ખબર

પોલીસની વધુ એક બર્બરતા: યુવકે ના પહેર્યું માસ્ક તો પોલીસે હાથ અને પગમાં ઘુસાવી દીધી ખીલી, એસએસપીએ કહ્યું આ ષડયંત્ર છે

કોરોના કાળની અંદર ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને તમારું હૈયું પણ કંપી ઉઠે. કોરોના કાળમાં માસ્ક પહેરવું હવે ફરજીયાત બની ગયું છે. માસ્ક ના પહેરનાર સામે પોલીસ પણ હવે કડક બની છે અને દંડ તેમજ સજા પણ કરે છે, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમારા રુવાડા પણ ઉભા થઇ જશે. પોલીસ દ્વારા માસ્ક ના પહેરનારા વિરુદ્ધ હાથ અને પગમાં ખીલી ઠોકી દેવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર બરેલીના બારાદરીના મોહલ્લા જોગીનવાદા નિવાસી શીલા નામની એક મહિલાએ પોલીસ ઉપર તેના દીકરા રણજિતના હાથ અને પગમાં ખીલી ઠોકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શીલાનો આરોપ છે કે તેનો દીકરો રણજિત 24 મેના રોજ રોડના કિનારે બેઠો હતો. તે દરમિયાન જ બારાદરી પોલીસના ત્રણ સિપાહી પહોંચ્યા અને તેને માસ્ક ના પહેરવાના આરોપસર પકડી લેવામાં આવ્યો.

આરોપ લગાવવામાં આવ્યો છે કે આ વાતને લઈને પોલીસ અને તેના દીકરા વચ્ચે માથાકૂટ થઇ હતી. પોલીસ તેના દીકરાને પકડીને જોગીનવાદા ચોકીએ લઇ ગઈ. જયારે તેને આ મામલાની જાણ થઇ ત્યારે તે જોગીનવાદા પહોંચી. તેને પોલીસે જણાવ્યું કે તેના દીકરાને કોઈ કામ માટે મોકલવામાં આવ્યો છે.

થોડીવાર બાદ તેને જાણકારી મળી કે તેનો દીકરો ખેડાની તરફ જોવા મળ્યો છે. જયારે તે ત્યાં પહોંચી તો તેના દીકરાના જમણા હાથ અને જમણા પગની અંદર ખીલી ઠોકવામાં આવી હતી અને તે મરણીયા હાલતમાં પડ્યો હતો.  જયારે તેને પોલીસ પાસેથી આ વાતની જાણકારી માંગી તો તેને જેલમાં મોકલવાની ધમકી આપવા લાગ્યા.

મહિલા બુધવારના રોજ એસએસપી રોહિત સિંહ સજવાણની પાસે પોતાની ફરિયાદ લઈને પહોંચી હતી. એસએસપીએ જણાવ્યું કે મામલાની તપાસ કરાવવામાં આવી છે અને માલુમ પડ્યું છે કે 24 મેના રોજ રણજિત માસ્ક વગર ફરી રહ્યો હતો અને તેને પોલીસ સાથે અભદ્રતા કરી.

આ પ્રકરણમાં કેસ દાખલ કરવામાં આવ્યો જેના બાદ તે ભાગી ગયો તો પોલીસ તેની ધરપકડ કરવા તેના ઘરે ગઈ. એસએસપીએ એમ પણ જણાવ્યું કે ધરપકડથી બચવા માટે આ પ્રકારની ઘટના રચવામાં આવી છે.