વાળી જોઈ ગઈ!! બારણેથી એ સીધી જ સીટ પર આવી જ્યાં નથુઆતા બેઠા હતા. આવીને તરત જ બોલી.

“દાદા આ ધુમાડિયું કેમ શરુ કર્યું.. ઓલવી નાંખો.. હાલો અને ઓલવીને બારીની બહાર ના નાંખતા.. નહિતર આટલું જંગલ હવે માંડ બચ્યું છે!! માણસો પોતાના જીવનમાં મંગલ લાવવા માટે જંગલનો નાશ કરતા ગયા છે.. આવી જ રીતે આગ લાગે છે જંગલમાં.. ચાલો એ મને આપી દો બીડી. હું વોશબેસિનમાં નાંખી દઈશ પાણી સાથે” મોટો દીકરો સવજી કંઇક બોલવા જતો હતો ત્યાંજ એને નથુઆતા એ એને સાનમાં સમજાવ્યો પણ પેલી લાલ તી શર્ટ વાળી જોઈ ગઈ એટલે તરત જ સવજી બાજુ ફરીને બોલી.

“મિસ્ટર તમને કઈ તકલીફ છે?? તમારી સાથે દાદા બેઠા છે એટલે તમારા સબંધી થતા હોવા જોઈએ. તમારે એને વારવા જોઈએ.. આ સાંકળની નીચે આવડું મોટું બોર્ડ છે ધુમ્રપાનની મનાઈ એ નથી દેખાતું. બીડી પીધા વગર ન જ રહેવાતું હોય તો હમણા એક સ્ટેશન આવશે ત્યાં ઉતરીને આઘે જઈને પી લેવાની શું સમજયા!! તમે આમ ઊંચા નીચા થાવ છો તે તમને આમ તકલીફ છે?? કાંક કહેવું છે એમ મને લાગે છે”

“અરે એ મારો દીકરો છે એને કશું પણ નથી કહેવું હે જોગમાયા તમે આહીંથી હવે સિધાવો” બે હાથ જોડીને નથુઆતા એ હસતા હસતા કહ્યું. બાકીની છોકરીઓ પણ આવી ગઈ હતી એમાંથી એક પીળા ટી શર્ટ વાળી બોલી.

“મુક્યને લપ તુય અંજના!! તને આવી ખોટી માથાકૂટ કેમ ગમે છે હે!! જો દાદાએ બીડી તો ઓલવી નાંખી છે તું તારી જીભથી વાતને શું કામ સળગાવે છે” આ વાત સાંભળીને નથુઆતાને ખ્યાલ આવ્યો કે આ ભારાડી છોડીનું નામ અંજના છે!! વળી પાછું આખા ડબ્બામાં આ છોકરીઓ ધીંગા મસ્તી કરતી ગઈ. એકે તો વળી વિડીઓ કોલ પણ કર્યો અને ઘરના બધા સભ્યો સાથે વાતો કરી. વિસાવદરમાં વળી આખું ધામચડું ઉતર્યું. વિસાવદરથી થમ્સઅપના બાટલા અને ગરમા ગરમ દાળ વડાના પડીકા લઈને પાછી છોકરીઓ ચડી. ડબ્બામાં હતા એ બધા નાના નાના છોકરાને એક એક વડું પરાણે આપીને વળી ડબ્બામાં બધાના દિલ જીતી લીધા.

વળી પેલી સ્ત્રીઓ વાતું કરવા લાગી.
“આમ તો જીવની બહુ સારિયું લાગે છે.. ખાલી બોલ્યે સહેજ કોબાડ લાગે છે.”
“તોતડી જીભ સારી પણ તોચડી નહિ સારી.. ગમે તેટલા જીવની સારિયું ના હોય પણ જીભડો મોટો એટલે પાછા આવવાના ચાન્સ વધી જાય” ધીમે રહીને એક ઉમર છાંડી ગયેલ અપરણિત શિક્ષિકા બોલી.

