એવું કહેવાય છે કે સપના જોવા માટે ના ઉંમર નડે છે ના તો પરિસ્થિતિઓ, પરંતુ બહુ જ ઓછા એવા લોકો હોય છે જે પોતાના સપના સાકાર કરવા માટે મહેનત કરતા હોય છે, અને તેમની મહેનત ફળે પણ છે અને પોતાના સપનાને એક દિવસ ચોક્કસ સાકાર કરીને બતાવે છે. આ વાતને સાબિત કરી આપી છે વડોદરાની ખુશ્બુ પરમારે.
ખુશ્બુએ બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરંતુ તેની માતાએ તેને ભણાવી અને આજે તે કમર્શિયલ પાયલોટ બની ગઈ છે. આ માટે ખુશ્બુને ગુજરાત સરકારે પણ આર્થિક સહાય કરી હતી, જેના કારણે આજે ખુશ્બુએ ઊંચા આકાશમાં પોતાના સપનાની ઉડાન ભરી છે.
વડોદરાના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ લઈને ઉછેરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારે બાળપણથી જ ઊંચા આકાશે ઉડવાનું સપનાયુ જોયું હતું. પરંતુ કિસ્મત પણ આ સપનામાં રોડ નાખવાનું કામ કરી ગયું. નાની ઉંમરમાં જ તેના પિતાનું નિધન થવાના કારણે પરિવારના માથે પણ આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ.
ખુશ્બુની માતા એક છત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે. તેમને પોતાની પરિસ્થિતિ સામે હાર ના માનતા દીકરીને આગળ વધારવાનું અને તેના સપનાને પુરા કરવાનું નક્કી કર્યું અને તેને ભણાવી. ધોરણ 12 સાયન્સ સુધી ખુબ જ લગન અને મહેનતથી અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકારની કમર્શિયલ પાયલોટ લાયસન્સ યોજનાએ તેનું સપનું પૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું.
ખુશ્બુનું આ સપનું સાકાર કરવામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત સરકારની યોજના હેઠળ 24.72 લાખની લોન મળી અને આખરે આ યોજના હેઠળ ખુશ્બુનું કોમર્શિયલ પાયલોટનું લાયન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સપનું આખરે પૂર્ણ થયું, જેના બાદ તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો.