કૌશલ બારડ નારી વિશે લેખકની કલમે

‘બાપુ, પરમ દિવસે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. હવે મારાથી ખોંખારો ના ખવાય!’ વાંચો દીકરીના બાપની અદ્ભુત સત્યઘટના

આપણા સમાજમાં દીકરીને કેટલી પવિત્ર, શુભકારી અને ગુણિયલ માનવામાં આવતી એનો આ પ્રસંગ વાંચશો તો ખ્યાલ આવી જશે:

જૂના જમાનાની વાત છે. એક નગરની બજારોમાં રાજ દરબારનો ઢોલી ઢંઢેરો પીટતો હતો,

“સાંભળજો, નગરજનો હો! રાજમાં નવો કાયદો મહારાજાની આજ્ઞાથી લાગુ થાય છે. આજ પછી દરબારગઢના દરવાજાની બરાબર સામેથી કોઈ નાગરિકે પસાર થવું નહી. પસાર થવું હોય તો પોતાનું વર્તન કાબૂમાં રાખવું. ખોંખારો ન ખાવો. અને જો ખોંખારો ખાવો હોય તો મૂછે હાથ રાખીને તાવ ન દેવો. અને આ બધું જો કરવું હોય તો ૧૦૦ રૂપિયા દંડના આપી દેવા!”

આખા નગરમાં સૂચના પ્રસરી ગઈ. નગરને ઝાંપે એક રાજપૂતનું ખોરડું. નામે દાનસંગ. એણે પણ ઢંઢેરો સાંભળ્યો. એનાથી આ સહન ન થયું.

બીજે જ દિવસે દાનસંગ બિલકુલ દરબાર ગઢના દરવાજાની સામેથી પસાર થયો. ખોંખારો ખાધો. મૂછે તાવ દીધો. અને ૧૦૦ રાણીસિક્કાનો દંડ પણ ભરી દીધો! એના પછીને દિવસે ફરી દાનસંગ નીકળ્યો. ખોંખારો ખાઈને મૂછે તાવ દીધો. દંડ ભરીને ચાલતો થયો! પછી તો આ રોજનું થઈ પડ્યું. રોજ દાનસંગ આવે. ઉપર જણાવી એ તમામ ક્રિયાઓ કરે અને દંડ ભરી દે.

Image Source

રાજાને કાને વાત પડી કે, આખા નગરમાં આ એક જ જણ આવું કરે છે. રાજાને આશ્વર્ય થયું. પોતાના નગરમાં પણ કોઈ માથાફરેલો છે એ જાણી ખુશી પણ થઈ.

પણ પછી એક દિવસ એવો ઉગ્યો કે બપોર થવા છતા દાનસંગ ન નીકળ્યો. રોજ પ્રભાતના પો’રમાં પોતાનો ભભકાદાર રાજપૂતી રૂઆબ લઈને પસાર થતો દાનસંગ રાત પડી તો પણ ન નીકળ્યો. એ પછી તો બીજા બે દિવસ પણ વીતી ગયા. પણ દાનસંગે તો જાણે નીકળવાનું બંધ જ કરી દીધું!

રાજાને કાને વાટ પહોંચી. રાજાના મનમાં વિચાર આવ્યો કે, મધ્યમવર્ગીય ઘરના દાનસંગ પાસે ચોક્કસ રૂપિયા ખૂટ્યા હશે! કોઈ માણસ કેટલા દિવસ સુધી ૧૦૦ રૂપિયા ભરી શકે? એમણે દાનસંગને ઘરેથી બોલાવી લાવવા કહ્યું.

દાનસંગ રાજદરબારમાં આવ્યો. મહારાજાએ પૂછ્યું, “ભાઈ! કેમ હવે દરબારગઢને દરવાજેથી નીકળવાનું બંધ કરી દીધું? તારો ખોંખારો તો મારા રાજની આબરૂ છે, દાનસંગ! રૂપિયા ખૂટી ગયા ભાઈ?”

“ના, બાપુ! રૂપિયા નથી ખૂટ્યા.” દાનસંગે જવાબ દીધો.

“તો?”

“બાપુ, પરમ દિવસે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે! હવે મારાથી ખોંખારો ખવાય નહી કે મૂછે તાવ અપાય નહી! અત્યાર સુધી બધું કરતો એ ઠીક હતું પણ બાપુ, હવે મારે ઘેર દીકરી જન્મી છે!”

Image Source

એક બાપની દીકરી પ્રત્યેની લાગણીનું આનાથી સારું ઉદાહરણ બીજું ક્યું હોય શકે? જિંદગીમાં કદી આંખમાં પાણી ન લાવનાર મરદ મૂછાળો પણ દીકરીની વિદાય વખતે ભાંગીને ભૂક્કો થઈ જાય છે.

[સારું લાગ્યું હોય તો આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે અવશ્ય શેર કરજો, ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks