લેખકની કલમે

બસ, આટલો જ પ્રેમ. મારી જોડે આવી લાગણીઓની રમત કેમ રમી…. મારે કઇ સાંભળવું નથી – વાંચો સ્ટોરી

એક દુજે કે લિયે…..

એક એના જ ખ્યાલમાં દરેક પળ રેલાય
આગમન હોય એનું ને ગુલાબ વેરાય..

શાંત સ્વભાવ, કોમળ હદયની સીમા જ્યારે પણ કોલેજ કેમ્પસમાં પગ મૂકે કે કેટલાય હૈયાહલી જતા. ઘણા તેના દીવાના હતા. કેટલાય છોકરા તેની આવવાની રાહ જોવામાં લાઈનમાં ઉભા હોય, લગભગ તેના ક્લાસમાંથી કોઈ ભાગ્યેજ બાકી હશે જેને સીમાને પ્રપોઝ ના કરેલ હોય.

આજે પિન્ક કલરનો પાયજામો તેના ઉપરનો ભરત ભરેલ ખમીશ. આછા પિન્ક કલરની લિપસ્ટિક, અને નિલપોલીશ નું મેચિંગ જોઈને તેના દીવાના વધી જતા હતા.

ભલેને આશિકોની સંખ્યા વધે. સીમાને કોઈ ફર્ક પડતો ન હતો. બધાના દિલ અહીં તો તૂટી જતા હતા. લોકો એજ વિચારતા હતા કે આ ગુલાબ નું ફુલ કોના ભાગ્યમાં હશે. સીમા ગુલાબની શોખીન હતી.

સીમાનું ઘર ખુબ સંસ્કારી હતું. તેના દાદા ઘરની પાછળની વાડીમાં વાવેલ ગુલાબ રોજ ચૂંટી લેતા અને તેમાંથી અત્તર બનાવતા હતા. સીમા માટે જ. સીમા જ્યાંથી પણ પસાર થતી કે ગુલાબની સુંગધ વાતાવરણમાં ભળી જતી હતી.

મયંક પટેલ આજ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે સીમાનો ક્લાસમેટ હતો.શાંત સ્વભાવ, બોલવાની મીઠી વાણી ગમેતેવા ને મોહિત કરતી. તે ખુબ હસમુખા સ્વભાવનો હતો. વાંચનનો ખુબ શોખીન જીવડો હતો. તે પુસ્તકોને ખુબ પ્રેમ કરતો હતો. તેના ઘરે પણ ઘણા પુસ્તકો હતા. આમે તે લાયબ્રેરીનો ખુબ ઉપયોગ કરતો હતો.સાહિત્યની બુક લેવા એક દિવસ સીમા લાયબ્રેરીમાં ગઈ. સાહેબે કહ્યું ” સામેની બાજુ છે લઇ લો “. સીમા બુક લેવા તો ગઈ પણ બુક સુધી પહોંચતી ન હતી. મયંક ત્યાં જ બાજુમાં ખુરશી ઉપર બેસીને વાંચતો હતો. સીમાએ એક ટેબલ લીધું અને તેના ઉપર ચઢીને બુક લીધી. ઉતરતા તેનો પગ ખસી ગયો ને તે મયંકના ઉપર જ પડી. મયંકને પણ ધક્કો વાગતા ખુરશી સાથે જમીન ઉપર પડયો અને સીમા તેના ઉપર પડી.તેના બદનમાંથી આવતી ગુલાબની મહેકે મયંકના મનમાં અનેરો તરવરાટ જગાવી દીધો. સીમાને પણ પહેલી વાર એક પુરુષની ત્વચાનો અહેસાસ થયો હતો. તે પોતાની જાતને સંભાળવા ત્યાંથી ઉભી થઇ. તે મયંકને ” ઓહ, ! આઈ એમ સોરી “. કહીને ત્યાંથી ચાલતી થઇ. આજે સીમા ખુબ લાચાર હતી.

સીમાના દિલમાં જગા બનાવવી કઇ આસાન કામ ન હતું. મયંક પણ જેટલો શાંત હતો એટલોજ જાદુગર હતો. કોલેજમાં ખબર પડી કે સીમા પડી ગઈ મયંક ઉપર તો ઘણા લુખ્ખા મિત્રો કહેતા ” વાહ , નસીબદાર તો છે”. રાતે સીમાના વિચારો આવતા હતા. આજે પહેલીવાર એક એવો અહેસાસ થયો હતો. જેની કલ્પના પણ તેને કરી ન હતી.

