ખબર

વડોદરા સામૂહિક આપઘાત કેસ: પરિસ્થિતિ મોતની કગાર ઉપર લઇ આવી, જાણો વડોદરાના પરિવારે શું કામ વિચાર્યું સામુહિક આપઘાત કરવાનું ?

સમગ્ર ગુજરાતની અંદર ગઈકાલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટી, સી 13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના 6 સભ્યો દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઘટના ખુબ જ ચર્ચામાં છે.

આ દુઃખદ ઘટનાની અંદર ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોની હાલત ગંભીર હતી. ત્યારબાદ પરિવાર દ્વારા આવું પગલું શા કારણે ભરવામાં આવ્યું તે અંગેના ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ આમતો આર્થિક સંકળામણ જ સામે આવી રહ્યું છે, પરંતુ પરિવાર કેવી રીતે આર્થિક સંકળામણમાં ફસાયો તેને લઈને પણ કેટલાક ખુલાસાઓ થતા જોવા મળે છે.

Image Source

મળતી માહિતી અનુસાર પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોનીનો દીકરો ભાવિન સોનુ જે કમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતો હતો. પરંતુ કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં ધંધો સાવ ચોપાટ થઇ ચુક્યો હતો. જેના કારણે પરિવાર આર્થિક સંકળામણમાં મુકાઈ ગયો હતો. પરિવાર દ્વારા ઘરનો કેટલોક સમાન પણ વેચવામાં આવતો હતો તેની માહિતી પણ પાડોશમાં રહેતા લોકોએ આપી હતી.

ભાવિન આ દરમિયાન પરિવારનું ગુજરાન ચલાવવા માટે વ્યાજે અને ઉછીના નાણાં પણ લેતો હતો. પરંતુ ભાવિનના આ વ્યાજે નાણાં લેવા પરિવારને પણ ભારે પડી ગયા હતા, અને સતત આર્થિક સંકળામણના કારણે પરિવારે મોતને ભેટવાનું નક્કી કરતા થમ્સઅપમાં ઝેરી દવા ભેળવી અને પરિવારના 6 લોકોએ તે થમ્સઅપ પી લીધી હતી.

થોડા સમયમાં જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા, પરંતુ 2 કલાક મોત સામે ઝઝૂમી રહેલા દીકરા ભાવિને તરફડીયા ખાતા પોલીસને ફોન કર્યો હતો અને તેના પરિવાર દ્વારા સામુહીક આત્મહત્યા કરવાની વાત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને જાળીમાંથી પરિવારના સભ્યોને જમીન ઉપર પડેલા જોયા, પરંતુ જાળીને તાળું મારેલું હતું, જયારે પોલીસે બૂમ પાડી ત્યારે ભાવિને અંદરથી જણાવ્યું કે ચાવી બહાર ફેંકી છે, ત્યારબાદ પોલીસે  ચાવી શોધી તાળું ખોલ્યું અને ઘરમાં પ્રવેશી હતી.

પોલીસ જ્યારે ઘરમાં જઈને જોયું તો ત્રણ લોકો મૃત્યુ પામી ચુક્યા હતા અને ત્રણ લોકો તરફડીયા ખાઈ રહ્યા હતા, માટે સહેજ પણ સમય વેડફ્યા વિના અને 108ની રાહ જોયા વિના તેમને તરત જ થ્રિ વ્હીલ ટેમ્પોમાં નાખીને છાણીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનો જીવ બચી ગયો હતો.

નરેન્દ્ર ભાઈ સોની મૂળ સોખડા ગામના વતની હતા. અને વર્ષોથી તેઓ સમામાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સી-13 ભાડાના મકાનમાં રહેતા હતા. સ્વાતિ સોસાયટીમાં જ તેમનું 8 નંબરનું પોતાનું મકાન હતું, પરંતુ મકાન વેચ્યા બાદ તે એજ સોસાયટીમાં સી-13માં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.

આ દુઃખદ ઘટનાની અંદર પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આસપાસના લોકો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પરિવાર ખુબ જ મોટી આર્થિક સંકળામણમાં ફસાઈ ગયો હતો. જેના કારણે તેમને પોતાના ઘરનો સામાન પણ વેચવા માટે કાઢ્યો હતો. પોતાની કાર, મોપેડ તેમજ તેમની દીકરી રિયાની સાયકલ પણ માત્ર 500 રૂપિયામાં જ વેચી દેવી પડી હતી.

પોલીસ હવે આ મામલામાં વધારે તપાસ કરી રહી છે, જાણવા એવું પણ મળ્યું છે કે તેમને વાઘોડિયાની કોઈ સ્કીમમાં મકાન માટે પૈસા રોક્યા હતા, અને તે પૈસા પણ ફસાઈ ગયા હતા. પોલીસ હવે ભાવિને જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેમના દ્વારા કોઈ ત્રાસ તો નહોતો આપવામાં આવતા તેને લઈને તપાસ હાથ ધરી છે.
સૌજન્ય: દિવ્યભાસ્કર