વડોદરામાં પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે દૂધ લેવા નીકળેલી મહિલાને મારી ટક્કર, બંનેના કરુણ મોત..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય અકસ્માતની અંદર કેટલાય લોકોના મોત નિપજતા હોય છે તો કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. કેટલાક અકસ્માતના વીડિયો પણ સામે આવે છે જે જોઈને જ આપણા રૂંવાડા ઉભા થઇ જતા હોય.
ત્યારે હાલ એવો જ એક અકસમાત વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં સવારે દૂધ લેવા માટે નીકળેલી એક મહિલાને પૂર પાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે જબરદસ્ત ટક્કર મારી અને આ ગમખ્વાર અકસ્માતની અંદર મહિલા ઉપરાંત બાઈક ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા જુના પાદરા રોડ પર રહેતા મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા વહેલી સવારે જ દૂધ લેવા માટે નીકળ્યા હતા. ત્યારે જ અક્ષર ચોક તરફથી આવી રહેલા એક બાઈક સવારે તેમને જબરદસ્ત ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે મહિલા ઉપરાંત બાઈક રોડ પર પટકાતા 25 વર્ષીય બાઈક ચાલક રાઘવ સુબોધભાઈ ખેરસિંગરનું મોત નીપજ્યું હતું.
વહેલી સવારમાં જ બનેલી આ ઘટનાના કારણે રસ્તા પર પણ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક 108ને કોલ કર્યા બાદ બંનેના મૃતદેહને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પરિવારજનો પણ સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.