“લ્યો દાદા હવે સમાધાન કરી નાંખીએ!! વડા ખાવ!! વિસાવદરના વડા મસ્તીના આવે.. દાંત તો તમારા એકદમ મજબુત છે એટલે એમ નો કહેતા કે મારાથી ચવાશે નહિ!!” અંજનાએ વડા આપ્યાને નથુઆતાએ વગર બોલ્યે લઇ પણ લીધા. પોતાના ભાઈ બંધ ભીખા અને અને બીજા જુવાનિયાને આપી. એક વડું સવજીને પણ આપ્યું. સવજીએ પણ મને કમને લીધું. નાસ્તા પાણી પતી ગયા પછી વળી આ છોકરીયો મોબાઈલમાં મચી પડી. પછી તો દરેક સ્ટેશન આવે આ બધી વેજા હેઠી ઉતરે સ્ટેશન પરના બાંકડા પર બેસે!! ગાડીનો ઉપડવાનો પાવો વાગે!! એટલે દોડીને ગાડીમાં ચડે!! છેક વેરાવળ સુધી આમ જ ચાલ્યું!! વેરાવળ આવ્યું સ્ટેશનની બહાર આ ટોળું એક મોટી રિક્ષામા બેસીને સોમનાથ બાજુ ગયું અને નથુઆતા ઉપડ્યા પ્રાચી તરફ!! પ્રાચી બીજી બધી વિધિ પતાવીને રાતે સોમનાથ આવ્યા દર્શન કરીને રાત ત્યાં રોકાયા!! વળતે દિવસે વળી રેલગાડીમાં બેઠાં!! ત્યાં વળી ટોળું દેખાયું પેલું!! પણ આ વખતે એ બીજા ડબ્બામાં બેઠું હતું આ ડબ્બામાં નહિ!!

ત્રણેક દિવસ પછી સવજી સાથે નથુઆતા મુંબઈ જવા રવાના થયા. મુંબઈમાં એને બરાબરનું ફાવી ગયું હતું. ખાઈ પીને છોકરા સાથે ગઢીયા જલસા કરે તો લગભગ એને કોઈ વાંધો ના આવે પણ કાઠીયાવાડી ગઢિયાને ખોટી કશ મારવાની અને સુતળા સળગાવવાની બહુ મોટી ટેવ અને પરિણામે એ પોતે તો હેરાન થાય જ પણ છોકરાઓને પણ દુઃખીના દાળિયા કરી નાંખે!! નથુઆતાને આ ટેવ હતી જ નહિ પરિણામે એ શાંતિથી જીવન જીવતા હતા અને બીજાને જીવવા દેતા પણ હતા!!

“આતા ઘાટકોપરમાં એક કન્યા છે ત્યાં આપણે સુમિતનું જોવા જાવાનું છે.. સુમિતને આજે ફોન કરીએ એટલે કાલે એ આવી જાય.. મૂળ આપણી બાજુના છે.. વરસોથી મુંબઈ રહે છે.. છોકરીને કાલે મેં દહીંસર લગ્નમાં જોઈ!! સરસ છોકરી છે” સવજીએ એક વખત કહ્યું, નથુઆતાને હવે આ એક અબળખા બાકી હતી કે છેલ્લો દીકરો પરણે એટલે ભયો ભયો!!
વળી સાંજે સવજી બોલ્યો.

“સુમિતને કાલ્ય રજા મળે એમ છે નહિ.. રજા મળે પછી વાત!! સુરત વાળા પણ ક્યાંક સબંધ જોવે અને જેવી સુમિતને વાત કરે કે તરત જ સુમિત બોલે કૈંકને કૈંક બહાના કાઢે!!
“ કાલે મારે વાઈવા છે”
“કાલે પ્લેસમેન્ટ ની તૈયારી કરવાની છે”
“ કાલે પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે”
“કાલ અસાઈનમેન્ટ જમા કરાવવાની છે”
“ કાલ તો એન્યુઅલ ડે છે , ફંક્શન છે”

છેવટે સુમીતથી મોટો મયુર વડોદરા જઈને તાગ મેળવી આવ્યો કે સુમિતને વાંધો શેનો છે. બેય નાના ભાઈઓને મિત્ર જેવું બનતું અને છેવટે સુમિતે કહી દીધું કે એક છોકરી સાથે એ પ્રેમમાં છે. છોકરીના મા બાપને પસંદ પણ છે. છોકરી મૂળ તો કાઠીયાવાડી જ છે આપણી જ જ્ઞાતિની છે પણ એના માતા પિતાને બાજવામાં કેમીકલની ફેકટરી છે. અમે ત્રણ વરસથી સાથે ભણીએ છીએ અને છેલ્લા વરસ દિવસથી તો બપોર અને સાંજનું ભોજન એ છોકરીને ત્યાંથી જ આવે છે.. આમ છે આ બધું!!
છેલ્લે મયુર બોલ્યો.

“દિવાળી ટાણે હું સાચું જ કહેતો હતો કે સુમીત્યા તારું વજન વધી ગયું છે. વજન ત્યારે જ વધે કે જયારે ભોજન સાથે વહાલ ભળતું હોય બરાબરને હવે તું બધું મારી પર છોડી દે તને ગમે છે ને હું બે ય ભાઈને ગમાડી દઈશ.. બાપાનું હું કાઈ નક્કી ન કહું!! બાપાને ગળે તારે વાત ઉતારવી પડશે!!”
સાંજે મયુરે સવજીને ફોન કર્યો.

