ખબર

વડોદરા: લગ્નના દિવસે જ કન્યાના મોતથી બે પરિવારમાં દુઃખનો માહોલ, હજુ હાથની મહેંદી પણ સુકાઈ નહોતી

લગ્ન એ એક ખુશીનો પ્રસંગ છે, જેમાં એક નહિ પરંતુ બે પરિવારો વચ્ચે જીવનભરનો સંબંધ બંધાઈ જાય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નની અંદર કોઈ કસર બાકી નથી રાખવા માંગતા, પરંતુ જો કોઈ એવી ઘટના બની જાય કે જે તકલીફ આપે ત્યારે શું હાલત થતી હોય છે ?

આવું જ કંઈક હાલ વડોદરામાં થયેલું જોવા મળ્યું છે, જ્યાં લગ્ન માટે છેલ્લા કેટલાય વર્ષોથી રાહ જોઈને બેઠેલા 63 વર્ષીય વ્યક્તિને પોતાના સમાજની જ કન્યા સાથે લગ્નની ગોઠવણ થઇ જતા તે ખુબ જ ખુશ હતો, ધામધૂમથી લગ્નનું આયોજન પણ કર્યું, પરંતુ લગ્ન બાદ જયારે તે પત્ની સાથે ઘરે આવ્યો ત્યારે પત્નીનું અવસાન થઇ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપલછટ ગામની અંદર રહેતા કલ્યાણભાઈ બાબુ ભાઈ રબારી જેમની ઉંમર 63 વર્ષની છે તે પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના અસ્થિર મગજના ભાઈ અને વિધવા બહેનનું ભારણ પોષણ કરતા હતા. ચાર ચાર દાયકા વીત ગયા હોવા છતાં સમાજની કોઈ કન્યા સાથે તેમના લગ્ન થઇ રહ્યા નહોતા, જેના કારણે તેમને પણ માની લીધું હતું કે તેમના જીવનમાં પત્નીનું સુખ જ નથી લખાયેલું.

આ દરમિયાન જ એવું બન્યું કે તેમના એક સંબંધી દ્વારા ઠાસરામાં રહેતી 40 વર્ષીય લીલાબેન સાથે તેમના લગ્નની વાત ચાલી. બંને પરિવારનો મનમેળ થવાના કારણે લગ્ન નક્કી કરી લેવામાં આવ્યા .23 જાન્યુઆરીના રોજ કલ્યાણભાઈએ 5 ગામના લોકોને ભેગા કરીને જમણવારનું પણ આયોજન કરી અને ધામધૂમથી લીલાબેન સાથે લગ્ન કર્યા. લગ્નના બધા વિધિ પણ પૂર્ણ થયા અને વરઘોડીયુ ઘરે પહોંચતા સ્વાગત પણ કરવામાં આવ્યું.

આ દરમિયાન જ મીંઢળ ખોલવા સમયે જ અચાનક જ લીલાબેનને ચક્કર આવવા લાગ્યા અને તે ઢાળી પડ્યા, તેમને તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. કલોલની હોસ્પિટલમાં પહોંચતા જ ત્યાંના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વર્ષો બાદ લગ્ન થવાના કારણે ખુશ ખુશાલ બનેલા કલ્યાણભાઈ ઉપર પણ એક જ ક્ષણમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. બંને પરિવારમાં દુઃખનો માહોલ ફરી વળ્યો હતો. લીલાબેનને અંતિમ વિધિ માટે તેમના ગામ ઠાસરા લઇ જવામાં આવ્યા હતા, ત્યાંથી નજીક ગળતેશ્વરમાં તેમનો ણીતમઃ વિધિ કરવામાં આવ્યો હતો.