મયંકે મનોમન નક્કી કરેલું કે કોઈપણ સંજોગોમાં સીમાને પામવી. બીજા દિવસથી તેને કોલેજ બન્ધ કરી દીધી. તેને પોતાના મિત્રોને કહ્યું કે ” સીમાના પડવાથી મને છાતીના ભાગમાં દુખાવો થઇ ગયો છે”. આ વાત સીમાના કાને પડી. તેને પસ્તાવો થયો કે બુક લેવા ના ગઈ હોત તો સારું. આવા સવાલો મનમાં કરતી હતી.તેને મયંકનો નંબર લીધો એક ફ્રેન્ડ પાસે થી અને વોટ્સપ મેસેજ કર્યો રાતે ” આઈ એમ સોરી મયંક. વધારે તો નથી વાગ્યું ને”. સીમાનો મેસેજ આવેલો જોઈ ને મયંકના હ્દયને ખુબ ઠંડક થઇ. તેને જોયા પછી પણ જવાબ ના આપ્યો. એટલે સીમા વધારે ચિંતા કરવા લાગી. તેને એમ કે મયંકને વધુ વાગ્યું લાગે છે. ફરીવાર તેને મેસેજ કર્યો ” પ્લીઝ જવાબ આપો. વધારે વાગ્યું છે ?. મને માફ કરો યાર “.

જેમ સિંહ પોતાના શિકાર માટે હરણને પહેલા પોતાના જોડે અવવાની રાહ જોતો હોય છે અને જયારે નજદીક આવે કે તેની ઉપર તરાપ મારે કે તેને મોકો પણ મળતો નથી. તેમજ હરણ બેબસ થઇને સિંહના પગ નીચે દબાઈ જતું હોય છે.

મયંકે જરાયે ઉતાવળ ના કરી તેને મેસેજ કર્યો ” નો પ્રોબ્લેમ, સીમા.. થોડો દુખાવો છે”. સીમા કહે “ડૉક્ટર ને બતાવ્યું”. મયંક ” અરે , થોડા દિવસમાં મટી જશે. આ ક્યાં મોટો એક્સીડન્ટ છે”. આ તો ખાલી બોલવું જ હતું ને બાકી તો આ કેટલો મોટો અકસ્માત હતો એ મયંક જાણતો જ હતો.

સીમાએ રાતે મોડા સુધી વાત કરી અને સવારે કોલ કરવા માટે કહ્યું. હવે તો તેનો આવાજ સાંભળવા કાન પણ થનગની રહ્યા હતા. બેડમાં આમતેમ પાછું ફેરવીને રાત કાઢી. સવારે કોલેજ જઈને સીમાએ કોલ કર્યો ” હેલો મયંક કેમ છે.
” એકદમ ફાઈન છું. તું કોલેજ છે”. “હા, હવે તબિયત કેવી છે. ક્યારે કોલેજ આવીશ”.
” સારું છે જોવું હું થોડીવાર પછી કોલેજ આવવાની ઇચ્છા છે”.
“ઓકે હું તારી રાહ જોવું છું “.

મયંક તૈયાર થઈને કોલેજ ચાલ્યો. સીમા તો બહાર બાકડા ઉપર બેસીને તેની રાહ જોતી હતી. જેવું મયંકે પોતાનું બાઇક ઉભું કર્યું કે સીમા તેની જોડે પહોંચી ગઈ. બન્ને એકબીજા સામે ઉભા રહીને એક નાનકડું સ્મિત આપ્યું. સીમાના ચહેરા ઉપર ખુશી હતી. એથી વધારે મયંકના હ્દયનો આનંદ હતો.

બસ હવે તો બન્ને કાયમ કોલેજમાં સાથે જ રહેતા હતા. કોલ કરવા તેમજ સાથે ફરવું બન્નેને ખુબ ગમતું હતું. બીજા લોકો આ જોઈને કહેતા કે” કાગડો દહીંથરું લઈ ગયો “. જોકે સીમા કરતા થોડો જ શ્યામ હતો.