Image Source

“ખેતર આમ તો ભેળાઈ જ ગયું છે એટલે હવે એને જ ભાગીયું આપી દઈએ તો વાંધો શું છે?? આપણે ત્રણેય જે કામ ન કર્યું એ નાનાએ કરી બતાવ્યું છે.. ભાઈએ પોતાની જીવનસાથી ગોતી લીધી છે.. મેં છોકરીનો ફોટો જોયો છે.. સુમિત કરતા સાત દરજ્જે સારી છે.. એના પિતા ગાવડકા બાજુના છે એ પૈસે ટકે સુખી છે.. સહુથી નવાઈની વાત સુમિતને એ જમાઈ તરીકે જ સ્વીકારે છે.. વરસ દિવસથી સુમિત એના સસરાનું ટીફીન ખાય જ છે. હવે આપણે ખાલી ફોર્માલીટી નિભાવવાની છે. તમે બાપાને ખાલી એટલું કહેજો કે વડોદરા સબંધ જોવા જવાનો છે.. બીજું કાઈ નહિ.. ત્યાં જઈને આપણે હા પાડી દેવાની છે કે આ સંબંધ મંજુર છે!!”

ત્રણેય ભાઈઓએ પાકા પાયે પ્લાન કરી લીધો. રાજધાની એક્સપ્રેસમાં નથુઆતા અને સવજી વડોદરા આવી ગયા. સ્ટેશન પર સુરતવાળા ભાઈઓ આવી ગયા હતા. સુમિત રેલવે સ્ટેશન પર આવ્યો. પોતાના પિતાજી અને ભાઈઓ અને ભાભીઓને મળ્યો. મોટા ભાઈને કાનમાં કહ્યું.

“મારા સસરાએ એની કેમીકલની ફેકટરીની કર્મચારી લઈને આવવાની જે એસી બસ છે એ મોકલી છે તમને બધાને લઇ જવા માટે એ બસ રેલવે સ્ટેશન બહાર ઉભી છે ત્યાં ચાલો” બધા બસમાં ગોઠવાયા અને નથુ આતા બોલ્યા.
“આ આખી બસમાં આપણા સિવાય બીજું કોઈ નથી એમ કેમ?? આ બસ આપણે ભાડે કરી છે??”
“સુમિતના સસરા સોરી એ છોકરીના પપ્પાની બસ છે જે આપણને લેવા આવી છે” મયુર બોલ્યો.

અકોટાના વૈભવશાળી બંગલામાં બસ ઉભી રહી. એકદમ પોશ એરિયામાં બસ ઉભી હતી. ગેટ પર જ મહેમાનોનું સ્વાગત થયું. સરભરા થઇ.સહુ અંદર બેઠા. ખરેખર ભવ્ય બંગલો હતો. શરબત આવ્યું. ચા કોફી આવી અને છેલ્લે મુખવાસ લઈને દીકરી આવી અને નથુઆતા ચક્કર ખાઈ ગયા!!

આ તો પેલી રેલ ગાડી વાળી બહુ જ બોલકી અંજના જ છે!!! સવજી પણ ઓળખી ગયો!! સામે અંજના પણ ઓળખી જ ગઈ કે આ પેલા બીડી વાળા દાદા અને આ એનો મોટો દીકરો!! સહુ બેઠા રહ્યા પણ નથુઆતા બોલ્યાં.
“ આ તમારી દીકરી ઉનાળામાં ત્યાં ગાવડકા જ આવી હતી ને ત્યાંથી વેરાવળ ગઇતી ગાડીમાં! એની બહેનપણીઓ હાર્યે સાચું કે ખોટું???”

“ હા સાચું પણ તમને કેમ ખબર્ય” સુમિત બોલી ઉઠ્યો.
“ આખી ગાડીમાં આણે ને એની બહેન પણીઓ એ ઉપાડો લીધો હતો.. આખો ડબ્બો માથે લીધો હતો પણ એ વાત જવા દ્યો!! આ સબંધ આપણને તો મંજુર છે!!!” સહુ નવાઈ પામી ગયા.
અંજના પણ નવાઈથી બધા સામું જોઈ રહી હતી અંજનાના માતા કૈલાસ બહેન બોલ્યા.

