જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

શું દુકાનો અને વાહનો બંધ કરાવવાથી તમારી લડતને તમે સાર્થક કરી શકો? શું મળે છે કોઈની રોજીરોટી છીનવીને? વાંચીને જવાબ જરૂર આપજો

એનઆરસી અને સીએએના વિરોધમાં દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે. ઠેરઠેર જુઓ તો આંદોલનો હિસંક બનતા જાય છે. આખો દેશ જાણે ભયના માહોલમાં હોય એવું વાતાવરણ ઉભું થઇ ગયું છે. હવે તો પોતાનું ઘર છોડીને  જવાનો પણ ડર લાગે છે. એવું થાય છે કે ક્યાંક બહાર  નીકળીશું અને આ હિંસકતત્વો આપણને જ  ભોગ ના બનાવી લે?

Image Source

એવું નથી કે આપણો દેશ, આપણું રાજ્ય, આપણું શહેર સુરક્ષિત નથી. સુરક્ષિત તો છે પરંતુ આજકાલ દેશની શાંતિને કેટલાક લોકોએ ડહોળી નાખી છે અને આ એજ લોકો કરાવી રહ્યા છે જેઓ ઘરની અંદર છુપાઈને બેસી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી તેમનામાં ઉશ્કેરણી પેદા કરી રસ્તાઓ ઉપર મોકલી આવા આંદોલનો દ્વારા હિંસા ફેલાવી રહ્યા છે. એ લોકો તો ઘરમાં જ બેઠા હશે પરંતુ તેમનું અનુસરણ કરનારા લોકો તેમની વાતો ઉપર વિશ્વાસ મૂકી આંદોલનો પાછળ તૂટી પડે છે. એક તરફ આંદોલનના આગેવાનો શાંતિપૂર્ણ આંદોલનો કરવાની વાતો કરે અને બીજી તરફ ખાનગીમાં એજ લોકો ટોળાઓને હિંસા અને તોડફોડ કરાવવા માટે ઉશ્કેરતા હોય છે.

Image Source

આંદોલનોની સાથે સાથે આપણા દેશમાં હવે તો બંધ પણ પાળવામાં આવે છે. મને એ નથી સમજાતું કે બંધ પાળી અને ફાયદો શું થાય છે? શું બંધ કરાવવાથી જેના માટે તમે આંદોલનો કરો છે, જે તમારી માંગણીઓ છે, જે તમારા મુદ્દા છે એ બધું પૂરું થઇ જાય છે? અને હવે તો બંધ પણ જાણે ફરજીયાત પાળવાનું હોય તેમ જ લોકો ડંડા અને હથિયારો લઈને બળજબરી કરી બંધ પાળવા માટે ફરજ પાડે છે.

Image Source

શું કોઈની રોજી રોટી છીનવી લેવી એજ સાચા ભારતીય તરીકે ન્યાયની માંગણી છે? છેલ્લા કેટલાય દિવસથી ટીવીમાં જોઉં છું તો બંધના નામે લોકો આતંક જ ફેલાવતા જોવા મળે છે. કોઈ સામાન્ય માણસ રસ્તા ઉપર ઉભા રહી પોતાના એક દિવસની રોજી રોટી રળતો હોય, કોઈ દુકાનદાર દુકાન ખોલીને બેઠો હોય, કોઈ નાની હોટેલ કે ચાની રેંકડીવાળો  આખા દિવસની તૈયારી કરીને બેઠો હોય અને એવા લોકોની રોજીરોટી ઉપર લાત મારવાનું કામ કેટલું શોભા આપે એવું છે?

Image Source

આજે સવારે જ હું ટીવીમાં જોતો હતો કે કોઈ રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને નીકળ્યો હતો અને બંધ કરાવવા વાળા વિરોધીઓએ તેની રિક્ષાના કાચ તોડી નાખ્યા, મને બહુ જ દુઃખ થયું, એ લોકોએ જરા પણ વિચાર નહિ આવ્યો હોય કે એ રીક્ષાવાળની પરિસ્થિતિ કેવી હશે ત્યારે તે રીક્ષા ચલાવતો હશે, કેવી રીતે એને મહેનત કરી રીક્ષા વસાવી હશે, એજ રીક્ષામાંથી એ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવતો હશે અને રિક્ષાના હપ્તા પણ ભરતો હશે. પરંતુ આ હુલ્લડો કરવા વાળાને એનો અંદાજો ક્યારેય નહિ આવે. કારણ કે એમની માનવતા તો ત્યારે જ મરી પરવારી હતી જયારે એ લોકો આવા ખોટા કામ કરવા માટે પોતાની હાથમાં હથિયાર ઉઠાવ્યા હતા.

Image Source

દુકાન કે એ નાના ધંધાવાળા કે રીક્ષાવાળાનો સામાન તોડી, એનું નુકશાન કરી શું તમારો બંધ પાળવો સાર્થક થઇ ગયો ગણાશે? તમને તો એ બિચારા સામાન્ય માણસની વસ્તુઓ તોડવામાં આનંદ આવ્યો હશે, પરંતુ  જુઓ જરા જેને નુકશાની પહોંચી છે એ વ્યક્તિના દિલને, એના ઘરની હાલતને, તમે તો તમારા જુસ્સામાં એનું નુકશાન કરી નાખ્યું પરંતુ એ નુક્શાનની ભરપાઈ કરવામાં એને કેટલો સમય લાગવાનો છે એની પણ જરા કલ્પના કરજો!! ત્યારે સમજાશે કે એને શું ગુમાવ્યું છે.

Image Source

મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે જયારે જયારે બંધ પાળવાનો સમય આવે છે ત્યારે આવા નાના ધંધાવાળા કે જે કઈ બોલી નથી શકતા, એક દિવસની કમાણીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એવા લોકો સામે જ કેમ પોતાની દાદાગીરી બતાવે છે? એવા લોકોના સામાનની જ કેમ તોડફોડ કરે છે? ક્યારેય સાંભળ્યું છે કે એમને કોઈ ટાટા બિરલા કે અંબાણીની મિલકતને નુકશાન પહોચાડ્યું છે? ક્યારેય એ લોકોની કંપનીઓને બંધ પાળવા માટે મજબુર કર્યા છે? ના, કારણ કે એ લોકોની તેમને ત્યાં બોલવાની કે ત્યાં પોતાનો જુસ્સો બતાવવાની હિંમત જ નથી હોતી. ખરું ને?

Image Source

હું માનું છું કે સમસ્યા કોઈપણ હોય, એ ભલે એનઆરસી કે સીએએ બિલનનો વિરોધ હોય કે પછી પાટીદાર આંદોલન હોય કે બીજું કોઈ કારણ. બંધ પાળીને કાંઈજ મળવાનું નથી, ઉલ્ટાનું દેશની સાથે સાથે એ પરિવારને નુકશાનીનો સામનો કરવો પડે છે જે એક દિવસ પોતાનું પેટ ભરવા માટે મહેનત કરતા હોય છે. બંધ પાળવાના ચક્કરમાં એ દિવસે કેટલા લોકો દુઃખી થયા છે એનો જરા હિસાબ માંડજો, જો તમારા શરીરમાં પણ એક ભાવુક હૃદય હોય..!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.