બન્નેનો પ્રેમ ખુબ જ આગળ વધી ગયો હતો. સીમાને પજવવાનિ પણ તેને મજા આવતી. બન્ને એકબીજામાં ખોવાયેલા રહેતા. લેક્ચરમાં પણ બન્ને જતા નહીં. બહાર કેન્ટિન કે બગીચામાં જ રહેતા હતા..દિવાળી વેકેશન પડતું હતું. અહીં એકપળ પણ દૂર રહી શકાતું નહીં એમને આટલા દિવસો દૂર રહેવું અશક્ય હતું પણ થાય છું મજબૂરી હતી. મયંક કહેતો ” ચિંતા ના કર આ દિવસો તો જતા રહેશે. થોડા દિવસની જ વાત છે એતો જતા રહેશે”. સીમાએ મજાક માં કહ્યું ” થોડા દિવસમાં તો લોકો ભૂલી પણ જાય. શું ખબર માણસ બદલાઈ જાય તો કાલે”. ” જોજે સીમા હું વચન આપું છું કે હું કોઈપણ પરિસ્થિતિમાં બદલાઈશ નહિ. તારો જ રહીશ”.

બન્ને કોલેજમાંથી છુટા પડ્યા. સીમા એક્ટિવા લઈને જતી હતી જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી એક નજરે તેને જોઈ. બસ!! એ ગઈ તે ગઈ પછી તો ના કોલ કે ના કોઈ સમાચાર. મયંકે ઘણા ટ્રાય કરેલ કોલના પણ નંબર લાગતો જ નહીં. મયંકને થયું કે થોડા દિવસ પછી તો કોલ લાગશે.પણ તેની આ ધારણા પણ ખોટી પડી.

આમને આમ તેની યાદમાં વેકેશન પણ પૂરું થઇ ગયું. જેટલી તાલાવેલી તેને વેકેશનમાં વાત કરવાની હતી એટલી જ કોલેજમાં મળવાની હતી. કોલેજમાં સવારે મયંક ગયો. દરવાજામાં જ તેની નજર હતી કે હમણાં સીમા આવશે પણ તે આવી નહીં. આમને આમ બે દિવસ થયા પણ તે નાં આવી.મયંકને કોલેજમાં એ દિવસો યાદ આવતા જ્યાં બન્ને બેસતા હતા. મજાક અને મસ્તી કરતા હતા. તેને હવે રહેવાયું નહીં તે. તેને સીમાની બધી જ ફ્રેન્ડને વાત કરી પણ તે કહેતી ” કોલેજમાંથી ગયા પછી તેનો કોઈ કોન્ટેક્ટ નથી. અમે પણ ઘણા ટ્રાય કરેલ છે.હવે તો મયંકને થયું કે કંઈક તો છે જ. તે સીમાના ભાડૂતી મકાનમાં ગયો.

ત્યાં ગયો તો મકાનને તાળું હતું. તેને બાજુમાં એક ભાઈ હતા તેમને વાત કરી તો તેમને સીમાના પિતાજીનો નંબર આપ્યો. મયંકને થયું કે હવે વાત કરું કે ના કરૂ . હજારો સવાલો તેન મનમાં હતા પણ જવાબ જડતો ન હતો.

વાત કર્યા વગર કઇ ઉદ્ધાર ન હતો. તેને સીમાના પિતાને કોલ કર્યો. સામેથી આવજ આવ્યો ” હેલો કોણ બોલો”. ” નમસ્તેજી હું મયંક બોલું સીમાનો ફ્રેન્ડ? સીમા જોડે વાત કરવી હતી”. સીમાના પિતાએ તરત સીમાને મોબાઇલ આપ્યો સીમાએ કહ્યું ” હેલો”. તરત જ તે બોલે તે પહેલા મયંક બોલ્યો ” મયંક બોલું. શું કરે ? “. પણ જાણે સીમા મયંકને જાણતી જ ના હોય એમ બોલી ” મયંક હવે મને ભૂલી જા. મારે પૈસાદર યુવક જોઈએ જે મને મળી ગયો છે. મારો પીછો ના કરતો તું. હવે મને ભૂલી જા”.

મયંક કઈ કહે તે પહેલા જ તેને કોલ કાપી નાખ્યો. આજે મયંકની આંખમાં આંસુ હતા. તેને થયું કે આજ મારો પ્રેમ. તેનું મન આ વાત માનવા તૈયાર ન હતું. પણ જે બન્યું તે સત્ય હતું જ તેને માટે. મયંકે નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં એકવાર તો સીમાને મળવું જ છે. અને તે સીમાના ઘરે જાવા બીજા દિવસે જ નીકળી ગયો, તેના વતનમાં.તેના ઘરે ગયા પછી ખબર પડી કે તેના ભાઈને વિદેશ જવાનું હોવાથી તત્કાલિક મંદિરમાં લગ્નનું આયોજન કરેલ છે. મયંક પણ ત્યાં પહોંચી ગયો. તેને જોયું તો સીમા બાજુમાં જ બેઠી હતી. તેની બાજુમાં તેની મમ્મી હતી. બધા વાતોમાં મશગુલ હતા. સીમાને જોઈને મયંકને ખુબ ગુસ્સો આવ્યો હતો.