“અમારે એ બહુ લાડકી છે.. ખોટા લખણ નહિ પણ બોલવા જોઈએ. .હું એને ઘણી ના પાડતી કે બહુ બોલીશ ને તો પછી કોઈ સહન નહીં કરે સાસરિયામાં તો કહે કે હું એવું જ પસંદ કરીશ કે જ્યાં મારું બોલવું પસંદ હોય!! અંજના ના જન્મ પછી જ અમારે સારું થયું. બાકી તો એના પાપા નોકરી કરતા કેમિકલ એન્જીનીયરની. અંજના જન્મીકે બીજે જ દિવસે એક પાર્ટનર મળી ગયા અને ફેકટરી નાંખી. અમારા માટે અંજના સારા પગલાની છે. એને કોલેજમાં સુમિત ગમી ગયો. બને વચ્ચે પ્રેમ થયો. ઘરે આવીને એના પાપને વાત કરી. એના પાપા કદી ના જ ન પાડે અને એણે કહી પણ દીધું કે બેટા તારી પસંદ હોય ત્યાં જ તને પરણાવીશું ભાગ્યશાળી છે અમારી દીકરી એ જ્યાં જશે ત્યાં સહુને સુખી કરશે” બોલતા બોલતા કૈલાસબેનની આંખ ભરાઈ આવી.

Image Source

“ બહેન તમે રડો નહિ. તમારી દીકરી અમારે ત્યાં પણ એવી જ રીતે રહેશે.. જેમ તમે રાખી હતી એમ જ!! રેલગાડીમાં મેં એને જોઇને મને મારી લીલી યાદ આવી ગઈ હતી. લીલી પણ આવી જ બોલકી હતી. અમે ચાર ભાઈઓ હતા પણ લીલી બધાને પહોંચી જાય. અમે શરમમાં રહીએ પણ લીલી તો સાચું કહી દે!! મોટા ઘરમાં આવી એકાદ વહુ તો જોઈએ જ કે જે ઘરનો કારોબાર સંભાળી શકે!! આ મારા ચાર દીકરા અને એની ત્રણ વહુઓ છે પણ મોઢામાં જીભ જ નહીં એમ કહો તો પણ ચાલે!! એક બોલવા વાળું અને મારફાડ હોવું જ જોઈએ નહીતર ગામ વાળા અને સમાજવાળા તમને ઘોળીને પી જાય બહેન!! આ અંજનાને જોઈ પછી હું તો માની જ ગયો હતો કે આવી જ વાચાળ છોકરી મારા સુમિતના ઘરમાં આવશે એટલે તમે મૂંઝાવમાં!! જીવનમાં ખૂબીઓ જ મહત્વની નથી હોતી ક્યારેક ખામીઓ પણ મહત્વની બની જતી હોય છે” નથુઆતા બોલ્યા અને સહુના ચહેરા ખીલી ઉઠ્યા!! પછી તો બધું પાકા પાયે ગોઠવાયું.

રેલવે સ્ટેશન પર અંજના અને તેના મમ્મી પાપા બધાયને વળાવવા આવ્યા. ગાડી આવી અંજના નથુઆતાને પગે લાગી. નથુઆતાએ આશીર્વાદ સાથે પાંચસોની નોટ આપી અને અંજના બોલી. “ બાપુજી મારે પૈસા નથી જોઈતા.. શું જોઈએ છે એ તમને ખબર છે” સહુ વાત સાંભળી રહ્યા હતા. તરત જ નથુ આતા એ મોટી જીવરાજ બીડીનું બંડલ કાઢ્યું ખિસ્સામાંથી અને કહ્યું.

“ આ લે બેટા આજથી બીડી બંધ!! તને જે વસ્તુ નથી ગમતી એ આ ઘરમાં ક્યારેય નહિ થાય.. બસ હવે ઝડપથી મારા સુમિતની વહુ બની ને આવી જા એટલે સ્વર્ગમાં બેઠેલી એની મા લીલી પણ ખુશ થાય અને બોલે કે સવજીના બાપે અસલ મારા જેવી જ સુમિત માટે ગોતી કાઢી છે!! બસ લીલી ના આશીર્વાદથી આપણા કુટુંબમાં લીલી વાડી થશે!! આંખમાં આંસુ સાથે નથુઆતા બોલતા હતા. જોકે એના આંસુઓ હરખના હતા!! ટ્રેન ઉપડી અને અંજના બધાની સાથે હાથ હલાવતી રહી!!

જીવનમાં ખૂબીઓ જ જરૂરી નથી. ક્યારેક આપણી ખામી પણ બીજાને માટે ખૂબી બની જતી હોય છે.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks