જન્માષ્ટમી દરમિયાન મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભીડમાં 2 શ્રદ્ધાળુઓની મોત, આટલા બધા ઘાયલ થયા

જન્માષ્ટમીના દિવસે જ્યાં આખો દેશ ભગવાન કૃષ્ણની પૂજામાં વ્યસ્ત હતો, ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં યોજાનારી મંગળા આરતી યોજાઇ. આ દરમિયાન એકઠી થયેલી ભીડના દબાણને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભીડના કારણે સર્જાયેલા અકસ્માતમાં બે યાત્રાળુઓના મોત થયા હતા, જ્યારે 6-7 ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટના સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિર પરિસરમાં હાજર હતા. જન્માષ્ટમી પર મંગળા આરતી 1.55 વાગ્યે બાંકે બિહારી મંદિરમાં કરવામાં આવી. મંગળા આરતીના દર્શન માટે શુક્રવારે રાત્રે હજારો ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોની ક્ષમતા કરતા અનેક ગણા વધુ લોકો હોવાથી ભીડનું દબાણ વધી ગયું હતું. આ દરમિયાન મંદિરના એક અને ચાર નંબરના ગેટ પર ભીડના દબાણને કારણે બે ભક્તોના મોત થયા હતા.

અકસ્માતમાં નોઈડા સેક્ટર 99માં રહેતા નિર્મલા દેવી પત્ની દેવ પ્રકાશ અને રુકમણી બિહાર કોલોનીના રહેવાસી અને જબલપુરના વતની રામ પ્રસાદ વિશ્વકર્માનું મોત થયું હતું. પરિજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. શનિવારે સવારે સ્વજનો મૃતદેહને લઈને ઘરે ગયા હતા. મંદિરમાં અકસ્માત થયો તે સમયે ડીએમ, એસએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિત ભારે પોલીસ દળ હાજર હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેહોશ થયેલા ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ભીડ એટલી વધારે હતી કે લગભગ 50થી વધારે લોકો મંગળા આરતી દરમિયાન બેહોશ થઇને પડી ગયા હતા.SSPએ આજતકને જણાવ્યું કે ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો. મંદિરના સેવકોનો દાવો છે કે અધિકારીઓએ વીઆઈપીના નામે પોતાનું સ્ટેટસ બતાવ્યું અને પરિવારના સભ્યોને વિશેષ સુવિધાઓ આપી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેની માતાને લઈને આવ્યા હતા. મથુરા રિફાઈનરીના એક વરિષ્ઠ પોલીસ અધિકારી મંગળા આરતીમાં પરિવારના 7 સભ્યો સાથે હાજર રહ્યા હતા. સેવાદારોના જણાવ્યા અનુસાર અધિકારીઓના સંબંધીઓ ટેરેસ પર બનેલી બાલ્કનીમાંથી દર્શન કરી રહ્યા હતા. અધિકારીઓએ તેમના પરિવારની સુરક્ષા માટે ઉપરના માળના દરવાજા બંધ કરી દીધા હતા.

જેના કારણે લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી. લોકોના જણાવ્યા અનુસાર ડીએમ, એસએસપી, એસપી, જિલ્લા ન્યાયતંત્રના અધિકારીઓ પરિવાર સાથે વીઆઈપી દર્શનમાં વ્યસ્ત હતા. રાત્રે 2 વાગ્યે મંગળા આરતી શરૂ થાય તે પહેલા જ ભીડનું દબાણ વધવા લાગ્યું અને લોકો બેહોશ થવા લાગ્યા. પોલીસ-પ્રશાસને પહેલા પરિવારોને બહાર કાઢ્યા હતા.

Shah Jina