તે સીમા ના પાછળ જઈને ઉભો રહ્યોને બોલ્યો ” સીમા “. સીમાના કાને અવાજ પડતા જ તેના હદયના ધબકારમાં વધારો થઇ ગયો. તેને પાછળ જોયું તો મયંક ઉભો હતો. મયંકે સીમાને કહ્યું “બસ, આટલો જ પ્રેમ. મારી જોડે આવી લાગણીઓની રમત કેમ રમી”. સીમા બોલી ” મારે કઇ સાંભળવું નથી. તું આવ્યો હતો તે રસ્તે પાછો ચાલ્યો જા. તું મારે લાયક નથી. અને હવે આજ પછી મારો પીછો પણ કરતો નહીં. મને યોગ્ય લાઈફ પાર્ટનર મળી ગયો છે”.

સીમાના આવા જવાબ થી પોતાના પ્રેમનું જે અભિમાન હતું તે ચકનાચૂર થઇ ગયું અને બોલ્યો ” સીમા હું તો તારા રૂહને પ્રેમ કર્યો હતો. જતા જતા એટલું જ કહું છું કે સદાય સુખી રહેજે”. આટલું બોલતા બોલતા તો તેની આંખોમાં આંસુ આવી ગયા. અને તે રડતી આંખે ત્યાંથી નીકળી ગયો. આજુબાજુ બેઠેલા બધા મયંકને જ જોઈ રહ્યા હતા.

મયંકને રડતો જતો જોઈને સીમાના પિતાથી રહેવાયું નહીં. તેઓ મયંકની પાસે ગયા. મયંકનો હાથ પકડ્યો અને તેને ખેંચવા લાગ્યા. મયંક તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. સીમા તો તેના પિતાને કહેતી હતી કે ” પાપા, તેને જાવા દો અહીંથી”. પણ સીમાનો આવાજ જાણે તેમના કાને પડતો જ ન હતો. તે સીમા જોડે આવીને ઉભા રહ્યા.સીમાના પિતાએ હતી એટલી તાકાત હૈયામાં એકઠી કરીને સીમા જ્યાં બેથી હતી એ જગાએ તેના ઉપરથી ચાદર હટાવી ને મયંક પણ જાણે શરીરમાંથી લોહી ઉડી ગયું હોય એમ એક લાશ જેવો બની ગયો. મયંક સીમાને જોઈને રડવા લાગ્યો અને સીમા પણ રડવા લાગી બોલી ” મયંક કોલેજથી ઘરે આવતા હું તારા જ વિચારોમાં ખોવાયેલી હતી ને અચાનક ટ્રક જોડે અથડાઈ એટલીજ ખબર હતી એક અઠવાડિયા પછી હું ભાનમાં આવી તો ખબર પડી કે મારે એક પગ નથી. મારી જિંદગી તો બરબાદ થઇ ગઈ હતી હવે તારી કેમ કરું. માટે જ હું આ નાટક કરેલું.” તેને સીમાને કહ્યું ” વાહ, સીમા હું સમજી ગયો તું આજે પણ મને જ પ્રેમ કરે છે પણ તું મને ખુશ રાખવા માટે તું દૂર જતી રહી. પગલી તારે એક પગ નથી તો શું થયું મારા પગ તો છે ને. બોલ હું તને લેવા આવ્યો છું તું મારી જોડે લગ્ન કરીશ”. સીમાએ પોતાનો હાથ આપ્યો.

મયંકે તેને ઊંચકી લીધી અને બોલ્યો ” ચાલ ચોરીના ફેરા ફરવા માટે . હું આજ તને અહીંથી સાથે જ લઇ જઈશ”. સીમા એ બાજુમાં ઉભેલી પોતાની માતા સામે જોયું તેમની આંખોમાં પણ અશ્રુ હતા. પણ આજે પોતાના દીકરાના લગ્ન કરતા પણ અનેરી ખુશી દીકરી વળાવવાની હતી.જાણે પોતાની માતાની આંખોમાં જવાબ મળી ગયો હોય એમ સીમાએ પોતાનો હાથ આપ્યો. મયંકે તેને ઊંચકી લીધી…..

એક પ્રેમ હતો રૂહનો જેની જીત થઇ. સીમા અને મયંક સાત જન્મના બંધનમાં બંધાઈ ગયા.

લેખક : મયંક પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.